હિમાચલ પ્રદેશ, શિમલા અને મનાલી જેવાં સુંદર હિલસ્ટેશન માટે ખૂબ પોપ્યુલર છે. અલબત્ત, હિમાચલમાં શિમલા, મનાલી સિવાય પણ અનેક નાનીમોટી એવી જગ્યાઓ છે જે પર્યટકોને જોવાની મજા આવે. આવી જ રીતે ઉત્તરાખંડમાં અનેક જગ્યાઓ છે જે જોવાની ખૂબ મજા આવે એમ છે. આપણે મોટાભાગે ઉત્તરાખંડમાં ઋષિકેશ, મસૂરી, દહેરાદૂન, નૈનીતાલ કે કેદારનાથ જેવી ખૂબ જાણીતી જગ્યાઓ વિશે જાણતા હોઇએ છીએ અથવા તો ત્યાં ફરવા જતાં હોઇએ છીએ પણ એ સિવાય ઉત્તરાખંડમાં અનેક નાનીમોટી જગ્યાઓ છે જે જોવાની પણ ખૂબ મજા આવે છે. આજે આવી જ એક જગ્યાની વાત કરવી છે જે બહુ એક્સપ્લોર નથી થયેલી. આ જગ્યા અત્યંત સુંદર છે. જો તમે ઉત્તરાખંડ જવાનો પ્લાન કરી રહ્યાં હોવ તો કનાતલ જવાનું પ્લાનિંગ ચોક્કસ કરજો, અહીં આવીને કુદરતના સાંનિધ્યની મજા માણી શકાશે.


 ટિહરી ગઢવાલ જિલ્લાસ્થિત કનાતલ એક નાનું ગામ છે. અહીંથી તમને સુંદર હિમાલયની ઘાટીનાં અદભુત દૃશ્યો જોવા મળશે. તમે કનાતલથી પવિત્ર બદરીનાથની પર્વતમાળાનાં દર્શન પણ થશે. આ જગ્યા તેની સુંદરતાના કારણે ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ છે. ઉત્તરાખંડવાસીઓ વીકેન્ડમાં અહીં ફરવા આવતા હોય છે, પણ ટૂરિસ્ટ માટે હજી તે નવી છે, અહીં ટૂરિસ્ટની બહુ ભીડ નહીં જોવા મળે. એકંદરે આ કારણે જ તમે કુદરતની નિકટતા અને શાંતિનો અનુભવ

કરી શકો છો.

 ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ

 જો તમને હાઇકિંગ કરવું ગમતું હોય તો ઉત્તરાખંડ જતાં સમયે કનાતલની મુલાકાત માટે આશરે ત્રણ દિવસ ફાળવવા. અહીં પહેલી વાર ટ્રેકિંગ કરતાં લોકો માટે પણ જગ્યા છે તો વારંવાર ટ્રેકિંગ કરતાં લોકો માટે પણ જગ્યા છે. પહેલી વાર ટ્રેકિંગ કરતાં લોકો માટે સુંદરકાંડ દેવી મંદિર અથવા બટવાલદાર વન જેવી જગ્યા છે. આ ટ્રેક બહુ અઘરા નથી, જેથી પહેલી વાર ટ્રેકિંગ કરતાં લોકો આરામથી ટ્રેકિંગની મજા માણી શકશે. સુંદરકાંડ દેવી મંદિર અને બટવાલનો ટ્રેક ગ્રીનરીથી ભરપૂર છે, અહીં વાતાવરણ પણ આહલાદક હોય છે. જે લોકો ઘણી વાર ટ્રેકિંગનો અનુભવ લઇ ચૂક્યાં છે તે ધનૌલ્ટી અથવા રાની ચૌરી વનનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ ટ્રેક પ્રમાણમાં અઘરો પણ રોમાંચથી ભરપૂર છે. કનાતલમાં આ સિવાય પણ ટ્રેકિંગ માટે બીજા અનેક ઓપ્શન છે જે તમે એક્સપ્લોર કરી શકો છો.

 પહાડોના ખોળે

કનાતલ સમુદ્રતટથી 8500 મીટર ઊંચાઈ ઉપર વસેલું છે, તેની આટલી ઊંચાઈના કારણે આ જગ્યા શિયાળામાં વિન્ટર વન્ડરલેન્ડથી કમ નથી લાગતી. ઉત્તરાખંડના રહેવાસીઓ કનાતલને વિન્ટર વન્ડરલેન્ડ તરીકે પણ આ કારણે જ સંબોધે છે. હિમાલયનાં સુંદર દૃશ્યોથી માંડીને બરફાચ્છાદિત પહાડો, ટિહરી ડેમ અને તેની વચ્ચે થતું કેમ્પિંગ વગેરે પર્યટકો માટે લોહચુંબક જેવું કામ કરશે. અહીં આવનારા લોકોને અહીં વારંવાર આવવું ગમે એવી આ જગ્યા ચોક્કસ કહી શકાય.

શાંતિનો અનુભવ

કનાતલ મસૂરી અને ચંબાના માર્ગ વચ્ચે આવેલું ગામ છે, જે તેને દહેરાદૂન, મસૂરી, દિલ્હી વગેરે શહેરથી સરળતાથી જોડે છે. આ કારણે જ દિલ્હી ફરવા જતાં લોકો પોતાના પ્રવાસમાં કનાતલ વિશે ખબર હોય તો ચોક્કસ તેને એડ કરે છે. ત્રણથી ચાર દિવસ ફરવા માટે આ જગ્યા પરફેક્ટ છે. અહીં કુદરતની સુંદરતા અપાર હોવાની સાથે શાંતિ છે, તાજો ઓક્સિજન છે, ચારેતરફ હરિયાળી છે એટલે જ અહીં આવનારા લોકો અહીંથી જતી વખતે પોતાના દરેક ટેન્શન ભૂલીને ફ્રેશ થઇને જાય છે. જે પર્યટકોને શાંતિ પ્રિય હોય, કુદરતનું નૈકટ્ય ગમતું હોય અને સાથેસાથે પહાડો તેમજ ટ્રેકિંગ ગમતું હોય તો આ જગ્યા તેમના માટે શ્રેષ્ઠ છે.


  • Follow us on: