સૃષ્ટિમાં મોટા કદના સજીવો વિશે આપણે ઘણું જાણીએ છીએ, પણ સૂક્ષ્મ જીવો ક્યાંય વધારે મોટી સંખ્યામાં મોજૂદ છે. આ જીવસૃષ્ટિની લાઈફ સાઈકલ વિશે આપણે ભાગ્યે જ કશું જાણીએ છીએ. અધરવાઈઝ સૂક્ષ્મ જીવોનો અભ્યાસ કરતા સમજાશે કે આ જીવસૃષ્ટિમાં પણ આઘાત અને આશ્ચર્યોની ભરમાર છે.

એક ટચૂકડો જીવ છે xenomorph wasp. પીએચડી કરી રહેલા ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ એરિન ફેગન-જેફ્રીઝ અને એના સાથીઓએ ભમરીની આ પ્રજાતિની શોધ કરી છે. મોટાભાગે આ ભમરી ઓસ્ટ્રેલિયામાં થાય છે. `ઝેનોમોર્ફ વાસ્પ' નામ જરા વિચિત્ર લાગ્યું ને? wasp એટલે ગુજરાતીમાં આપણે જેને `ભમરી' તરીકે ઓળખીએ છીએ તે. આમ તો આ ઝેનોમોર્ફ વાસ્પ દેખાવે થોડી માખી જેવી જ લાગે છે. ગ્રીક શબ્દ xenomorphના જુદા જુદા અર્થો છે, જે પૈકી એક સામાન્ય અર્થ એટલે વિચિત્ર આકારવાળો પરોપજીવી - બીજાના ભરોસે જીવન વ્યતીત કરતો જીવ. ઝેનોમોર્ફ ભમરી કેટલી હદે પરોપજીવી છે, એ જાણ્યા બાદ ભારતીય ન્યાયસંહિતા મુજબ એને આજીવન કેદની સજા ફટકારવાની ઈચ્છા થઇ આવશે.

માત્ર 5 મિલીમીટરના ટચૂકડા કદનું આ જીવડું યજમાન માટે ઘાતક નીવડે છે. એમાં વળી ઘણા કીટકોમાં જોવા મળતા લાંબા એન્ટેના તો ખરા જ, સાથે જ શરીર સાથે જોડાયેલું લાંબું ઓવિપોઝિટર (સોય જેવી રચના) પણ જોવા મળે. આ ઓવિપોઝિટરનો ઉપયોગ યજમાનમાં ઈંડાં નાખવા માટે થાય છે.

સૌથી વિચિત્ર બાબત હોય તો એ છે ઝેનોમોર્ફ વાસ્પની પ્રજનન પદ્ધતિ. ઈંડાં મૂકવા સુધી બધું નોર્મલ હોય છે, પણ ઈંડાં ક્યાં મૂકવા અને કઈ રીતે એમાંથી બચ્ચાં બહાર કાઢવાં, એ અંગેની ઝેનોમોર્ફની `ચોઈસ' સંવેદનશીલ માણસોમાં અરેરાટી પેદા કરે એવી હોય છે, કેમ કે ઝેનોમોર્ફ બીજા જીવિત સજીવના શરીરમાં પોતાનાં ઈંડાં રીતસર `ઇન્જેક્ટ' કરે છે. આ રીતે ઈંડાં ઇન્જેક્ટ કરવા માટે એનો ફેવરિટ જીવ એટલે યુકેલિપ્ટસનાં પાંદડાં ખાનારી ઈયળ.

આખી પ્રોસેસ તમે પહેલી નજરે જુઓ તો એમ લાગે કે ઈયળ અને ભમરી વચ્ચે સાંપ્રત રાજકારણને લગતી ચર્ચા થઇ હશે. સોશિયલ મીડિયામાં વારંવાર બને છે એમ કોઈક મુદ્દે બંને જીવડાં વચ્ચે તીવ્ર વૈચારિક મતભેદ સર્જાયો હશે અને બેઉ પોતપોતાનો કક્કો ખરો સાબિત કરવા બાથંબાથીએ ચડ્યા હશે, પણ હકીકતે આ બધું ઝેનોમોર્ફ ભમરીના પૂર્વ પ્લાનિંગ મુજબ ચાલતું હોય છે. બાથંબાથી બહુ ટૂંકજીવી હોય છે, કેમ કે ભમરીનો ગોલ લડવાનો હોતો જ નથી. એ તો મોકો જોઈને સોય જેવી રચના ધરાવતું ઓવિપોઝિટર પેલી બિચારી ઇયળના શરીરમાં ખોસીને એ વાટે પોતાનાં ડઝનબંધ ઈંડાં ઈયળના શરીરમાં પધરાવી દે છે.

બસ, પછી ખરો ખેલ શરૂ! આખી ઘટનાથી અજાણ ઈયળ પોતાની મોજમાં જ જીવ્યે જતી હોય. બીજી તરફ ભમરીનાં ઈંડાં ઈયળના શરીરમાં મોટાં થતાં જાય. આમ તો એન્જિનિયરિંગ ડિઝાઈન બાબતે કુદરતનો જોટો ન જડે, પણ આ કેસમાં એક બહુ મોટી ગરબડ છે. ઇયળના જ શરીરમાંથી પોષણ મેળવીને મોટાં થઇ રહેલાં ઈંડાં નિયત ક્રમ મુજબ ફૂટે એ પહેલાં એમનું કદ એટલું વધી જાય કે પેલી બાપડી ઈયળના શરીર કરતાંય મોટું થઇ જાય. પરિણામે ઈંડાંની સાથે ઈયળનું શરીર પણ ફાટે! અહીં એક વાતની સ્પષ્ટતા કરી લેવી જોઈએ. ઘણા વાચકોને આ વાંચીને કદાચ જુગુપ્સાનો ભાવ પેદા થઇ જાય એમ બને, પણ આ આખી પ્રોસેસ કુદરતી રીતે બહુ સહજતાથી થતી હોય છે.

ઈંડાં ફૂટે એ સાથે જ લાર્વા બહાર નીકળે. લાર્વા એ જંતુઓના જીવનચક્રનો એક પ્રારંભિક તબક્કો છે. આ તબક્કો સામાન્ય રીતે ઈંડામાંથી બહાર નીકળ્યા પછી આવે, જે પુખ્ત (એડલ્ટ) જંતુ બનતા પહેલાંનું એક રૂપ છે. લાર્વા ઘણીવાર પુખ્ત જંતુથી ખૂબ જ અલગ દેખાય છે અને તેનું શરીર, વર્તન અને ખોરાકની આદતો પણ અલગ હોય છે. ઝેનોમોર્ફના ઈંડામાંથી જે લાર્વા બહાર આવે, એ વળી ઔર ખેપાની હોય છે. કહેવત છેને, પુત્રનાં લક્ષણ પારણામાંથી!

પેદા થયા બાદ તરત જે પોષણ જોઈએ. એ મેળવવા માટે શેતાનનાં બચ્ચાં સરીખા લાર્વા પેલી `જન્મદાત્રી' ઈયળના જ ફાટેલા શરીરને ફોલી ખાવાનું શરૂ કરે છે! એનાથીય મોટી આઘાતજનક બાબત એ છે કે ઘણા કેસમાં આ આખી પ્રોસેસ દરમિયાન હતભાગી ઈયળ જીવતી રહે છે! પરિણામે થાય એવું કે લાર્વાના ટોળાએ ફોલી ખાધેલું ઈયળનું શરીર `હોન્ટેડ હાઉસ' જેવું બની રહે છે! આ ભૂતિયા શરીર આતંકવાદી લાર્વા માટે `સેફ હાઉસ'ની ગરજ સારે છે. જ્યાં સુધી લાર્વા પુખ્ત વયના થઈને ઝેનોમોર્ફ વાસ્પના અસલી સ્વરૂપે ન પહોંચે ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહે છે. એ દરમિયાન પેલી ઈયળને તો બિચારીને વહેલા મોડા મર્યે જ છૂટકો!

યુ ટ્યૂબ પર `Parasitoid wasps: Like the Alien movies, but real!' લખીને સર્ચ કરજો. આખો `લાઈવ' ઘટનાક્રમ સરસ મજાની સિનેમેટોગ્રાફી સહિત જોવા મળશે. ઈશ્વરે પણ કુદરતની અમુક વ્યવસ્થા બહુ ક્રૂર રીતે ડિઝાઈન કરી છે, નહિ? કદાચ આ પ્રકારની ગોઠવણ પાછળ પણ ઇકોસિસ્ટમને લાગતું કોઈક કારણ હશે જ. તેમ છતાં આપણા ગુજરાતી જીવને નિર્દોષ ઈયળની દયા તો આવે જ! નખ્ખોદ જાય પેલી ઝેનોમોર્ફ વાસ્પનું, બીજું શું!