માનવ સભ્યતા માટે `મોંકાણ'ના સમાચાર છે કે આગામી વર્ષોમાં છોકરા પેદા થવાનું બંધ થઇ જશે. છોકરાના જન્મ માટે જવાબદાર વાય રંગસૂત્ર (ક્રોમોસોમ) ધીમે ધીમે સંકોચાઈ રહ્યું છે અને અંતે તે ગાયબ થઇ જશે. પરિણામે એવી દુનિયા આકાર લેશે, જ્યાં માત્ર છોકરીઓ જ જન્મશે.


ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મોલેક્યુલર સાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, માનવજાતિ જેમ જેમ આગળ વધી રહી છે, મનુષ્યમાં વાય રંગસૂત્રનો આકાર, કદ ઘટી રહ્યો છે. આ અભ્યાસ પ્રતિષ્ઠિત જર્નલ `નેચર'માં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસ પછી વાય રંગસૂત્રના લુપ્ત થવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

માણસોમાં નર પેદા થશે કે નારી, તે એક્સ અને વાય નામના રંગસૂત્રોથી નક્કી થાય છે. જો બે એક્સ રંગસૂત્રો હોય, તો લિંગ સ્ત્રી હોય. જો એક્સ અને વાય રંગસૂત્રો હોય, તો લિંગ પુરુષ હોય છે. એકંદરે રંગસૂત્રો લિંગ નક્કી કરવા માટે જવાબદાર છે.

આ અભ્યાસના આધારે વૈજ્ઞાનિકો એમ ધારી રહ્યા છે કે જે રીતે વાય રંગસૂત્રનું કદ ઘટી રહ્યું છે, તેનાથી એવી સંભાવના છે કે એક દિવસ આ રંગસૂત્ર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે અને પુરુષો આ પૃથ્વી પર જન્મ લેવાનું બંધ કરી દેશે. તે માણસોની છેલ્લી પેઢી હશે અને પછી સમગ્ર માનવ જાતિ પણ નાશ પામશે.

ઉત્ક્રાંતિના નિયમ અનુસાર આવું અમુક હજાર વર્ષો પછી થશે. એટલે અત્યારે તો આ વિષય કલ્પનાના ક્ષેત્રમાં છે, પરંતુ કલ્પનાની વાત છેડાઈ છે તો એવી કલ્પના કરવી પણ દિલચસ્પ છે કે પૃથ્વી પર માત્ર સ્ત્રીઓ જ હોય તો તે દુનિયા કેવી હોય?

1958માં ચાર્લ્સ ઈરિક માઈન નામના એક ઇંગ્લિશ વિજ્ઞાન લેખકે પુરુષો વગરની દુનિયાની કલ્પના કરીને `વર્લ્ડ વિધાઉટ મેન' નામની નવલકથા લખી હતી. આજથી પાંચ હજાર વર્ષ પછીની તે દુનિયામાં માત્ર એક જ લિંગ હતું - સ્ત્રી. તેમાં પ્રેમ `પ્રકૃતિ વિરુદ્ધનું કૃત્ય' કહેવાતું હતું.

ત્યાંની સરકાર માનતી હતી કે નર પેદા થશે તો રાજ્યમાં સામાજિક-રાજકીય અંધાધૂંધી ફેલાશે. એટલે સરકારે લેબોરેટરી તકનીક વિકસાવી હતી, જેમાં નર શિશુનો નાશ કરવામાં આવતો હતો (છોકરીને દૂધ પીતી કરવાની પ્રથાનું રિવર્સ સ્વરૂપ) અને માત્ર નારીનો જ વિકાસ થવા દેવામાં આવતો હતો. તેમાં એક સ્ત્રી સરકારની આ વ્યવસ્થા સામે બંડ પોકારે છે અને તેના નર શિશુની ચોરી કરી લે છે, જેથી તે મોટું થઈને સ્ત્રી કેન્દ્રિત આખી સમાજ વ્યવસ્થાને બદલી નાખે.

પાર્લે જે. કૂપર નામના એક અમેરિકન લેખકે 1971માં `ધ ફેમિનિસ્ટ' નામની એક નવલકથામાં એક એવા ભવિષ્યની કલ્પના કરી હતી, જેમાં સ્ત્રીઓનું શાસન હતું અને પુરુષો તેમના ગુલામ થઈને રહેતા હતા. તેમાં પણ કેઈથ મોન્ટાલ્વો નામનો એક પુરુષ બળવો કરે છે અને અન્ય પુરુષો સાથે મળીને આખી વ્યવસ્થાને બદલી નાખવા પ્રયાસ કરે છે.

ધારો કે, વિજ્ઞાન કહે છે તેમ પુરુષો જન્મતા બંધ થઇ જાય અને દુનિયામાં ખાલી સ્ત્રીઓ જ રહે, તો જીવન કેવું હોય?

સૌથી પહેલાં તો પૃથ્વી પર શાંતિ પથરાઈ જશે. દુનિયામાં જેટલાં પણ યુદ્ધો લડાય છે તે પુરુષોમાં સંતોષના અભાવ અને મહત્ત્વાકાંક્ષાનું કારસ્તાન છે. પુરુષોને શાંતિથી રહેવાનું નહીં, પણ મારવા-કાપવાનું ગમે છે. એક સમયે પૃથ્વી પર જીવન સામાન્ય હતું ત્યારે ખાવા-પીવાના સંઘર્ષ સિવાય અપાર શાંતિ હતી, પરંતુ પુરુષો જ્યારથી વિશ્વનો વિકાસ કરવામાં લાગ્યા છે ત્યારથી તેમણે ચારેબાજુ ઘમાસાણ મચાવી દીધું છે. પુરુષના પ્રમાણમાં સ્ત્રીઓ વધુ સંતોષી અને જીવનનું વધુ સન્માન કરે છે. એટલે પૃથ્વી પર માત્ર સ્ત્રીઓ હશે તો તમામ યુદ્ધો સમાપ્ત થઇ જશે.

હિંસા અને અપરાધ ઘટી જશે. દુનિયામાં મોટાભાગની હિંસાખોરી પુરુષોની આક્રમકતાનું પરિણામ છે. પુરુષો બીજા પુરુષો પર તો હિંસા કરે છે, સ્ત્રીઓ પર પણ કરે છે. સ્ત્રીઓ પ્રકૃતિથી ઉદાર છે, એટલે દુનિયામાં તેમનું જ જો ચાલતું હોય, તો હિંસામાં ઘટાડો નોંધાશે.

બળાત્કારની સમસ્યા કાયમ માટે ઉકલી જશે. સ્ત્રીઓની સૌથી મોટી ફરિયાદ પુરુષોની હવસની છે. તે પુરુષની આક્રમક અને હિંસક વૃત્તિનો જ એક ભાગ છે. પુરુષોએ દુનિયાભરના સમાજોમાં, નાનેથી મોટી, તમામ સ્ત્રીઓને ડરાવી દીધી છે. વાસના તો સ્ત્રીઓમાં પણ હોય છે, પણ પુરુષની જેમ તે અનિયંત્રિત નથી હોતી. પૃથ્વી પર પુરુષો જ ન હોય, તો સ્ત્રીઓને બળાત્કારની ગંદકીથી કાયમ માટે શાંતિ થઇ જશે.

સ્ત્રીઓ પ્રકૃતિથી સહકારી વૃત્તિવાળી છે. પુરુષો સ્પર્ધાત્મક સ્વભાવવાળા છે. એ સાચું કે પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓમાં ઈર્ષ્યા વધુ હોય છે, પરંતુ સામાજિક જવાબદારીઓની વાત આવે ત્યારે સ્ત્રીઓ વધુ સારી રીતે સહકાર સાધી શકે છે. પુરુષોમાં માલિકીભાવ વધુ હોય છે, જ્યારે સ્ત્રીઓ એવું કોઈ શ્રેય ન મળે તો પણ સહકાર કરી શકે છે. કલ્પના કરો કે દુનિયાનો વહીવટ માત્ર સ્ત્રીઓના હાથમાં જ હોય, તો એવાં કેટલાંય કામો આસાનીથી થઇ શકશે, જે આજે પુરુષોના અહંકારના કારણે થતાં નથી.

માણસો જંગલમાં રહેતા હતા ત્યારથી શ્રમનું એવું વિભાજન અમલમાં આવ્યું છે કે પુરુષો રોટલો શોધવા માટે બહાર મહેનત કરશે અને સ્ત્રીઓ ઘર-પરિવારની સંભાળ રાખવા માટે ચાર દીવાલો વચ્ચે રહેશે. ધીમે ધીમે પુરુષોનું દુનિયા પર એટલું નિયંત્રણ આવતું ગયું કે તેઓ વધુ ને વધુ કામ કરવા લાગ્યા અને એમાં ઘર-પરિવાર-જીવનની ઉપેક્ષા કરવા લાગ્યા.

આજે વર્કલાઈફ બેલેન્સની સમસ્યાનું મૂળ પુરુષોની વર્કોહોલિક વૃત્તિમાં છે. પુરુષોને એવું લાગે છે તેમને બહુ કામો કરવાનાં છે અને જીવન કામો કરવા માટે જ છે. સ્ત્રીઓ આજે પણ ઘર અને કામ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. પુરુષો જ નહીં હોય, તો દેખીતી રીતે જ એ બધાં કામો સ્ત્રીઓએ કરવાં પડશે, પણ ફાયદો એ થશે કે તેઓ ઘર અને કામ વચ્ચે વધુ સારી રીતે સંતુલન બનાવી રાખશે.

આ તો શું સારું થશે તેની વાત થઇ, પણ એવી દુનિયા સંભવ નથી કે એમાં કોઈ સમસ્યા જ ન હોય. ચાહે સ્ત્રી કે પુરુષ, માણસો હોય એટલે મુશ્કેલીઓ તો થવાની જ. પુરુષો વગરની દુનિયામાં શું અઘરું હશે?

અમુક વિજ્ઞાનિકો માને છે કે એન્જિનિયરિંગ, મેડિસિન, બાયોટેક્નોલોજી અને આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ જેવાં ક્ષેત્રોમાં વિકાસ પુરુષોના કારણે થયો છે, કારણ કે પુરુષોના મગજમાં ગાણિતિક ક્ષમતા વધુ હોય છે. આ વાત સાચી માનીએ, તો માત્ર સ્ત્રીઓ હોય તેવી દુનિયામાં આ પ્રકારના વિજ્ઞાનમાં પ્રગતિ નહીં થાય.

સ્ત્રીઓમાં સંશોધનાત્મક વૃત્તિ પણ ઓછી હોય છે એવું આ લોકો માને છે. એનો અર્થ એ થયો કે દુનિયા સીધી-સાદી હશે, એમાં અંતરીક્ષ સુધીનો વિકાસ થયો નહીં હોય. ખેતરો, ઇલેક્ટ્રિસિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યુક્લિયર પ્લાન્ટ્સ અને ફેક્ટરીઓ કોણ ચલાવશે?

પુરુષો નહીં હોય એટલે દેખીતી રીતે જ દુનિયામાં વસ્તી વધારો નહીં થાય. ફાટફાટ વસ્તી નહીં હોય એટલે રોટી, કપડાં અને મકાનની ઘણી બધી સમસ્યાઓ ઉકલી જશે, પરંતુ સમસ્યા એ થશે કે પુરુષો વગર સ્ત્રીઓ જન્મશે કેવી રીતે? જેટલી સ્ત્રીઓ હશે તે ક્યાં સુધી પૃથ્વી પર રહેશે? નવી સ્ત્રીઓ ક્યાંથી આવશે? ટૂંકમાં, પુરુષો વગરની દુનિયા અમુક વર્ષો સુધી ચાલતી તો રહેશે, પણ પછી સ્ત્રીઓનો વંશ પણ ખતમ થઇ જશે અને પૃથ્વી બંજર થઇ જશે.

  • Follow us on: