`સાવ અંગૂઠાછાપ', `અભણ' , `અક્ષરશૂન્ય', `બાઘો' અને આવાં તો કેટલાંય ઉપનામ રમણિકલાલ સમજણા થયા ત્યાં સુધી સાંભળતા રહ્યા. ઉંમરના એક પડાવે પહોંચ્યા પછી લોકો એમના મોં પર તો ન કહી શકે, પણ તેમના વર્તનમાં કહેવાતા આ શબ્દો તેમને આંખોથી સંભળાતા.

નાનપણમાં મા અને બાપ બંને ગુમાવ્યાં પછી નાના ભાઈઓને મોટા કરવાની જવાબદારીએ ખભેથી દફતર ઉતારીને અનાજની ગુણોનો ભાર આપ્યો હતો. પોતે ન ભણ્યા પણ બંને ભાઈઓને ભણાવ્યા. પોતે પરણ્યા પણ નહીં. આજે ભાઈ બહુ મોટા બિઝનેસ મેન થયા અને એ લોકો પણ મોટાભાઇના ઉપકારને ભૂલ્યા ન હતા. ઘરના વડીલ તરીકે સઘળું માન, પણ રમણિકલાલને લખતા વાંચતા નથી આવડતું એ વાત પર તેમને શરમ પણ ખરી.

એકવાર પોતાની નવી ફેક્ટરીમાં વિદેશની કંપની સાથે એક મોટી ડીલ હતી. આખરે એગ્રિમેન્ટ પર બંને ભાઈઓએ સહી કરી, પણ કંપનીના ભાગીદાર તરીકે રમણિકલાલને કાગળો આપ્યા ત્યારે એ વિદેશીઓની સામે તેમણે સહી કરવાની જગ્યાએ શાહીમાં દાબીને અંગૂઠો માર્યો. એક વિદેશીએ અંગ્રેજીમાં તેમનો ઉપહાસ કરતાં તેમના ભૂરા થઈ ગયેલા અંગૂઠા ઉપર કંઈક બોલ્યો. રમણિકલાલને ભાષામાં તો ખબર ન પડી, પણ એની અંદર રહેલા વ્યંગની ભાષા તેમને સમજાઈ.

બસ, બીજા જ દિવસે એક બહાનું કાઢી પોતે શહેરથી પોતાના ગામડે જતા રહ્યા. એક શિક્ષકને ત્યાં મળ્યા. પછીનાં બે વર્ષ સુધી જાણે તેમને ભણવાની લત લાગી. આખરે બે વર્ષ પછી કંપનીની નવી જમીન લેવાની વાત આવી. કાગળ પર સહી કરવાની હતી. મોટાભાઇ વગર આ શક્ય ન હતું. હવે તો સરકારી કચેરીમાં સહુ કોઈને જવું પડતું હતું. ભાઈને પાછા બોલાવ્યા. બંને ભાઈઓ મોટા ભાઈને લઈને કચેરીએ જવા નીકળ્યા ત્યારે પણ અચાનક વચલા ભાઇએ ઓફિસના પ્યૂનને બૂમ પાડીને શાહીનું પેડ મંગાવી સાથે રાખ્યું. રમણિકલાલે આખી ઘટના જોઈ, પણ એ કશું જ ન બોલ્યા.

કચેરીએ પહોંચતાં સહી કરવાની થઈ. બંને ભાઇઓએ સહી કરી અને મોટાભાઇ સામે શાહીનું પેડ ધર્યું. એક સ્મિત સાથે રમણિકલાલે પેડ બાજુમાં કરી ખિસ્સામાંથી શાહી પેન કાઢી સહી કરી. ખૂબ ગર્વ સાથે કહ્યું,

`હવે અંગૂઠાની જરૂર નથી.'

આ બધાથી અજાણ ત્યાં રહેલો ઓફિસર બોલ્યો, `કાકા, હવે બધું ડિજિટલ થઈ ગયું. તમારે આ મશીનમાં અગૂઠો તો મૂકવો જ પડશે.'અંગૂઠો ન કરવો પડે એ માટે છેલ્લા કેટલાય વખતથી મહેનત કરી, છતાં વાત ત્યાં જ આવીને અટકી. પોતાના ભાગ્ય પર હસી એમણે મશીનમાં અંગૂઠો મૂક્યો. હવે તો વાંચતા પણ આવડતું હતું. પાછળની દીવાલ પર લખ્યું હતું, `દેશ બઢ રહા હૈ.'