વાત સાંભળતા તો જાણે સ્નેહથી છલોછલ ભરેલા વીરડા જેવી વાલી માથે આભ તૂટી પડ્યું હોય એવી હાલત થઇ હતી. દુઃખનો દાવાનળ ચારેબાજુથી લપેટમાં ભડભડ કરતો કાયાને ભૂંજવા લાગ્યો હોય એવી બળબળતી દાહથી વાલીને પીડવા લાગ્યો હતો. જાણે ચિતામાં સળગી રહી હોય!
ત્યારે બન્યું એવું હતું કે આથમતા પહોરની અહુર વેળાએ કોઈ બહારવટિયાનું પાળ સરધારપુર ગામ પર ત્રાટક્યું હતું. દેકારો ને રીડિયારમણ થઈ પડ્યું હતું. તરઘાયો ઢોલ પિટાયો હતો. પાળનો સામનો કરવા ગામનું મનેખ હાથ પડ્યું હથિયાર લઈને ઘરબહાર નીકળી પડ્યું હતું. તેમાં સાવ છેવાડે રહેતો લખો મેઘવાળ લડવામાં મોખરે થયો હતો. પોતાના ગામને બચાવવા તે પંડ્યમાં હતું તે કૌવત દાખવી મરદાઈથી આગળ વધતો હતો, પણ તે વેળા અંધારાની આડશમાં કોઈની બરછીનો જીવલેણ ઘા લખાને વાગ્યો હતો ને તે ત્યાં ને ત્યાં ઢળી પડ્યો હતો.
રાત વેળાએ આભનો નવલખો ચંદરવો વીરગતિને વધાવવા લાગ્યો હોય એવું લાગતું હતું.
લખાનું સાસરિયું બીલખા પાસેના બંધાળુપીપરિયા ગામે હતું. આ વિરોચિત ઘટના ઘટી ત્યારે લખાની ઘરવાળી વાલી તેના પિયરમાં હતી. ત્યાંથી બે-ચાર દિવસ રોકાઇને પાછી સાસરે આવતી હતી. વળાવવા માટે તેનો ભાઈ સાથે હતો. સરધારપુર આવતાં વચ્ચે વાટમાં ભેસાણ અને તડકાપીપળિયા ગામ આવે. તેની સીમમાં ઉબેણ નદી નીકળે છે. ત્યાં ઉબેણિયા નાગની જગ્યા આવેલી છે. આ ઠેકાણે વાલીને તડકાપીપળિયા ગામનો રૂપા નામનો મેઘવાળ સામે મળે છે. બેઉ વચાળે આછી-પાતળી ઓળખણ થાય છે, તેથી વાતે વળગે છે. તેમાં રૂપો સોખમણ વાલીને પૂછે છે: `ક્યાં ગયાં'તાં વાલીબેન?' સામે વાલી જવાબ આપે છે: `મારા માવતરે મળવા ગઈ'તી.'
રૂપો અબોલ રહ્યો હતો એટલે વાલીને દાળમાં કાળું લાગ્યું હતું. અંતરમાં ઉચાટ ઊમટ્યો હતો. વાલીથી વધુ સહેવાયું નહોતું એટલે અધીરાઈથી પૂછ્યું હતું: `રૂપાભાઈ, જે હોય ઇ હાચેહાચું કૈ દ્યો!'
કહ્યા વગર છૂટકો નહોતો. રૂપાએ દુભાતા સ્વરે જણાવ્યું હતું: `પાલણપીરની ખફા મરજીએ નો થાવાનું થૈને ઊભું ર્યું છે બેન!' આવું કથોરું સાંભળી વાલી જાણે જીવ ઉપર આવી ગઈ હતી: `જે હોય ઇ ઝટ બોલો મારા વીરા.' રૂપાએ હૈયા માથે પથ્થર રાખી કહી દીધું હતું: `વાલીબેન, લખો તો બા'રવટિયા સામે ધીંગાણું ખેલતાં ઈ ખપ આવી ગ્યો, પાલણપીરના ધામમાં પુગી ગ્યો.'
પળવાર વાલીને કાંઇ સમજાયું નહોતું અને સમજાયું તો ગળે ઊતર્યું નહોતું. તે અવઢવમાં સુકાઈ રહેલા ઝાડની જેમ ઊભી રહી હતી. પછીથી તેનો મુખવટો બદલાવા લાગ્યો હતો. મોં પરની કામણગારી કળા કરમાવા લાગી હતી. રૂપો ને તેનો ભાઈ વાલીના વરવા ને બદલાતા રૂપ સામે આંખો ફાડીને જોતા રહ્યા હતા.
વાલી અને લખાનાં લગ્ન થયાંને એકાદ દિવાળી ગઈ હશે, પણ બંને વચ્ચે હેતપ્રીત જાણે વર્ષો જૂની. માયાના તાણાવાણા ગૂંથાઈ ગયેલા. નજરથી ઘડીકેય અળગાં ન થાય. માવતરે મળવા જાય તોય બે-ચાર દિવસમાં વાલી પાછી આવે. બેઉને નોખાં રહેવું એક દી' પણ પાલવે નહીં, તેના બદલે ભવોભવનાં છેટાં પડી ગયાં હતાં.
વાલી માથેથી ચૂંદડી પડી ગઈ, અંબોડો છૂટી ગયો હતો. લાંબા વાળ પવનમાં ઊડવા લાગ્યા હતા. ચિત્તભ્રમ થયેલી વાલીના મોંમાંથી દણોદણ વેણ વછૂટવા લાગ્યાં હતાં. પોતાનાં જ મરસિયાં ગાતી હોય એમ કહેવા લાગી હતી: `હે લખા, તું તો માયાળુ મનેખ છતાંય માયા છોડીને હાલતો થયો? તુંને યાદ તો છેને કે તારા વાંહે કો'ક રોનારું છે, રંડાપો વેંઢારનારું છે. તું એકલો નો'તો, આ મનખ્યામાં તારી વાલીય છે ઇયે ભૂલી ગ્યો મારા વા'લા, તું તો ભારે ભુલકણો.'
વાલીને લવારો ઊપડી ગયો હતો. તેને હવે કોઈ જાતની સુધ કે ભાન રહ્યું નહોતું. સ્થળ-કાળ, જગત-જાત ભૂલી લખાને વલખવાને વાગોળવા લાગી હતી. તેના માટે સઘળું નકામું ને નરસું લાગવા માંડ્યું હતું. પછી તો પોતાનીય પરવા રહી નહોતી.
રૂપો વાલી પાસે જઇ તેને સંભાળવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો, પણ વાલી સમૂળગી બદલાઈ રહી હતી. કોઈ ઓતાર આવ્યો હોય એમ સામે જોઈ કે શરીરે હાથ દઇ શકાય એમ નહોતું.
પિયુના વસમાં વિરહમાં વલોવાતી વાલીને સનેપાત ઊપડી ગયો હતો. લખો જાણે સન્મુખ ઊભો હોય તેમ લખા સાથેની એક-એક પળને સંભારી, હાથવગી કરીને કહેવા લાગી હતી: `લખા, લખા... તું તો મારો જીવ, મારા હૈયાનું હાડકું ને તોય તારા મોતના હમાચાર હાંભળતા મારું હૈયું ફાટી કેમ નો પડ્યું?' પછી વાલી પોતાના હૈયાને જ ઠપકો દેવા લાગી હતી: `ફટ રે ભૂંડા હૈયા, તું તો મારી છાતીમાં પથ્થર થઇ પડ્યું છે.' વાલીએ પાણીના ઘૂના સામે જોઈને કહ્યું: `અરેરે! ઉબેણિયા, મારે હવે લખા વગર જીવવું નકામું છે. તારા જળમાં જીવ દીધા વગર્યનો હવે કોઈ આરોઓવારો નથી.'
રૂપો ને તેનો ભાઈ વાલીનું રણચંડી જેવું રૂપ જોતાં ઠરીને ઠીકરું થઇ ગયા હતા. વાલીને રોકવા કે બચાવવાની તેમની હિંમત હાલે તેમ નહોતી.
`મારા લખા, તારા વગર્ય તો એક ઘડીકેય નો રે'વાય. આ ખોળિયાને રાખવાનો કોઈ અરથ નથી.' આમ કહેતી વાલીએ ઉબેણિયાનાં ઊંડાં પાણીમાં ઝંપલાવી પિયુની પ્રીતમાં કાયમના માટે ડૂબી ગઈ હતી.