ઑબ્ઝર્વેશન એ માત્ર લીડરશિપમાં જ નહીં, પરંતુ જીવનમાં પણ અત્યંત મહત્ત્વની બાબત છે. જીવનમાં સતત શીખતા રહેવા માટે, નિરંતર આગળ વધતા રહેવા માટે આપણે ઑબ્ઝર્વ કરતા રહેવું પડે અને ઑબ્ઝર્વેશન તો જ થાય જો આપણું ચિત્ત શાંત હોય અને આપણા વાસ્તવમાં હોય.
બાકી જે હવામાં ઊડતા હોય, જે મદમાં રાચતા હોય કે જેનું ચિત્ત પોતાના કામમાં નહીં, પરંતુ સતત મનોરંજન અને જલસામાં હોય એ કંઈ ઑબ્ઝર્વ નહીં કરી શકે. એ તો ઊંધા માથે પટકાય તો જ તેમને ખબર પડે કે તેઓ કેટલા મદમાં રાચતા અને તેઓ કેટલી બાબતો ઑબ્ઝર્વ કરવાનું ચૂકી ગયા.
ખેર, ઑબ્ઝર્વ કરતા રહેવું એવું તો બધા કહે છે, પરંતુ ઑબ્ઝર્વ શું કરવું? અથવા ઑબ્ઝર્વેશન કઈ રીતે કરવું? કારણ કે ઑબ્ઝર્વેશન કરતા રહેવામાં અને કોઈની પંચાત કરવા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. તો એવું જ કંઈક ઑબ્ઝર્વેશન અને કોઈને દાઢમાં રાખી મૂકવા બાબતે પણ છે, કારણ કે ઑબ્ઝર્વ કરવાના બહાને આપણે બીજાની ખણખોદ કરતા કે બીજાની સાથે ચડચાચડસી કરતા ક્યારે થઈ જઈએ એની આપણને પણ ખબર નથી હોતી! પરંતુ ઑબ્ઝર્વ કરતી વખતે કાન અને આંખને ખુલ્લાં રાખવાનાં હોય છે અને મોઢું અને ખાસ તો વધુ પડતી ચાલતી ખોટી બુદ્ધિને બંધ રાખવાની હોય છે. તો જ યોગ્ય રીતે ઑબ્ઝર્વ થઈ શકે અને તો જ આપણે આપણી જાતને અપગ્રેડ પણ કરી શકીએ છીએ.
આ માટે પિતામહ ભીષ્મે મહાભારતના `શાંતિપર્વ'માં એક સરસ વાત કરી છે. તેમણે ઑબ્ઝર્વ કરવાની વાતને આસપાસમાં થતાં પરિવર્તનો પર ધ્યાન રાખવા સાથે સાંકળી છે. તેઓ કહે છે કે ચંદ્રનો ક્ષય કે દરિયાની ભરતી-ઓટ તો સાવ દેખીતી બાબત છે. એના પર તો કોઈની પણ નજર હોય, પરંતુ જો એક લીડરની એના પર પણ નજર ન હોય અને તેને તિથિઓ કે ઋતુઓનું ભાન સુધ્ધાં ન રહેતું હોય તો એ આજીવન ગાફેલ રહેવાનો! એટલે ઑબ્ઝર્વેશનની સૌથી પહેલી શરત એ છે કે લીડરને તિથિ અને દરિયાની ભરતી-ઓટ જેવી બેઝિક બાબતોનો ખ્યાલ તો હોવો જ જોઈએ. તો ઋતુઓના પરિવર્તન અને ઋતુચક્ર મુજબ ઋતુઓના પ્રભાવમાં થતી વઘઘટ પણ તેના ધ્યાને હોવી જોઈએ. કારણ કે ઋતુઓનું પરિવર્તન અને ઋતુઓના પ્રભાવની વઘઘટ સીધી રીતે જીવન પર અસર પાડતી હોય છે અને લીડરશિપ એ જીવનનો જ એક ભાગ છે.
આ ઉપરાંત તેઓ કહે છે કે ધનવાનો અને સંપન્ન પરિવારોની કે પ્રતિભાવાન લોકોની પડતી, પડતીનાં કારણો અને ફરી પાછી ચડતી થાય તો એનાં કારણો પણ ઑબ્ઝર્વ કરતા રહેવું, જેથી આપણા કામમાં કે આપણી પ્રગતિમાં આપણે એ કારણોને ક્યાં લાગુ કરી શકીએ અથવા તો આપણે શું શું ધ્યાનમાં રાખવું કે શું નજરઅંદાજ કરવું એનો આપણને ખ્યાલ રહે! આ ઉપરાંત આજે જે સૌથી વિકરાળ પ્રશ્ન છે એ ક્લાયમેટ પર પણ ધ્યાન રાખવા તેમણે કહ્યું છે. તેમણે કહ્યું છે કે નદીઓ અને પ્રકૃતિના અને નદીઓના બગાડ પર પણ નજર રાખવી અને નદીની બહારની કે નદીઓની અંદરની જીવસૃષ્ટિમાં કોઈ ફેરફાર થયો તો એ પણ તરત ધ્યાને ચઢવો જોઈએ.
પહેલી નજરે આ ઑબ્ઝર્વેશન અત્યંત ક્ષુલ્લક લાગે, પરંતુ આવા ઑબ્ઝર્વેશન દ્વારા ભીષ્મ નિસ્બત કેળવવાની કે આસપાસના માહોલ સાથે તાદાત્મ્ય કેળવવાની પણ વાત કરે છે, જેથી લીડરશિપમાં એ નિસ્બત ખપમાં આવે. તો આખરમાં ભીષ્મ એમ કહે છે કે સમયાંતરે પોતાના શરીરમાં આવી રહેલા બદલાવો પર પણ નજર રાખવી અને શરીરમાં આંતરિક રીતે કે બાહ્ય રીતે કોઈ પણ બદલાવ લાગે તો તરત તેના પર કામ કરવું. પછી એક વૈદ્યકીય ઈલાજ હોય કે પોતાની ખાનપાનની શૈલી બદલવાની હોય કે પોતાની ઊંઘ અને આરામની રીતો બદલવાની હોય. એ બધી જ નાની નાની બાબતોનું લીડરશિપમાં અત્યંત મહત્ત્વ રહેલું છે. એના પર જો સત્વરે કામ થાય તો વ્યક્તિગત સ્તરે પણ એનો ઘણો લાભ મળતો હોય છે.
વળી, આ તમામ બાબતો પર નજર રાખવાનો સૌથી મોટો લાભ એ થતો હોય છે કે તમારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા નથી બેસવું પડતું. તો બીજો ફાયદો એ થાય છે કે તમે ગાફેલ નથી રહેતા. ગાફેલ રહેતા માણસની હાર કે તેની પછડાટ તેને અત્યંત કફોડી સ્થિતિમાં મૂકી દેતી હોય છે. આ કારણે ગાફેલ રહેવું કોઈ પણ સંજોગોમાં લીડરને નહીં પરવડે, પરંતુ ગાફેલ ન રહેવાનો અર્થ શંકાઓ કરતા રહેવું એવો પણ નહીં જ થાય. એટલે જ ભીષ્મે ઑબ્ઝર્વેશન કરવા બાબતની જે આ વાતો કહી છે એ લીડરશિપમાં અત્યંત ખપમાં આવી શકે છે, કારણ કે ઑબ્ઝર્વેશનની આ વાતો ઘણે અંશે સર્વાંગી બની રહે છે. ખાસ તો આ વાતો પોતાની ભૂલો, પોતાનામાં આવી રહેલા બદલાવો પર પણ નજર રાખવા કહે છે. બાકી ગાફેલ ન રહેવાનું બહાનું કાઢી જે શંકા કરતો હોય એને ક્યારેય પોતાની માર્યાદાઓ ન દેખાય. લીડરશિપમાં પોતાની જાતને ઑબ્ઝર્વ કરવી પણ એટલી જ મહત્ત્વની છે
