• ગુજરાતીઓમાં પ્રથમ ક્રમે આવે છે સરદાર પટેલ, જેમણે વર્ષ 1947માં વિભાજન સમયે લક્ષદ્વીપને ભારતનો હિસ્સો બનાવી દીધું હતું

આપણે જ્યારે પણ ભારતના નકશાનો વિચાર કરીએ અથવા તો એ વિશે ચર્ચા કરીએ ત્યારે આપણા મનમાં માત્ર કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી પૂર્વોત્તર સુધીનો પ્રદેશ આવે છે. આપણે પોતે પણ એ ભૂલી જઈએ છીએ કે હિન્દ મહાસાગરમાં પૂર્વની તરફ આંદામાન-નિકોબાર અને પશ્ચિમમાં લક્ષદ્વીપ એ ભારતનાં જ અભિન્ન અંગ છે, પરંતુ આઝાદીકાળ પહેલાંથી સમુદ્રની વચ્ચે રહેલા આ ભૂભાગને ભારત સાથે અનન્ય નાતો રહ્યો છે. જોકે આંદામાન સેલ્યુલર જેલને કારણે સમયાંતરે સમાચારોમાં પણ રહ્યું હતું, પરંતુ લક્ષદ્વીપ લગભગ લગભગ સામાન્ય ભારતીય નાગરિકના ધ્યાન અને સમજણની બહાર રહ્યું છે, પરંતુ નાના નાના ટાપુઓનો આ સમૂહ એવા લક્ષદ્વીપ અને ગુજરાતનો નાતો અત્યંત ગાઢ રહ્યો છે. જ્યાં સમયાંતરે ત્રણ ગુજરાતીઓએ પોતાના પ્રયત્નોથી ભારતના નાગરિકોને ધ્યાને આણ્યું છે કે લક્ષદ્વીપ પણ મહાન ભારતવર્ષનો જ

ભૂમિભાગ છે.

એ ત્રણ ગુજરાતીઓમાં સર્વપ્રથમ ક્રમે આવે છે સરદાર પટેલ, જેમણે વર્ષ 1947માં વિભાજન સમયે પાકિસ્તાન ભારતના વિવિધ પ્રદેશો પર પોતાનો દાવો માંડી રહ્યું હતું ત્યારે લક્ષદ્વીપને તેમણે ભારતનો હિસ્સો બનાવી દીધું હતું. વિભાજન વખતે ભારતના વહીવટદારો ખાસ તો સરદાર પટેલ ખટપટિયાં રજવાડાંના એકીકરણમાં અત્યંત વ્યસ્ત હતા. એ સમયે પાકિસ્તાનમાં લિયાકત અલી ખાનને કોઈએ સુઝાડ્યું હતું કે પૂર્વ પાકિસ્તાનની જેમ જો વધુ મુસ્લિમ વસતી ધરાવતું લક્ષદ્વીપ પણ પાકિસ્તાનના કબજામાં આવે તો ભારતને સમયાંતરે રંજાડી શકાય! એટલે પાકિસ્તાને લક્ષદ્વીપ પર કબજો મેળવવા માટે તેમનું એક જહાજ રવાના કર્યું હતું.

જોકે ભારત પાસે વલ્લભભાઈ પટેલ હતા. તેઓ પાકિસ્તાનની આવી કોઈ ચાલ સફળ થવા દે એમાંના નહોતા. તેમને જાણ થઈ કે પાકિસ્તાન દ્વારા લક્ષદ્વીપ પર જહાજ મોકલવાની ગતિવિધિ થઈ છે એટલે તેમણે તાત્કાલિક અસરથી સૈન્યની કાર્યવાહી કરી અને પાકિસ્તાન લક્ષદ્વીપ પાસે પહોંચે એ પહેલાં આપણો રાષ્ટ્રધ્વજ લક્ષદ્વીપ પર લહેરાવી દેવાના આદેશ આપ્યા. પાકિસ્તાનનું જહાજ લક્ષદ્વીપ પહોંચે એ પહેલાં તો આપણું સૈન્ય ત્યાં ખડકાઈ ચૂક્યું હતું અને આપણો તિરંગો લક્ષદ્વીપ પર લહેરાઈ ચૂક્યો હતો. ત્યારથી જ એક સમયનું લખદીપ ભારતનો અભિન્ન હિસ્સો બની ગયું છે.

લક્ષદ્વીપ પરના કબજાની વલ્લભભાઈ પટેલની દૂરંદેશીને જો આજના રાજકીય પરિપ્રેક્ષ્યમાં મૂલવીએ તો યુનાઈટેડ નેશન્સના નિયમ મુજબ કોઈ પણ દેશના સમુદ્રતટથી બાવીસ કિલોમીટર સુધીના વિસ્તાર પર જે-તે દેશનો અધિકાર માનવામાં આવે છે અને લક્ષદ્વીપ હિન્દ મહાસાગર તેમજ અરબસાગરના મિલનસમા ભૌગોલિક વિસ્તારમાં આવેલું છે. એ કારણે ભારતને સમુદ્રમાં વીસ હજાર સ્ક્વેર કિલોમીટર જેટલા વિસ્તારનો એક્સેસ મળે છે.

લક્ષદ્વીપ ભારતનો ભાગ બન્યું પછી તો વહીવટી દૃષ્ટિએ સમયાંતરે ઘણા ફેરફારો કરાયા, જેમાં લક્ષદ્વીપને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાથી લઈ તેનું વડુંમથક ફેરવવા જેવી અનેક બાબતો આવી જાય છે, પરંતુ આઝાદી પછીનાં અનેક વર્ષો સુધી લક્ષદ્વીપ મેઈનસ્ટ્રીમ કે ચર્ચાઓથી દૂર રહ્યું હતું એ ફરી ચર્ચાનો વિષય બન્યું. પાછલા પંદરેક દિવસથી જ્યારે બીજા ગ્લોબલ ગુજરાતી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની પોતાની મુલાકાતના અને લક્ષદ્વીપના સૌંદર્યના ફોટોગ્રાફ્સ શૅર કર્યા અને તેની સમાંતરે માલદિવ્સનો વિવાદ ભભૂકી ઊઠ્યો!

માલદિવ્સનું તો ઠીક છે, એ જુદી ચર્ચાનો વિષય છે, પરંતુ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તો જુઓ! તેમની લક્ષદ્વીપની મુલાકાત પછી લક્ષદ્વીપ નેશનલ ટેલિવિઝન પર પ્રાઈમટાઈમ ડિબેટનો વિષય બન્યું. અને આ લખાઈ રહ્યું છે ત્યારે 8૦૦૦૦થી વધુ ભારતીય નાગરિકોએ આગામી મહિનાઓમાં લક્ષદ્વીપ ફરવા જવા માટેનાં બુકિંગ્સ લીધાં છે એવું બિનસત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળી રહ્યું છે. બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ સાવ મફતમાં, દેશપ્રેમના કારણે લક્ષદ્વીપ પર પ્રવાસન વધે એની હિમાયત કરી છે.

તો ત્રીજા ગુજરાતી છે પ્રફૂલ પટેલ, જેઓ લક્ષદ્વીપના હાલના એડમિનિસ્ટ્રેટર છે અને માત્ર ચાર વર્ષના ગાળામાં તેમણે લક્ષદ્વીપની કાયાપલટ કરી છે. નેશનલ ટેલિવિઝનની એક ડિબેટમાં તેમણે ખેદપૂર્વક એમ કહેવું પડ્યું કે લક્ષદ્વીપના બીજા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું તો ઠીક, આઝાદીના દાયકાઓ પછી પણ ત્યાંના સ્થાનિકો માટે પીવાના પાણીની સરખી સુવિધા નહોતી. માત્ર પાણી માટે થઈને તેમણે ત્યાં અથાક પ્રયત્નો કરવા પડ્યા છે. તો ત્યાંની મુસ્લિમ વસતીએ જો હજ કરવા જવું હોય તેમણે કોચી સુધી પ્રવાસ કરીને ત્યાંથી હજની વ્યવસ્થા કરવી પડતી. ઈવન, ભારતનાં મોટાં શહેરોના એરપોર્ટ સાથે એર કનેક્ટિવિટી થઈ શકે એવી સુવિધાનો અભાવ છે, કારણ કે લક્ષદ્વીપની ઓછી વસતી ક્યારેય મતબેંક બની જ નથી શકી, જે કારણે અહીં પાયાની સુવિધાઓ પણ પહોંચી શકી નથી! આ તમામ પ્રશ્નો પર પ્રફૂલ પટેલ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. જેથી લક્ષદ્વીપ મેઈન સ્ટ્રીમનો ભાગ બને અને ભારતના કરોડો નાગરિકો પર્યટનના માધ્યમથી લક્ષદ્બીપના અપ્રતીમ સૌંદર્યને માણે.

પરંતુ આ સુંદર જોગાનુજોગ જ કહેવાય કે જ્યારે પણ લક્ષદ્વીપની યશગાથાઓ ગવાશે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓનું નામ અત્યંત આદરપૂર્વક લેવાશે. આખરે ત્રણ ગુજરાતીઓએ લક્ષદ્વીપને ગ્લોબલ મેપ પર મૂકી આપવાના પ્રયત્નો કર્યાં છે.


  • Follow us on: