હાલ ભારતભરમાં કેરીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. ભાગ્યે જ કોઇ એવું ઘર હશે જ્યા કેરીઓ નહીં ખવાઈ હોય. ભારતની કેરીઓ તો વિદેશોમાં પણ વખણાય છે અને પેટ ભરીને ખવાય છે. જોકે, મોટાભાગના લોકો કેરીઓ ખાધા બાદ તેની ગોટલીઓને કચરામાં ફેંકી દેતા હોય છે અથવા તો તેને સૂકવતા હોય છે, પરંતુ કોલકાતામાં રહેતા 51 વર્ષીય જસમીત સિંહ અરોડા દેશભરમાં મેંગો ફાર્મિંગ અભિયાન ચલાવી રહ્યા છે. એટલે કે તેઓ જે તે ઘરોમાં, રેસ્ટોરાં કે જ્યૂસ સેન્ટરમાંથી ફેંકવામાં આવતી ગોટલીને એકત્ર કરે છે અને તે જ ગોટલીઓને સાફસૂફ કર્યા બાદ તેને સૂકવવા મૂકી દે છે. ત્યારબાદ થોડા દિવસો બાદ આ ગોટલીઓને તેઓ અંકુરિત કરીને કેરીની સારી એવી જાતો જેમ કે, લંગડો, ગુલાબ, હિમસાગર જેવી સ્થાનિક જાતો સાથે ગ્રાફ્ટિંગ કરી દે છે. હવે જ્યારે આ ગોટલીઓ સારા એવા છોડમાં રૂપાંતરિત થાય છે ત્યારબાદ તેઓ આ કેરીના છોડને બંગાળના તે ખેડૂતોને એકદમ ફ્રીમાં આપે છે જેઓ અનાજના પાક પર નિર્ભર હોય છે. ગોટલીઓ સંગ્રહ કરવામાં જસમીત અરોડાની સાથે કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ અને કેટલીક એનજીઓ પણ કામ કરે છે. અત્યાર સુધી તેમણે 7500થી પણ વધુ રોપાઓ ખેડૂતોને ફ્રીમાં આપેલ છે. અલબત્ત, જસમીત અરોડાની આ વહેંચણીથી પર્યાવરણ વધુ સમૃદ્ધ પણ બની રહ્યું છે.
એક વિવાહ ઐસા ભી!
અત્યારના જમાનામાં લોકો પોતાનાં પુત્ર-પુત્રીનાં લગ્ન માટે અધધ ખર્ચો કરે છે. એમાં પણ ઝાકમઝોળ લાઇટિંગ, મોંઘાં ફૂલોના મંડપ શણગારથી માંડીને કાન સાથે છાતીની પાંસળીઓ ધ્રુજાવી નાખે એવા ડી.જે.વાળાં લગ્ન યોજવામાં આવે છે. આ બધાથી જે તે લગ્નનો પરિવાર એકાદ સપ્તાહ સુધી વાહવાહી મેળવી શકે છે, પરંતુ તેની સામે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સુસા ગામના બે પરિવારે એટલી સાદગીથી લગ્ન કર્યાં છે જેની નોંધ ભારતભરમાં લેવાઇ રહી છે. સુસા ગામના શ્રીકાંતે અને યવતમાલ જિલ્લાના મોજર ગામની કન્યા અંજેલિએ દહેજ, બેહિસાબ ખર્ચ, વિવિધ પકવાનની અને સાજશણગારમાં થતા ખર્ચા ન કરતાં ગ્રામજનોનાં ખેતરો સુધી જવા માટે 2000 ફૂટ લાંબા પાકા રોડ બનાવડાવ્યા હતા. વધુમાં લગ્નમાં સ્નેહીજનો તરફથી ભેટસોગાદોની જગ્યાએ બંને પરિવારે ભેટમાં ફળ-ફૂલના છોડ અને અન્ય વૃક્ષના રોપા માંગ્યા હતા. આ લગ્નમાં તેમને અંદાજિત 90 કરતાં પણ વધુ ફળોના છોડ અને ઔષધના છોડ સ્નેહીજનોએ ભેટમાં આપ્યા હતા. આ તમામ છોડને આયોજનબદ્ધ રીતે ખેતરમાં પણ લગાવવામાં આવ્યા હતા. અલબત્ત, આ લગ્નથી માત્ર ગ્રામજનોને જ ફાયદો નથી પહોંચ્યો, પરંતુ પર્યાવરણને પણ ફાયદો થયો છે.
12 હજાર વર્ષ જૂનો પિરામિડ સમુદ્રમાં મળ્યો
ક હેવાય છે કે, કેટલીક સંસ્કૃતિઓ સમુદ્રોમાં ગરકાવ પામી છે, તો કેટલીક ભયંકર તોફાનોમાં નાશ પામી છે. આ વાતો મહદ્અંશે સાચી પણ છે. આજે પણ દ્વારિકા નગરીના અવશેષો અરબી સમુદ્રમાં જોવા મળે છે. અલબત્ત, વિશ્વની ઘણી સંસ્કૃતિઓ સમુદ્રમાં ડૂબેલી છે જ. જાપાનના સમુદ્રમાં એક રહસ્યમય અંદાજિત 90 ફૂટ ઊંચો પિરામિડ જોવા મળ્યો છે! આ પિરામિડને જોઇને ઈતિહાસકારો પણ આશ્ચર્ય પામી ગયા છે. આ પિરામિડ 1986માં જાપાનના રયુક્યૂ આઇલેન્ડના કિનારાની પાસે સમુદ્રમાં 82 ફૂટની ઊંડાઇએ જોવા મળે છે. આ પિરામિડમાં ધારદાર ખૂણાવાળી સીડીઓ પણ જોવા મળે છે. વધુમાં આ સીડીઓ માનવનિર્મિત હોવાનું જણાઇ રહ્યું છે. આ પિરામિડની વધુ તપાસ કરતાં જાણમાં આવ્યું છે કે, તે 10 હજાર વર્ષ કરતાં પણ જૂનો છે અને 12 હજાર વર્ષ કરતાં પણ જૂનો છે! આ પિરામિડ બાબતે એવું પણ અનુમાન લગાવાય છે કે, તે મિસ્ર અને સ્ટોનહેન્જ જેવા પ્રાચીન સ્મારક કરતાં પણ પહેલાંનો હોઇ શકે છે. ટૂંકમાં, આ પિરામિડ કોઇ એક સંસ્કૃતિનો ચોક્કસ ભાગ છે.