ભગવાન પોતાના ભક્તને આ કહે છે કે જો તારે મારા શરણે આવવું હોય, મારા સુધી પહોંચવું હોય તો તું બધું છોડીને આવ, મોહ માયા ત્યાગી બતાવ. પ્રેમી પોતાની પ્રેમિકાને આ કહે છે કે તું મને પ્રેમ કરે છે તો આવી જા મારી પાસે બધું છોડીને. લક્ષ્ય માણસને કહે છે કે તારે મને પામવું હોય તો તારા મોજ-શોખ છોડી બતાવ અને પછી જો હું તારા માત્ર હાથવેંત જ છું.
ટૂંકમાં, કંઇ પણ મેળવવા માટે કંઇક છોડવું, લેટ ગો કરવું ખૂબ જરૂરી છે. એ પછી સંબંધમાં હોય કે ધ્યેય પ્રાપ્તિમાં હોય. તમે તમારા કમ્ફર્ટ ઝોનને છોડો છો તો તમે ચોક્કસ ધ્યેય પ્રાપ્તિની દિશામાં આગળ વધી રહ્યાં છો. અલબત્ત લેટ ગો કરવાની ભાવના દરેક જગ્યાએ જીત અપાવે છે, પણ ખબર હોવી જોઇએ કે તમે જે બાબતમાં લેટ ગો કરી રહ્યાં છો એ બાબત વાજબી હોય. મતલબ કે તમને લેટ ગોની કળા વિશે નોલેજ હોવું જરૂરી છે. Art Of Letting Go, જતું કરવાની ભાવના નહીં જતું કરવાની કળા, જો આ કળા વિશે જાણી જશો તો જીવનના ઘણાખરા ભાર તમે હળવા કરી શકશો. આજની પેઢી Art Of Letting Goને સંપૂર્ણપણે ફોલો કરતી થશે તો નાની વયે થતી એંગ્ઝાઇટી અને ડિપ્રેશનની સમસ્યાથી બચી શકશે. યુવાનો અને નાનાં બાળકોના સ્યુસાઇડના કેસીસ પણ ઘણા અટકી જશે.
આ કળા શીખવી ખૂબ જરૂરી
letting Go Is An Art. આ એક કળા છે. માણસની અંદર રહેલી કળા એને કંઇક સારું કરવાની કાયમ પ્રેરણા આપતી રહે છે. તો લેટ ગો કરવાની કળા જીવનને સારું કરવાનું કામ કરે છે. બીજી રીતે કહીએ તો લેટ ગો કરવાની કળા એક રીતે પોઝિટિવ રહેવાની કળા પણ છે. Art Of Letting Go Is An Art Of Stay Positive. લેટ ગો કરશો તો સકારાત્મક રહી શકશો. સકારાત્મકતા કોઇ પણ ખોટાં પગલાં લેતાં અટકાવશે.
આજની પેઢીએ ચોક્કસ શીખવા જેવી બાબત
આજે દર ચોથા દિવસે સમાચાર આવે છે કે સાવ નાની ઉંમરે પત્ર લખીને આત્મહત્યા કરી. કારણ શું? તો કહે પ્રણયભંગ, સ્કૂલમાં થયેલું અપમાન, લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મળેલી નિષ્ફળતા વગેરે વગેરે. હવેની પેઢીમાં જતું કરવાની ભાવના બહુ ઓછી જોવા મળે છે. પરિણામે એ લોકો બહુ જલદી હતાશા તરફ ધકેલાઇ જાય છે. આ હતાશા ઘણીવાર ખોટાં પગલાં ભરવા પણ પ્રેરે છે. એટલે આવું કરવાને બદલે યુવાનોએ ખરેખર Art Of Letting Go શીખવું જરૂરી છે. આ સકારાત્મકતા પેરેન્ટ્સે પણ બાળકોમાં સીંચવી જોઇએ. કોઇ વસ્તુ બાળક નથી અચીવ કરી શક્યું તો એ બાબતે એને ઠપકો આપવાના બદલે, એની કમ્પેરિઝન કરવાના બદલે એને પ્રેમથી સમજાવો કે ઠીક છે, આ વખતે ન મળ્યું તો આવતી વખતે વધારે મહેનત કરજે. બાળકને શીખવવું જરૂરી છે કે મહેનત કરવી એ આપણું કર્તવ્ય છે. અઢળક મહેનત પછી પણ કંઇ ન મળે તો ઇશ્વર ઇચ્છા સમજીને આગળ વધી જવું. ન મળેલી વસ્તુને વાગોળ્યા ન કરવી.
એક પાતળી ભેદરેખા સમજવી જરૂરી
આપણે વાત કરવાની છે Art Of Letting Go વિશે, મતલબ કે જતું કરવાની કળા વિશે. હવે letting go અને giving up આ બંનેમાં પાતળી ભેદરેખા છે. એને સૌપ્રથમ સમજવાની ખાસ જરૂર છે. letting go મતલબ કે જતું કરવું અને giving up મતલબ કે છોડી દેવું. તમે કોઇ વસ્તુ માટે અઢળક પ્રયાસો કર્યા હોય, પ્રયત્ન કરી જ રહ્યાં હોય તેમ છતાં એ વસ્તુ તમને ન મળી રહી હોય અથવા તો તમને ખબર પડી જાય કે એ વસ્તુ નથી જ મળવાની ત્યારે એ વિશે હતાશ થઇ જવાને બદલે ઠીક છે નસીબમાં નહીં હોય એમ માનીને એ વસ્તુને ભૂલી જવી. અલબત્ત, લેટ ગો કરતાં પહેલાં તમારાથી બનતા પ્રયત્નો કરો, પ્રયત્નોમાં તમારું હન્ડ્રેડ પર્સેન્ટ આપો. હન્ડ્રેડ પર્સેન્ટ આપ્યા પછી પણ જો એ વસ્તુ નથી મળી રહી તો એને જતી કરી દો. એને ભૂલી જાવ. આ છે લેટ ગોની કળા. અહીં કોઇ કામ હાથમાં લીધું હોય અને એ અઘરું લાગતાં એને પડતું મૂકવાની વાત નથી. વાત છે બનતા પ્રયત્નો કર્યા પછી પણ ધાર્યું પરિણામ ન મળે તો એ બાબતે હતાશ થવાને બદલે મેં મારાથી બનતો ટ્રાય કરી લીધો એ એટિટ્યૂડ કેળવવાની વાત છે.
એ અઘરું છે પણ અશક્ય નથી
તમને કોઇ વસ્તુ દિલથી જોઇતી હોય, એ વસ્તુ મેળવવા તમે ડેસ્પરેટ હોવ, તમારું સ્વપ્ન હોય એ વસ્તુ જતું કરવું, એને ભૂલી જવું ખૂબ અઘરું છે. ગમતી વ્યક્તિ નસીબમાં નથી, એની સાથે રહેવાનાં સપનાં જોયાં પછી એને ભૂલવી ઘણી અઘરી છે, પણ અશક્ય નથી. જે નસીબમાં નથી, જેને મેળવવા અઢળક પ્રયત્નો કર્યા છે તેમ છતાં એ નથી મળી રહ્યું તો એને ભૂલવામાં જ ભલાઇ છે. જો એને નહીં ભૂલો તો તમારું જ જીવન અટકી જશે. એ જ રીતે ઘણા લોકો ભૂતકાળના ઘાવને પણ વારંવાર વાગોળ્યા કરે છે. મોટાભાગના લોકોને ભૂતકાળમાં કોઇ ને કોઇ ખરાબ અનુભવ થયો હશે. એ ખરાબ અનુભવને કાયમ યાદ કરીને દુ:ખી થયા કરવાની ઘણાને આદત હોય છે. આ સ્વને દુ:ખી કરવાની અાદતથી વધારે બીજું કશું જ નથી. ભૂતકાળના ઘાવને પણ ભૂલી જવા, લેટ ગો કરી દેવા. અહીં લેટ ગો કરવાની કળા તમને અનેક ભારથી મુક્ત કરી શકે છે. કંઇકેટલાંય સપનાંઓ જોયાં પછી એ સપનાંઓને ભૂલવાં અઘરાં જરૂર છે પણ અશક્ય નથી.
સમય જાદુગર છે,એ જાણો છોને?
કહેવાય છે કે સમયમાં દરેક ઘાવ ભરવાની તાકાત હોય છે. સમય એ ખરેખર જાદુગર છે. એટલે જ કોઇ પણ મુશ્કેલ સમયે મહેનત કરવાની સાથે સમયને પ્રથમ પ્રાધાન્ય આપો. સમય જતાં બધું જ ઠીક થઇ જશે. જે સમય, વસ્તુ કે વ્યક્તિ છૂટી જ ગઇ છે અથવા તો કોઇ કારણ સર છોડીવી પડી છે તો એ અંગે શોકમગ્ન થવાના બદલે સારા સમયની રાહ જુઓ. સકારાત્મકભાવ કેળવો કેમ કે સમય દરેકનો સારો આવે જ છે, ખરાબ છે એ કાયમી નથી.