ઠંડીની મોસમ એટલે કે શિયાળો સૌને ગમે છે, ઠંડી-ઠંડી હવા કોને ન ગમે? પણ આ જ શિયાળો સ્કિન માટે મુસીબતો લઈને પણ આવે છે. ઠંડી હવા સ્કિનમાંથી નેચરલ મોઈશ્ચર ખેંચી લે છે. વળી, જેની સ્કિન પહેલેથી જ ડ્રાય હોય તેના માટે તો મુસીબતોનો પહાડ તૂટી પડવા જેવું થાય છે. ત્વચા રુક્ષ થતા ચહેરાનું તેજ જાણે ગાયબ થઈ જાય છે. જો યોગ્ય રીતે સ્કિન કેરનું રૂટિન ફોલો કરવામાં આવે તો સ્કિનની ડ્રાયનેસને બહુ સરળતાથી મેનેજ કરી શકાય એમ છે.
સવારનું સ્કિન કેર રૂટિન
જેમ સવાર અને રાતમાં, અજવાળા અને અંધારામાં ફરક છે તેટલો જ ફરક સવાર રાતના સ્કિન કેરમાં પણ છે. તેથી તમારે સવારે અલગ અને રાતે અલગ સ્કિન-કેર રૂટિનને અનુસરવું પડે છે. વાસ્તવમાં સવારે ઘરની બહાર નીકળો ત્યારે વાતાવરણ અલગ હોય છે અને તેનાથી થનારું ત્વચાનું નુકસાન પણ. આ ડેમેજને મેનેજ કરવા માટે તમારે સ્કિનને તે જ પ્રમાણે તૈયાર કરવી પડે છે. સવારે નીચે જણાવેલા રૂટિનને ફોલો કરો.
સવારે ઊઠ્યા પછી સૌથી પહેલાં સ્કિનને ક્લીન કરવી જોઈએ. જોકે, તમારી સ્કિન રુક્ષ હોય છે, તેથી તમારે માઈલ્ડ, જેન્ટલ અને હાઈડ્રેટિંગ ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.
ત્યારબાદ સ્કિન પર સિરમ એપ્લાય કરો. સિરમમાં એન્ટિ ઓક્સિડન્ટનું હાઈ કન્સન્ટ્રેશન હોય છે, જેને લીધે તે તમને નુકસાનકારક રેડિકલ્સથી થનારા નુકસાનથી બચાવે છે.
હવે સિરમ એપ્લાય કર્યા પછી તમે તમારા ચહેરા પર મોઈશ્ચરાઈઝર એપ્લાય કરો. જો તમારી ત્વચા રુક્ષ હોય તો ભૂલથી પણ આ સ્ટેપ્સને મિસ ન કરશો. ધ્યાન રાખો કે હંમેશાં ચહેરો ધોયા પછી તરત જ નરમ ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવો. તે તમારી સ્કિનને હાઈડ્રેટેડ રાખશે.
મોર્નિંગ સ્કિન કેર રૂટિનની વાત ચાલી રહી હોય તો સનસ્ક્રીનને કેવી રીતે ભૂલી શકાય! વાસ્તવમાં શિયાળામાં તડકો ભલે ઓછો અનુભવાય, પરંતુ છતાં તેનાથી તમારી સ્કિન ડેમેજ થઈ શકે છે. તેથી સવારે ઓછામાં ઓછા 30 એસપીએફવાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરો. આ સિવાય બહાર નીકળો ત્યારે પોતાને બરાબર કવર કરવાનો અને સનગ્લાસીસ પહેરવાનો પ્રયત્ન કરો.
તમારું મેકઅપ રૂટિન પણ બદલો. આ મોસમમાં મેટની જગ્યાએ હાઈડ્રેટિંગ મેકઅપ પ્રોડક્ટસને સ્થાન આપો, જેથી સ્કિન રુક્ષ કે ખેંચાયેલી ન અનુભવાય.