આજકાલથી નહીં પરંતુ હજારો વર્ષોથી મિસ્રની સભ્યતા રહસ્યમય રહી છે. મિસ્રની પુરાતન સંરચનાઓ અને ત્યાંના પિરામિડે જેટલું રહસ્ય ઊભું કર્યું હતું એનાથી અનેકગણું વધારે રહસ્ય ભૂલભુલૈયાઓએ ઊભું કર્યું છે.
એક નવા સવાલે દુનિયાના પુરાતત્ત્વવિદો અને શોધકર્તાઓને વિચારતા કરી મૂક્યા છે. વાત જાણે એમ છે કે, ગિજાના મહાન પિરામિડોની પાસે જમીનમાં એક વિશાળ ભૂલભુલૈયા દટાયેલી છે, જે પિરામિડો કરતાં પણ જૂની હોવાનું માનવામાં આવે છે. એક શોધપત્રએ દાવો કર્યો છે કે મિસ્રના શહેર હવારાની નીચે આશરે ત્રણ હજાર રૂમો અને અનેક રસ્તાઓ છે, જે ભૂલભુલૈયા જેવા છે. આ પિરામિડ ગિઝાના પિરામિડો જેવા દેખાતા નથી, પરંતુ એટલા વિશાળ અને રહસ્યમય છે.
2500 વર્ષ પહેલાં કરવામાં આવ્યાનો દાવો
ભૂલભુલૈયા હોવાનો દાવો આજથી 2500 વર્ષ પહેલાં ઇતિહાસકાર અને ભૂગોળશાસ્ત્રી હેરોડોટ્સે પણ કર્યો હતો. તેમણે આશરે 450 ઇ.સ. પૂર્વ આ વિશે લખ્યું હતું. તેમણે એક એવી ભૂમિગત સંરચના જોઇ હતી, જેમાં 3000 કરતાં વધારે રૂમો હતા. અમુક જમીનની ઉપર અને અમુક જમીનની નીચે હતા. હેરોડોટ્સે એ વખતે એવો દાવો કર્યો હતો કે, આ સંરચના એટલી વિશાળ અને અદ્ભુત હતી કે પિરામિડો કરતાં વધારે પ્રભાવશાળી લાગતી હતી. એવું મનાય છે કે આ સંરચના મિસ્રની સભ્યતા પહેલાં પણ કોઇ સંગઠિત સમાજે બનાવી હતી, પરંતુ આજના એક્સપર્ટ્સ એની પુષ્ટિ કરી શકતા નથી. 2023માં ધ લિબ્રિંથ, ધ કોલોસી એન્ડ ધ લેક રિસર્ચ પેપરમાં આ ભૂલભુલૈયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વણ ઉકેલાયેલું રહસ્ય
પુરાતન ઇતિહાસકારો આ ભૂલભુલૈયા અને તેના અનંત રૂમો અંગે લખી ચૂક્યા છે, પણ એક હકીકત એ પણ છે કે વૈજ્ઞાનિકો તેની સાથે એકમત નથી. હેરોડોટ્સ પહેલી વખત મિસ્ર આવ્યા હતા અને તેમને ભૂલભુલૈયા જોવા મળી હતી, પરંતુ તેમને જમીનની નીચેની સંરચનાઓમાં જવાની અનુમતિ મળી શકી નહોતી.
આ પહેલાં 19મી સદીમાં મિસ્ર વિશેષજ્ઞ સર ફ્લિંડર્સ પેટ્રીને 1800ના દાયકાના અંતમાં હવારામાં એક રહસ્યમય દુનિયા છે તેના સંકેત મળ્યા હતા. તેમણે ભૂલભુલૈયાનો પાયો નાંખ્યો હતો એમ કહી શકાય, કારણ કે તેમણે સૌ પ્રથમ વખત ભૂલભુલૈયાની વાત કરી હતી. ફ્લિંડર્સ પેટ્રીને વિશાળ પથ્થરના સ્લેબ અને ગ્રિડ જેવી પેટર્ન નોંધી હતી, પરંતુ પાણી અને ટેક્નિકલ ખામીને કારણે તેઓ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શક્યા નહોતા. ઘણા લોકોનું માનવું છે કે, જો તેમને યોગ્ય મદદ મળી હોત તો જમીનની નીચેની આ સિસ્ટમ જેનો ફક્ત પુસ્તકો અને દસ્તાવેજોમાં જ ઉલ્લેખ છે એને શોધી લીધી હોત. અમુક રિસર્ચરનું માનવું છે કે પિરામિડોનો ઇસ્ટર દ્વીપના પથ્થરો સાથે રહસ્યમય સંબંધ હોઇ શકે છે, કારણ કે આ બંને જગ્યા પર જમીનની ઉપર વિશાળ પથ્થરની સંરચનાઓ જોવા મળે છે. જોકે, અમુક પિરામિડોને કબ્ર માનવામાં આવતા હતા, પણ બધાને નહીં.
એવું પણ મનાય છે કે, વર્ષોથી આ જગ્યા રેતીની નીચે દબાયેલી છે. તેનો અમુક ભાગ આક્રમણકારી દ્વારા નષ્ટ કરવામાં આવ્યો છે. હવારાના પિરામિડ ગિઝાના પિરામિડ જેટલા શાનદાર દેખાતા નથી, પરંતુ એમાં ત્રણ વિશાળ પથ્થરના બ્લોકોથી બનેલ એક મેગાલિથિક કોર છે. રિપોર્ટ અને રેકોર્ડ જણાવે છે કે આ શિલા દરવાજાની જાળી જેવી હતી જે પ્રાચીન સિક્યોરિટી સિસ્ટમની જેમ રસ્તાને બંધ કરી દેતી હતી. ટૂંકમાં, બંને સભ્યતાઓમાં કોઇ સમાનતા હતી એ રહસ્ય આજે પણ અકબંધ છે.
પિરામિડના યુગ પહેલાં
સંશોધકોનું માનવું છે કે, તેમણે એવા પુરાવા મળ્યા છે, જેના ઉપરથી સાબિત થાય છે કે હવારાની નીચે બહુ મોટો પિરામિડ છે, જેમાં ઘણા બધા રૂમ છે. આ ગિઝાના પિરામિડથી મોટા અને રહસ્યમય છે. ઘણા સંશોધકો ખોદકામ કર્યા વગર આ સંરચનાઓ અંગે જાણી શક્યા છે. એમાં રડાર અને સેટેલિટ સ્કેનિંગનો ઉપયોગ તેમણે કર્યો હોવાનું કહેવાય છે. ટૂંકમાં, આ ભૂલભુલૈયા પિરામિડ પહેલાંની હોવાનું સાબિત થયું છે.
20મી અને 21મી સદીમાં અમુક પુરાતત્ત્વવિદ્દોએ શોધખોળ કરી અને રડાર સ્કેનથી એવા સંકેત પણ મળ્યા કે નીચે કંઇ છે. એવી પણ અટકળો કરાય છે કે ત્યાં રાજાઓ અને પૂજારીઓની ગુપ્ત કબર હશે. અથવા તો કોઇ અવું રહસ્ય જેના વિશે જાણવું માનવતા માટે હજુ સમય કરતાં વહેલું હોઇ શકે. નવાઇની વાત તો એ છે કે હજુ સુધી કોઇ પણ આ ભૂલભુલૈયા અંગે સચોટ કહી શકાય એવા ઠોસ પુરાવા રજૂ કરી શક્યું નથી એટલે તે આજે પણ વણ ઉકેલ્યું રહસ્ય છે.