વૈજ્ઞાનિક મત પ્રમાણે ટામેટાં અતિશય મહત્ત્વનાં અને ઉપયોગી છે. શરીર સંવર્ધન માટે જોઈતાં મુખ્ય દ્રવ્યો-લોહ અને બીજા ક્ષારો-તેમાં બહોળા પ્રમાણમાં છે. ટામેટાંમાં ઓક્ઝેલિક એસિડ કંઈક અંશે અને સાઈટ્રીક એસિડ સારા પ્રમાણમાં છે. ટામેટાંમાં ખનિજ ક્ષારો, લોહ, ફોસ્ફેટ, મેલિક એસિડ પણ છે. આંતરડાંને એ વ્યવસ્થિત કરે છે. છ પ્રકારના વિટામિનો પૈકી પાંચ વિટામિનો ટામેટાંમાં છે. ટામેટાં ઉત્તમ વાયુનાશક છે. વાત-કફ પ્રકૃતિવાળા માટે ટામેટાં ખૂબ ફાયદાકારક છે. ટામેટાંમાં જે ખાટો રસ છે તે મનુષ્યના જઠર માટે ઉપયોગી, રુચિકર અને પાચક છે.


દોષ

ટામેટાં લઘુ, ઉષ્ણ તથા સ્નિગ્ધ છે. લોહી તથા પિત્તની વૃદ્ધિ કરે છે. ટામેટાં ગુણકારી હોવા છતાં પથરી, સોજા, સંધિવા, આમવાત અને અમ્લપિત્તના રોગીઓને માફક આવતાં નથી.

આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજીઓ

1. શીતપિત્ત થતું હોય તેમણે ટામેટાં ખાવાં નહીં.

2. જેમના શરીરમાં ગરમીનું પ્રમાણ સવિશેષ હોય, હોજરી, આંતરડાં કે ગર્ભાશયમાં ચાંદાં પડી જતાં હોય તેમના માટે પણ ટામેટાંનું સેવન ફાયદાકારક નથી.

3. જેમને ઝાડા થતા હોય તેમણે ટામેટાં ખાવાં નહીં.

4. જે લોકોની પ્રકૃતિને ખટાશ માફક આવતી ન હોય તેમણે ટામેટાં ન ખાવાં જોઈએ.

ઔષધીય ગુણ

1. ટામેટાંનો રસ કે સૂપમાં સાકર મેળવીને પીવાથી પિત્તજન્ય વિકારો મટે છે.

2. પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પિવડાવવાથી બાળકો નિરોગી, બળવાન અને હ્યુષ્ટપુષ્ટ બને છે.

3. પાકાં ટામેટાંનો એક પ્યાલો રસ કે સૂપ દરરોજ પીવાથી આંતરડાંમાં જામેલો સૂકો મળ છૂટો પડે છે અને જૂના વખતની કબજિયાત દૂર થાય છે.

4. પાકાં ટામેટાંના તાજા રસમાં પાણી અને થોડું મધ મેળવી પીવાથી રક્તપિત્ત તથા લોહીવિકાર મટે છે.


  • Follow us on: