• કબીર ખાન સાથે એક થા ટાઈગર સફળ રહી અને ટ્યુબલાઈટ ફ્લોપ રહી

  • જ્યારે ટાઈગર ઝિંદા હૈમાં સલમાન અને અલી અબ્બાસ ઝફરની જોડી બ્લોકબસ્ટર હિટ રહી પરંતુ ભારત ફિલ્મમાં દમ ન બતાવી શકી

સલમાન ખાનની છેલ્લી હિટ ફિલ્મ કઈ હતી? સલમાનની ફિલ્મોગ્રાફીમાં ખાંખાંખોળા કરો તો છેક 2017ના વરસમાં જવું પડે. સલમાનના નામ પ્રમાણે તેની છેલ્લી હિટ ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ હતી. ફરીથી એ જ ફ્રેન્ચાઈઝી ફિલ્મની કડી આ દિવાળી પર રજૂ કરવામાં આવી. દિવાળીનો બ્લોકબસ્ટર વીકેન્ડ સલમાનને ફળ્યો. ફિલ્મે ધમાકેદાર કમાણીના વિક્રમો સલમાનના નામે કરી દીધા. સલમાનની ઝોળીમાં ધનવર્ષા થઈ અને નિર્માતાની તિજોરી છલકાવી દીધી. સલમાનની આ ફિલ્મ હવે યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સનો હિસ્સો બની ગઈ છે. શાહરુખ ખાનની પઠાણ અને રિતિક રોશનની વોર ફિલ્મ સાથે સ્ટોરીને કનેક્ટ કરવામાં આવી છે.

પરંતુ સલમાનનું બોક્સઓફિસ સ્ટેસ્ટિક્સ ટાઈગર સિવાય વામણું લાગે છે. 2016ના વરસમાં સલમાન ખાન બોક્સઓફિસનો સુલતાન બન્યો હતો. કિક, બજરંગી ભાઈજાન અને સુલતાન. ભારતીય સિનેમામાં સલમાનના નામે સફળતાનો અધ્યાય લખાયો. સુલતાને બોક્સઓફિસ પર ધમાકો બોલાવી દીધો. સુલતાન પછી કબીર ખાન સાથેની ટ્યુબલાઈટ ચમકી નહીં પણ કબીર ખાને સ્ટાર્ટ કરેલી એક થા ટાઈગર સીરિઝનો બીજો પડાવ ટાઈગર ઝિંદા હૈ ફિલ્મે જમાવટ કરી દીધી. કબીર ખાન સાથે એક થા ટાઈગર સફળ રહી અને ટ્યુબલાઈટ ફ્લોપ રહી. એવો જ ઘાટ અલી અબ્બાસ ઝફર સાથે થયો. ટાઈગર ઝિંદા હૈમાં સલમાન અને અલી અબ્બાસ ઝફરની જોડી બ્લોકબસ્ટર હિટ રહી પરંતુ ભારત ફિલ્મમાં દમ ન બતાવી શકી.

ટાઈગર ઝિંદા હૈ ફિલ્મ સીધું સલમાનનું માર્કેટ પાવરસ્ટાર તરીકેનું હતું. સલમાનના નામે ત્યારે કંઈ પણ ચાલી જતું પરંતુ 2018નું વરસ સલમાનની કરિયરમાં નેગેટિવ સ્ટાર્ટ લઈને આવ્યું. અબ્બાસ મસ્તાનની એક્શન થ્રિલર રેસ ફિલ્મની ફ્રેન્ચાઈઝીના ત્રીજા પડાવમાં સલમાન ખાનની એન્ટ્રી થઈ. સૈફ અલી ખાનને હટાવીને સલમાનની એન્ટ્રી કરાવવામાં આવી. અબ્બાસ મસ્તાનને પડતા મૂકીને ડિરેક્ટરની જવાબદારી રેમો ડિસોઝાને આપી. રેમોએ ફિલ્મ સીરિઝનો કચ્ચરઘાણ વાળી દીધો. સલમાનની વાત તો દૂર પણ નિર્માતાને એવો ફટકો પડ્યો કે હિટ સીરિઝનો નેક્સ્ટ પાર્ટ બનાવવાનો વિચાર પણ કરતાં નથી.

એ સલમાન અલી અબ્બાસ સાથે 2019માં ભારત ફિલ્મ કરી. ફિલ્મનું નામ દર્શકોને થિયેટર ભણી લઈ આવ્યા પણ વાર્તામાં દમ ન હતો. એ જ વરસે સલમાનને માર્કેટમાં દબંગ સ્ટાર બનાવનાર ફિલ્મ દબંગનો ત્રીજો ભાગ આવ્યો. રેસ-3થી પણ મોટો કકળાટ દબંગ-3માં હતો. સલમાનને વોન્ટેડ ફિલ્મથી બોક્સઓફિસ સ્ટારડમ અપાવનાર પ્રભુ દેવાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. મતલબ કે સલમાન સાથે ડિરેક્ટરનું ફર્સ્ટ કોલોબ્રેશન સકસેસ રહે છે, પરંતુ બીજા પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ જાય છે. ખરાબ સમયમાં કોરોનાનો કાળ આવ્યો. સલમાનની ફિલ્મોના રિલીઝિંગ પર બ્રેક લાગી. અને એ તેના માટે શુભ સમાચાર પણ હતા. દબંગના કચ્ચરઘાણ પછી સલમાનની રાધે ફિલ્મ રજૂ થઈ. કોરોનાનો સમય હતો. 2021નું વરસ હતું. આ ફિલ્મ થિયેટરોની સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પેઈડ શૉમાં રજૂ કરવામાં આવી. સલમાનની કરિયરનું સૌથી નબળું સ્ટાર્ટઅપ આ ફિલ્મનું હતું. લાઈફટાઈમ બોક્સઓફિસ કલેક્શન અઢાર કરોડ રૂપિયાનું રહ્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન વન્સ અગેઈન પ્રભુ દેવાએ કર્યું હતું. પ્રભુ દેવાએ આ ફિલ્મનું ટાઈટલ વોન્ટેડ ફિલ્મમાં સલમાનના કેરેક્ટર નેમ પરથી રાખ્યું હતું અને એટલે જ ફિલ્મની ટેગલાઈન રાખી હતી, યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ. દિશા પટનીને સલમાન સાથે લીડ રોલમાં કામ કરવા મળ્યું હતું. એક્શન થ્રિલર રાધેમાં એવી કોઈ થ્રિલ ન હતી કે દર્શકોને જકડી રાખે.

સલમાનની મેથડ સાથે કોઈ જેનરને લેવાદેવા નથી પણ ક્યારેક ક્યારેક ધમાકો કરી દે. સલમાને નબળા સમયમાં તેના બનેવીને હિટ કરવા માટે ફિલ્મનું નિર્માણ કર્યું હતું. લવયાત્રીમાં સલમાને એક્ટિંગ નહોતી કરી પણ અંતિમ ફિલ્મમાં સલમાને ઝંપલાવ્યું હતું. આયુષ શર્માને કંટાળાજનક પરફોર્મન્સને સ્વીકારવાની દર્શકોમાં ત્રેવડ ન હતી એ કહી શકાય. આયુષ સલમાનની બહેન અર્પિતાનો પતિ છે. અંતિમ ધ ફાઈનલ ટ્રુથ મરાઠી એક્શન ડ્રામા ફિલ્મ મુલ્સી પેટર્નની રિમેક હતી. આ ફિલ્મના નામ મુજબ દર્શકોએ ફિલ્મ આવતાની સાથે જ ધ એન્ડ કરાવી દીધો.

આ વરસે સૌથી મોટો ફટકો સલમાનને કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મને પડ્યો હતો. સલમાનની આ ફિલ્મ સાઉથ સ્ટાર અજિતની વીરમ ફિલ્મની રિમેક હતી. ફરહાદ સામજીએ દિગ્દર્શન કર્યું હતું. એક્શન કોમેડી ફિલ્મમાં સલમાનની એક્ટિંગને નેગેટિવ રિમાર્ક્સ મળ્યા હતા. સલમાનની આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. ટાઈગર-3થી ફરી સલમાન માટે આશા સેવાઈ છે. શાહરુખ ખાનને ફેન ફિલ્મમાં ડુબાડનાર મનીશ શર્માએ ટાઈગર-3નું દિગ્દર્શન કર્યું છે. ટાઈગરમાં કેટરિના કૈફની અદા, એક્શન અને એક્ટિંગ રાબેતા મુજબ છે, ઈમરાન હાશ્મીની ફ્લોપ કરિયરમાં નેગેટિવ શેડ્સ કેરેક્ટર હિટ રહેશે. સલમાનને ટાઈગર ફિલ્મ ફળી છે અને ટાઈગર સીરિઝ તેના માટે લાભદાયી રહી છે.


  • Follow us on: