થોડાં દિવસ પહેલાં ફરી એકવાર બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા શરૂ થયા. ઈસ્કોનના સાધુની ધરપકડ કરવાનો પ્રયાસ પણ થયો. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પરના હુમલા અને હિન્દુ મંદિરો તોડી નાખવાની કટ્ટરપંથીઓની હલકટ પ્રવૃત્તિનો અંત જ આવતો નથી. આ પ્રકારની ઘટનાઓનો સિલસિલો વર્ષોથી બાંગ્લાદેશમાં અને પાકિસ્તાનમાં પણ ચાલ્યો આવે છે. આવું માત્ર ભારતમાં જ થાય છે તેવું નથી. પાકિસ્તાનમાં તો હિન્દુ પરિવારો વિરુદ્ધ અને હિન્દુ મંદિરો તોડવાની પ્રવૃત્તિ આથીયે સવિશેષ છે.
વર્ષ 2013માં બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જમાત-એ-ઈસ્લામના વાઈસ પ્રેસિડેન્ટ હુસેન સઈદી વિરુદ્ધ એક હિન્દુ સ્ત્રીના અપહરણ, બળાત્કાર અને ખૂનનો કેસ ચાલ્યો હતો, જેના ભાગરૂપે 28મી ફેબ્રુઆરી, 2013ના રોજ હુસેનને મૃત્યુદંડની સજા થઈ હતી. આ સજા જાહેર થતાંની સાથે જ સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓને પકડી-પકડીને મારવામાં આવ્યા હતા અને તેમની માલ-મિલકતને ભરપાઈ ન થઈ શકે તેટલું નુકસાન કરવામાં આવ્યું હતું.
28મી ફેબ્રુઆરીથી 22મી માર્ચ સુધીમાં બાંગ્લાદેશના વિવિધ વિસ્તારમાં આવેલાં 32 મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી અને કેટલાંક મંદિરો તો સાવ ખંડેરોમાં ફેરવી નાખવામાં આવ્યાં હતાં.
સદીઓ જૂનો ઈતિહાસ સાક્ષી છે કે હિન્દુ મંદિરો મોગલોના નિશાન પર રહેલાં છે. અખંડ ભારતનું અસ્તિત્વ હતું ત્યારે પણ દૂર-દેશાવરના મોગલ બાદશાહો અને સેનાપતિઓ દિલ્હી તરફ કૂચ કરીને આવતા ત્યારે રસ્તામાં આવતાં મંદિરો લૂંટતા હતા.
ઈતિહાસ સાક્ષી છે કે ભારત દુનિયામાં `સોને કી ચીડિયા'ના નામે ઓળખાતું હતું. ભારતની સંસ્કૃતિ અને સમૃદ્ધિ આપણાં મંદિરોમાં પ્રતિબિંબિત થતી હતી. ભારતનાં મંદિરો જાણે કલા, સાહિત્ય અને સંસ્કૃતિનાં જીવંત ઉદાહરણો હતાં. ભારતનાં મંદિરો જે તે રાજાની સમૃદ્ધિનું ઉદાહરણ પણ હતાં. એક-એકથી ચડિયાતાં ભવ્ય મંદિરો બાંધવામાં આવતાં હતાં. આ મંદિરોમાં જે તે દેવી-દેવતાઓની મૂર્તિઓની સાથે કરોડોની કિંમતનું જર-ઝવેરાત પણ રાખવામાં આવતું હતું.
ભારતીય મંદિરો હંમેશાં કેટલાક મોગલ સેનાપતિઓના આક્રમણનો ભોગ બનેલાં છે. મહંમદ ગઝનીએ સોમનાથનું પ્રસિદ્ધ શિવમંદિર 17 વખત ખંડિત કરવા પ્રયત્ન કર્યો હતો. મંદિરોનું જર-ઝવેરાત લૂંટીને આ સેનાપતિઓ સમૃદ્ધ થયા હતા.
હિંદુ દેવ-દેવીઓનાં મંદિરો તરફનો તેમનો અણગમો પાકિસ્તાન અને બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ પણ ચાલુ જ રાખ્યો. એક સર્વે અનુસાર 1947ના ભાગલા સમયે પાકિસ્તાનમાં 428 હિંદુ મંદિરો હતાં, જેમાંથી 408 મંદિરોનું હાલ નામોનિશાન નથી. સ્થાનિક લોકો તથા સરકારે આ મંદિરોને કાં તો નુકસાન પહોંચાડી ખંડિત કરી દીધાં છે કે પછી તેમાં સરકારી ઓફિસો, હોટલો, શાળાઓ, રમકડાંની દુકાનો બાંધી દેવામાં આવી છે. જે પૈકી 11 મંદિરો સિંધ પ્રાંતમાં, 4 પંજાબમાં, 3 બલુચિસ્તાનમાં અને 2 ખૈબર પ્રખ્તુનખ્વામાં હતાં.
પાકિસ્તાન સરકારે `ઈવાક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ'ની રચના કરી છે. આ બોર્ડનું એકમાત્ર કામ મંદિરોની જગ્યાઓ પર કબજો જમાવવાનું છે. પાકિસ્તાનમાં રહેલાં હિન્દુ મંદિરોની અંદાજે 1,35,000 એકર જમીન પર હાલ આ બોર્ડનો કબજો છે. વગદાર પાકિસ્તાનીઓ આ જમીનનો કબજો મેળવીને તેના ઉપર જાતજાતના ધંધા ચાલુ કરી દે છે.
ડેરા ઈસ્માઈલ ખાનમાં આવેલા વિખ્યાત `કાલી બારી મંદિર'ને એક મુસ્લિમ રાજકીય પક્ષને ભાડે આપી દેવામાં આવ્યું છે. જેણે આ મંદિરની જગ્યા ઉપર હોટલ બાંધી દીધી છે. કોહટમાં આવેલા પવિત્ર `શિવમંદિર'ને હટાવીને ત્યાં સરકારી પ્રાથમિક શાળા બનાવી દેવામાં આવી છે. ઈસ્લામાબાદ વિસ્તારમાં આવેલા સઈદપુર ગામમાં આવેલું પવિત્ર રામકુંડ હાલ પ્રવાસન સ્થળ બની ગયું છે.
પાકિસ્તાની સરકાર અને પોલીસની રહેમ નજર હેઠળનાં હિન્દુ મંદિરોના વિનાશનું કાર્ય પાકિસ્તાનમાં 1947થી નિયમિત ચાલી રહ્યું છે. એક પછી એક આ પૌરાણિક અને ભવ્ય મંદિરોનો નાશ કરવામાં આવી રહ્યો છે. આઝાદી સમયે નોંધાયેલાં 428માંથી હાલ માત્ર 20 મંદિરો બચ્યાં છે અને તેનો પણ `ઈવાક્યુ ટ્રસ્ટ બોર્ડ' દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે બાકીનાં 405 મંદિરોની જગ્યાએ હવે તેનો કોઈ ભળતો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 1992માં એક જ દિવસમાં કરાંચીમાં પાંચ અને સિંધમાં 25 મંદિરોને આગ ચાંપી દેવામાં આવી હતી.
લાહોરમાં જૈન મંદિર ચોક વિસ્તારમાં આવેલા જૈન મંદિરમાં બાબરી મસ્જિદની ઘટના પછીના દિવસે એક કટ્ટરપંથી ટોળાએ મોટા પાયે તોડફોડ કરીને નષ્ટ કરી દીધું હતું. ત્યારબાદ સરકારે તે વિસ્તારનું નામ `જૈન મંદિર ચોક'માંથી બદલીને `બાબરી મસ્જિદ ચોક' કરી નાખ્યું છે.
ઓલ પાકિસ્તાન હિન્દુ રાઈટ્સ મૂવમેન્ટના એક સર્વે મુજબ 95% મંદિરોને નાશ કરી દેવાયાં છે અને તેમની જગ્યાએ અન્ય ઉપયોગ શરૂ કરી દેવાયો છે. 2006માં એક બિલ્ડરે લાહોરમાં આવેલા હિન્દુ મંદિરને તોડીને ત્યાં બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી દીધું. જ્યારે સ્થાનિક સમાચારપત્ર `ડૉન'ના પત્રકારોએ હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો તો તેને કહેવામાં આવ્યું કે અહીં કોઈ હિન્દુ મંદિર જ નથી.
પાકિસ્તાન તથા બાંગ્લાદેશનો 1947 પછીનો વ્યવહાર અને વર્તન સમજવાની જરૂર છે. આ પાકિસ્તાન માત્ર આતંકવાદને જ પોષીને ભારતને સતત હેરાન કરતું આવ્યું છે એટલું જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં વસી રહેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ અને ખ્રિસ્તી ભાઈ-બહેનો ઉપર જે અત્યાચાર ગુજારી રહ્યું છે તેની ઘટનાઓ વાંચીએ તો આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય અને હૃદય દ્રવી ઊઠે તેમ છે.
બિનમુસ્લિમ લઘુમતીઓનાં હિતોનું રક્ષણ કરવામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંને સદંતર નિષ્ફળ રહ્યા છે. આ બંને દેશમાં હિન્દુ ભાઈ-બહેનો ઉપર સતત એટલો ક્રૂર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે કે તેમની પાસે મરવા અથવા તો ધર્માંતર કરવાનો રસ્તો જ ઉપલબ્ધ રહે છે. આવા સંજોગોમાં કાળજું કઠણ કરીને પહેરેલે કપડે ભારતમાં આવી જતા નિરાશ્રિત હિન્દુ, જૈન, બુદ્ધ, પારસી, શીખ કે ખ્રિસ્તી ભાઈઓને સન્માન અને સહાય કરવી તે દરેક ભારતીયની ફરજ બની જાય છે.
જે પ્રકારની શારીરિક અને માનસિક યાતનાઓ તથા આર્થિક નુકસાન હિન્દુ ભાઈ-બહેનોએ સહન કર્યું છે, એ કદાચ વિશ્વના ઈતિહાસમાં અત્યંત રક્તરંજિત અને માનવતાના ઈતિહાસમાં સૌથી વધુ શરમજનક ઘટના છે.
1947ની આઝાદી બાદ પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પાકિસ્તાનના અત્યાર સુધીના તમામ શાસકોએ એક પછી એક એવા નિર્ણયો લીધા છે કે પાકિસ્તાનમાં રહેતા લઘુમતી હિન્દુઓ પાસે લાચારી અને બેબસી સાથે નર્ક જેવું જીવન જીવવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી.1947માં જ્યારે પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ) અને પશ્ચિમ પાકિસ્તાન (હાલ પાકિસ્તાન) ભારતથી છૂટા પડ્યા ત્યારે બંને દેશોમાં બિનમુસ્લિમ લઘુમતીઓની સંખ્યા 14.27% જેટલી હતી.આઝાદી જાહેર થતાં જ બંને કોમ વચ્ચે ભયાનક કોમી રમખાણો ફાટી નીકળ્યાં. સમગ્ર વિશ્વ માટે કલંકરૂપ એવી આ ઘટના હતી. એક અંદાજ મુજબ ભાગલા સમયનાં રમખાણોમાં 10 લાખથી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. આ સમયે પાકિસ્તાનમાંથી લગભગ 47 લાખ હિન્દુ તથા શીખ ભાઈઓ ભારત આવીને વસ્યા હતા. જ્યારે ભારતમાં 65 લાખ મુસલમાનોએ પાકિસ્તાન જવાનું પસંદ કર્યું હતું.
ભારતની વાત કરીએ તો 1947ના ભાગલા સમયે ભારતમાં મુસલમાનોની વસ્તી કુલ વસ્તીના 9.8 % એટલે 3 કરોડની હતી. આજે 2019માં એક અંદાજ મુજબ ભારતમાં મુસલમાનોની વસ્તી વધીને 17.22 કરોડ એટલે કે કુલ વસ્તીના 14.20 ટકા થઈ ગઈ છે. ભારતનો મુસ્લિમ આર્થિક તથા સામાજિક દૃષ્ટિએ વિકાસ પામ્યો છે.
બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુ અને શીખોની વસ્તી લગભગ વિલુપ્ત થવાની શ્રેણીમાં છે. 1941માં પાકિસ્તાનમાં 13.5% હિન્દુઓ હતા, જે 2015માં ઘટીને 1.60% થઈ ગયા છે. (સોર્સ: પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ, ગવર્નમેન્ટ ઑફ પાકિસ્તાન, વસ્તીગણતરી 2015) બાંગ્લાદેશમાં 1951માં હિંદુઓ અંદાજે 22.0 % હતા, જે 2011ની વસ્તી ગણતરી મુજબ માત્ર 8.5 % વધ્યા છે.










