આ નવરાત્રિમાં તમે જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત ઉપાયો તો ચોક્કસ કરી શકો છો. આ ઉપાયો અજમાવી શકો એવો લહાવો વર્ષે માત્ર એક વાર આસો નવરાત્રિમાં આવે છે. તેથી જીવનરૂપી સિક્કાની બે બાજુ માટે એટલે કે દુ:ખ દૂર કરવા અને સુખ પ્રાપ્ત કરવા આ ઉપાયો અચૂક કરવા જોઈએ. નવરાત્રિ એ નવ દિવસ સુધી માતા દુર્ગાની આરાધના કરીને આધ્યાત્મિક શક્તિ મેળવવાનો અવસર છે. આ અવસરે વિશેષ ઉપાયો કરવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાયો કરવામાં સરળ અને એટલા જ શીઘ્ર ફળદાયક છે


ધનપ્રાપ્તિ માટે

અષ્ટમીના દિવસે ઘરના પૂજાસ્થાન કે મંદિરમાં ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું. પછી એક વાટકીમાં ચોખા લઈને તેમાં કંકુ નાખવું. ચોખા લાલ રંગના થઈ જાય ત્યાં સુધી હલાવીને એક ઢગલી બનાવવી. પછી તે ઢગલી પર શ્રીયંત્રની સ્થાપના કરવી. ઘીનો નવમુખી દીવો પ્રગટાવવો. તે ન હોય તો નવ દીવા કરી શકાય. ત્યારબાદ શ્રીયંત્રનું વિધિવત્ પૂજન કરો. બીજા દિવસે સવારે શ્રીયંત્રને તિજોરી કે ધન રાખવાની જગ્યાએ મૂકી દો અને ચોખાને વહેતા જળમાં વહાવી દો. આ પ્રયોગના પ્રભાવે ધનપ્રાપ્તિ થશે

જીવનને સુખમય બનાવવા આટલું અજમાવો

દાંપત્યજીવનમાં ક્લેશ થયા કરતો હોય, મતભેદ મનભેદમાં પરિણમ્યા હોય તો નવરાત્રિના નવ દિવસ સતત માતાજીના મંદિરમાં કે શિવાલયમાં જઈને માતા પાર્વતી તથા ભગવાન શિવનું પંચોપચાર પૂજન કરવું

શક્તિની ઉપાસનાનું આપણે ત્યાં ખૂબ જ મહત્ત્વ છે, વળી નવરાત્રિ પણ ચાલી રહી છે. નવરાત્રિના સમયમાં આદ્યશક્તિના જ એક સ્વરૂપ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે, આવકપ્રાપ્તિના નવા માર્ગ ખૂલે છે અને ધનપ્રાપ્તિ પણ થાય છે. ધાર્મિક ક્રિયાઓમાંથી સૌથી સરળ અને પ્રભાવશાળી મંત્રપ્રયોગ છે. જાણીએ આવા જ કેટલાક મંત્રો વિશે...

કરજમાંથી મુક્તિ માટે

અત્યારે મોટાભાગના લોકોની આવક ઓછી ને જાવક વધી ગઈ છે. પરિણામે દેવું થાય કે થયું હોય તે સ્વાભાવિક છે. આવામાં કોઈ પણ માર્ગે આવક વધે અને દેવાંમાંથી મુક્તિ મળે તે માટે નવરાત્રિના કોઈ પણ દિવસે પ્રાત:કાળે માતાજીનાં ચરણોમાં 108 લાલ ગુલાબ અર્પણ કરો. સવા કિલો જેટલી આખી લાલ મસૂરની દાળ કપડામાં બાંધીને માતાજી સમક્ષ મૂકો. પછી ઘીનો દીવો પ્રગટાવીને નીચે જણાવેલા મંત્રનો 108 વાર જાપ કરો. આપણ દરેક જાપે એક ગુલાબ અર્પણ કરી શકો છો. મંત્રજાપ પૂરા થાય પછી મસૂરને પોતાની ઉપરથી સાત વાર ઉતારીને કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપી દો. માતાજીની કૃપાથી દેવાંમાંથી મુક્ત થઈ શકશો.

મંત્ર

સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે

શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે

નોકરી-વ્યવસાય માટે

અત્યારના સમયમાં નવી નોકરી શોધી રહ્યા હો કે નોકરીમાં પરિવર્તન કરવા ઇચ્છતા હો તો નવરાત્રિના નવે દિવસ પ્રાત:કાળે ઊઠીને સ્નાનાદિકાર્યથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને 108 સ્ફટિકના મણકાવાળી માળા લઈને નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જતી વખતે કે રોજગાર સંબંધિત કાર્ય માટે બહાર જતી વખતે નીચેના મંત્રનો જાપ કરવો. નવરાત્રિના કોઈ પણ દિવસથી શરૂ કરીને સતત 31 દિવસ સુધી આ પ્રયોગ કરવો. આ પ્રયોગના પ્રભાવે બેરોજગારને રોજગારી પણ મળશે.

મંત્ર : ૐ વાગ્વાદિની ભગવતી મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ ફટ્ સ્વાહા

સુખમય દાંપત્યજીવન માટે

જો તમારા દાંપત્યજીવનમાં ક્લેશ થયા કરતો હોય, મતભેદ મનભેદમાં પરિણમ્યા હોય તો નવરાત્રિના નવ દિવસ સતત માતાજીના મંદિરમાં કે શિવાલયમાં જઈને માતા પાર્વતી તથા ભગવાન શિવનું પંચોપચાર પૂજન કરવું. આ પ્રયોગ પતિ-પત્નીએ સાથે મળીને કરે તો દાંપત્યજીવન મધુર બનશે. વળી, અપરિણીત લોકોને યોગ્ય કે પ્રિયપાત્ર મળે તે માટે યુવકોએ ભગવાન શિવનો મધથી અભિષેક કરવો અને યુવતીઓએ માતા પાર્વતીને લાલ ચૂંદડી અર્પણ કરવી

મનોકામના પૂરી કરવા

પોતાની તમામ મનોકામના પૂરી થાય તે માટે અષ્ટમીએ શિવમંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ચઢાવવાં. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક શિવજીનો શૃંગાર કરવો. પછી ઘરે જવું. રાત્રે ફરીથી તે શિવલિંગ સમક્ષ નાના યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરીને પંચાક્ષરી મંત્ર ઓમ્ નમ: શિવાયનો જાપ કરતાં કરતાં ઘીની 108 આહુતિઓ આપવી. મનોકામના પૂરી ન થાય ત્યાં સુધી ઉપરોક્ત મંત્રનો રોજ એક માળા જાપ કરવો.

જીવન સુખમય બનાવવા

જીવનમાંથી તમામ દુ:ખ, દર્દ, કષ્ટો દૂર રહે અને જીવન સુખમય બને તે માટે નવરાત્રિમાં કન્યાપૂજન જરૂર કરવું. જે લોકો સંતાનસુખને લઈને ચિંતિત હોય તેમણે નવરાત્રિમાં માતા ભુવનેશ્વરીનું પૂજન કરવું જોઈએ. ધનની સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો નવરાત્રિના કોઈ પણ દિવસે 11 લઘુ નારિયેળ એક લાલ કપડાં પર મૂકીને પૂજન કરો. નવરાત્રિના છેલ્લા દિવસે તેને ધનસ્થાન, તિજોરી, વેપારના ગલ્લામાં મૂકી દો. તેનાથી આર્થિક સમસ્યા દૂર થશે અને લક્ષ્મીનો કાયમી વાસ પણ થશે. નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો, માતાજીના મંદિરમાં ધજા અર્પણ કરવી અને રોજ ભોગ ધરાવવો. આટલું કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને જીવન સુખમય બનશે.

સાબર મંત્ર

દરરોજ પ્રાતઃકાળે મોંની સફાઇ કર્યા પછી નીચેના મંત્રનો 108ની સંખ્યામાં જાપ કરવાથી વેપાર અથવા કોઇ અન્ય રસ્તે ધનપ્રાપ્તિ થશે.

મંત્રઃ

ૐ હ્રીં શ્રીં ક્રીં ક્લીં શ્રીં લક્ષ્મી મમગૃહે ધનં પૂરય ચિન્તામ્ તૂરય સ્વાહા

તાંત્રિક મંત્ર

ધનપ્રાપ્તિ માટેનો આ તાંત્રિક મંત્ર ખૂબ જ ઉપયોગી છે. આ મંત્રનો જાપ મધ્યરાત્રીએ કરવામાં આવે છે. આ મંત્રસાધના 22 દિવસની છે અને દરરોજ મંત્રનો એક માળા જાપ કરવાનું વિધાન છે. જો કોઇ પણ માસના શનિવાર અથવા રવિવારથી આ મંત્રોનો પ્રયોગ શરૂ કરવામાં આવે તો ઉત્તમ રહે છે. જાપ કરનારી વ્યક્તિએ લાલ રંગનાં વસ્ત્ર ધારણ કરવાં અને પૂજામાં લેવાતી તમામ સામગ્રીને પણ કુમકુમ લગાવવું જોઈએ. દિવાળી હવે નજીક છે. દિવાળીના દિવસે આ મંત્રનો પ્રયોગ કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ મળે છે. દિવાળીની મધ્ય રાત્રિએ આ મંત્રનો એકવીસ માળા જાપ સતત કરવો. તેનાથી તે સિદ્ધ થઈ જશે.

આ મંત્રજાપના પ્રભાવે જાતકની વેપાર, વ્યવસાય કે નોકરીમાં ઉન્નતિ થાય છે તથા આર્થિક સ્થિતિમાં માતા લક્ષ્મીજી અને કુબેરની બાજઠ પર સ્થાપના કરીને પૂજન કરવું. જ્યારે પૂજા-અનુષ્ઠાન પૂરાં થઈ જાય ત્યારે સાધકે દરરોજ મંત્રનો 108 વાર જાપ કરવો. જેથી ધનપ્રાપ્તિના અવસરોમાં વૃદ્ધિ થતી જાય.

મંત્ર

ૐ નમો પદ્માવતી પદ્માલયે લક્ષ્મીદાયિની વાંછાભૂત પ્રેત વિન્ધ્યવાસિની સર્વ શત્રુ સંહારિણી, દુર્જન મોહિની, રિદ્ધિ-સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા ૐ ક્લીં શ્રીં પદ્માવત્યૈ નમઃ

અન્ય શક્તિશાળી મંત્ર પ્રયોગ

ૐ લક્ષ્મી વં શ્રી કમલા ધરં સ્વાહા

આ મંત્રની સિદ્ધિ માટે એક લાખ વીસ હજારની સંખ્યામાં જાપ કરવા. તેની શરૂઆત નવરાત્રિ, ધનતેરસ કે દિવાળી અથવા તો વૈશાખ માસમાં સ્વાતિ નક્ષત્રમાં કરવી. જાપ કર્યા પછી ઇચ્છો તો હવન પણ કરી શકો છો. આ મંત્રના પ્રભાવે આર્થિક ઉન્નતિના માર્ગ ખૂલશે.

ૐ હ્રીં હ્રીં હ્રીં શ્રીં શ્રીં ક્રીં ક્રીં ક્રીં સ્થિરાઓ

આ મંત્રની સિદ્ધિ માટે સતત 41 દિવસ સુધી દરરોજ 110ની સંખ્યામાં જાપ કરવો. મંત્રજાપ સફેદ સૂતરના આસન પર બેસીને મોતીની માળાથી કરવો જોઈએ. આ મંત્રના પ્રભાવે આર્થિક સંકટો દૂર થશે.

 ૐ નમો હ્રીં શ્રીં ક્રીં શ્રીં ક્લીં શ્રીં લક્ષ્મી મમગૃહે ધનં ચિંતા દૂરં કરોતિ સ્વાહા

ઉપરોક્ત મંત્રનો જાપ નવરાત્રિની આઠમ તિથિથી કરવો. દરરોજ પ્રાતઃકાળે એક માળા જાપ એમ સતત 42 દિવસ કરવાથી મંત્ર સિદ્ધ થઈ જશે અને માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા પર રહેશે.

નમસ્કાર મંત્ર

ધનપ્રાપ્તિ આડે આવતી બાધાઓ દૂર કરવા માટે અહીં જણાવેલા નમસ્કાર મંત્ર ખૂબ ઉપયોગી છે. આ વિવિધ મંત્રોમાંથી કોઇ એક મંત્રનો સવાર, બપોર અને રાત્રે સૂતી વખતે યથાશક્તિ જાપ કરવો. શક્ય હોય તો દરેક શુક્રવારે લક્ષ્મી સ્તવન કે શ્રીસૂક્તનો સંધ્યાકાળે લક્ષ્મીપૂજન કરીને જાપ કરવો. તેનાથી માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર જળવાઇ રહેશે અને ક્યારેય ધન-ઐશ્વર્ય બાબતે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

મંત્ર

ૐ ધનાય નમઃ

ૐ ધનાય નમો નમઃ

ૐ લક્ષ્મી નમઃ

ૐ લક્ષ્મી નમો નમઃ

ૐ લક્ષ્મીનારાયણ નમઃ

ૐ લક્ષ્મીનારાયણ નમો નમઃ

ૐ નારાયણ નમઃ

ૐ નારાયણ નમો નમઃ

ૐ પ્રાપ્તાય નમઃ

ૐ પ્રાપ્તાય નમો નમઃ


  • Follow us on: