મેં ટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'
પ્રકરણ - 4
યુદ્ધમાં લોકોને માર્યા છે. મેં પરણેલી સ્ત્રીઓ સાથે દેહસંબંધો બાંધ્યા છે, મેં છેતરપિંડીઓ કરી છે, જુઠાણાં, ચોરી, તમામ પ્રકારના વ્યભિચાર, શરાબીવેડા, હિંસા, ખૂન એવું એક પણ પાપ નહોતું જે મેં આચર્યું ન હોય.
એક જુવાન ફોજી તરીકે પોતે કેવું જીવન જીવ્યા હતા એ વિશેના આ શબ્દો લિયો ટોલ્સ્ટોયના છે. દુનિયા આજે એક સંત લેખક તરીકે એમને ઓળખે છે. ઝટ કોઈનાથી પ્રભાવિત ન થનારા મોહનદાસ ગાંધી ટોલ્સ્ટોયની મહાનતાથી એટલા પ્રભાવિત થયેલા કે દક્ષિણ આફ્રિકામાં એમણે ઊભા કરેલા આશ્રમને એમણે ટોલ્સ્ટોય ફાર્મ એવું નામ આપેલું. ટૂંકમાં, ટોલ્સ્ટોય અતિ આદરણીય અને સાત્ત્વિક હતા એમાં કોઈ શંકા નથી, પણ એવા બનતા પહેલાં જુવાનીમાં એ કેવા દુરાચારી હતા એની પ્રામાણિક કબૂલાત એમણે એ જ શીર્ષક કબૂલાત ધરાવતી આત્મકથામાં નોંધી છે. આગળની વાત એમના જ શબ્દોમાં...
એવું એક પણ પાપ નહોતું જે મેં આચર્યું ન હોય. છતાં આવું બધું કરવા બદલ મારા સમકાલીનો મને બિરદાવતા રહ્યા અને મને પ્રમાણમાં નૈતિક માણસ ગણતા રહ્યા.
આવી (અતિ પાપી) જિંદગીમાં હું દસેક વર્ષ રચ્યોપચ્યો રહ્યો.
એ દરમિયાન મેં લખવાનું શરૂ કરી દીધેલું. લખવા પાછળનો મૂળ ધક્કો તો લોકોને આંજી દેવાનો, આત્મમુગ્ધતાનો અને અહંકારનો જ હતો. હું પૈસા અને પ્રસિદ્ધિ મેળવવા માટે લખતો હતો.
એ બધું મેળવવા માટે મારે મારી અંદર જે કંઈ શુભ હતું એને છુપાવી રાખવું પડે અને જે અશુભ હતું એનું નિરૂપણ કરવું પડે અને મેં એ જ કર્યું. એક સારા માણસ બનવાની જે ઝંખના મારા જીવનને સાર્થકતા આપતી હતી, એ ઝંખના બાબતે હું મારા લખાણમાં નિર્લેપ બની રહેતો અથવા એ બધી વાતો સહેજ રમૂજપૂર્વક આલેખતો.
અને મને સફળતા મળી. લોકો મને લેખક તરીકે વખાણવા લાગ્યા.
(ફોજી તરીકે ક્રિમિયન) યુદ્ધમાં ભાગ લીધા પછી હું સેન્ટ પિટર્સબર્ગ પાછો ફર્યો ત્યારે હું 26 વર્ષનો થઈ ચૂક્યો હતો. અહીં આવીને મેં લેખકોનો પરિચય કેળવ્યો. એ લોકોએ મને એમનામાંના એક તરીકે સ્વીકારી લીધો. તેઓ મને વખાણતા. એક સારા મનુષ્ય બનવા માટે અગાઉ મેં જે મહેનત, મથામણો કરી એ બધું બહુ ઝડપથી ઊડી ગયું અને હું જે લેખકમંડળીમાં ભળ્યો હતો એ મંડળીની વિચારધારાના રંગે હું રંગાયો.
મારા એ સાહિત્યિક મિત્રોની વિચારધારા મારી દુરાચારી જીવનશૈલીને યોગ્ય ઠરાવનારી હતી. એ લોકોની જે થિયરી હતી તે એવી હતી કે માણસનું જીવન એટલે વિકાસની પ્રક્રિયા અને આ પ્રક્રિયા આગળ ધપાવવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા આપણા બધાની એટલે કે વિચારકોની છે. વળી, વિચારકોમાં પણ જે લોકો કલાકાર અને કવિ-લેખકો છે એમનો સૌથી વધુ પ્રભાવ પડતો હોય છે. આપણું (સર્જકો-વિચારકોનું) કામ છે લોકોને માર્ગદર્શન આપવાનું.
આ મામલે મને સવાલ તો થયો કે, `મારી પાસે એવી વળી કઈ વિશેષ જાણકારી છે અને હું લોકોને શું ભણાવવાનો હતો?' આવા (અણીદાર) સવાલને એ લેખકમંડળીએ એમ કહીને ઉડાવી દીધો કે કવિઓ-લેખકો-કલાકારો તો એમને પોતાને પણ ખબર ન હોય એ રીતે અભાનપણે-અનકોન્શિયસલી સમાજને ભણાવતા હોય છે.
મને એ બૌદ્ધિકમંડળી જોરદાર સર્જક માનતી હતી. એટલે હું આ થિયરીમાં માનતો થઈ જ જાઉં એ સ્વાભાવિક હતું.
હું એક સર્જક, લોકોને શું શીખવી રહ્યો છું એની મને કશી જાણ ન હોવા છતાં લખતો રહ્યો અને એના મને પૈસા મળતા રહ્યા. મારી પાસે મસ્ત અન્ન, વસ્ત્ર, રહેઠાણ, સ્ત્રીઓ હતાં. સમાજમાં મારી બહુ સારી ખ્યાતિ હતી. મતલબ કે હું મારાં લખાણો દ્વારા લોકોને જે શીખવી રહ્યો હતો એ બરાબર જ હશે. તો જ મને આ બધું મળેને!
સાહિત્ય મૂલ્યવાન છે અને માનવજીવનનો વિકાસ થઈ રહ્યો છે. આ થિયરીમાં મારી જે શ્રદ્ધા હતી એ મારો ધરમ બની રહ્યો અને હું એ ધરમનો પાદરી બની રહ્યો. આ પ્રકારના પાદરી બની રહેવું એકદમ લાભદાયી અને આનંદદાયી હતું. ઘણા સમય સુધી આ થિયરીમાં મારી શ્રદ્ધા ટકી રહી. મને એમાં ક્યારેય કોઈ કચાશ ન જણાઈ.
આ ધરમનો શ્રદ્ધાળુ બન્યાના બીજા અને ખાસ તો ત્રીજા વર્ષે મને શંકા પડી કે રુકો રુકો, આ જે હું માની રહ્યો છું એ બરાબર છે કે નહીં. મેં આ મામલે વિચારવાનું શરૂ કર્યું. અમારા ધરમના પાદરીઓ (સમાજને સુધારવાની અને માર્ગદર્શન આપવાની વાતો કરનારા સર્જકો) જે રીતે અંદરોઅંદર ઝઘડતા હતા એ જોઈને મારા મનમાં પહેલી વાર શંકાનો કીડો સળવળ્યો. અમારામાંના કેટલાક કહેતા: `અમે સૌથી ઉત્તમ અને ઉપયોગી શિક્ષકો છીએ અને માનવસમાજને સારું-સાચું શિક્ષણ અમે જ આપીએ છીએ. બાકીના બધા ખોટું શીખવે છે.' બીજા બધા વળી એવો દાવો કરતા કે, `ના, સાચું શિક્ષણ તો અમે જ આપીએ છીએ. તમે ખોટું શિક્ષણ આપો છો.' તેઓ અંદરોઅંદર દલીલો કરતા, ઝઘડતા, એકમેકને ઉલ્લુ બનાવતા. અમારામાંના કેટલાક વળી એવા હતા જે આ બધામાં કોણ સાચું ને કોણ ખોટું એની માથાકૂટમાં પડતા જ નહીં અને પોતાની સર્જનપ્રવૃત્તિ ચાલુ રાખીને પોતાનો સ્વાર્થ સાધવામાં ડૂબેલા રહેતા.
આ બધું જોઈને મને મારા `ધરમ'ની સચ્ચાઈ પર શંકા જાગી.
***
આ મહત્ત્વનો મુદ્દો છે. ચિંતકો, લેખકો, કવિઓ ઘણી ઊંચી ઊંચી વાતો કરતા હોય છે અને મોટાભાગે પોતાને ઊંચેરા માનતા પણ હોય છે, પરંતુ શું આ સમુદાય ખરેખર જ્ઞાની હોય છે? એ શું પોતાના જ ભ્રમ અને
અહંકારમાં ડૂબેલો હોય એવું ન બની શકે? ખાસ તો જે પ્રકારે તેઓ અંદરોઅંદર એકમેકને ઉતારી પાડતા હોય છે એ જોઈને કોઈ પણ સામાન્ય માનવીને એવો વિચાર આવી શકે કે આમાં સાચું કોણ? એકદમ ઠંડા દિમાગથી વિચારી શકનાર સામાન્ય માનવીને તો એવો પણ વિચાર આવી શકે કે આ બધા સર્જકો માને છે, કહે છે એ રીતે શું માનવસમાજ ખરેખર સતત વિકસી રહ્યો છે, ઊંચે જઈ રહ્યો છે? અને શું ખરેખર વિચારકો-સર્જકો સમાજને દોરવણી આપી રહ્યા છે?
આવા સવાલો મનમાં જાગવા જ જોઈએ. કમ સે કમ ટોલ્સ્ટોયના મનમાં તો આ સવાલો જાગ્યા. એ પોતે ઊંચેરો સર્જક હોવા છતાં અને એ પોતે સર્જકમંડળીનો સભ્ય હોવા છતાં એને શક પડ્યો મનમાં કે આ જે સર્કસ ચાલી રહ્યું છે એની હકીકત શી છે? (ક્રમશઃ)
