સાઇનસ ઇન્ફેક્શન સાઇનુસાઇટિસ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં આ સમસ્યા ધરાવતા અનેક દર્દીઓ છે. આ એવી સ્થિતિ છે, જેમાં તમારા નાકમાં અનુનાસિક માર્ગમાં હવાના પોલાણ એટલે કે સાઇનસમાં બળતરા થાય છે. દર આઠ ભારતીયોમાંથી એક ભારતીય આ સમસ્યાથી પીડિત છે. સાઇનસ નાસિકમાર્ગમાં થતી બળતરા છે. ઘણી વાર બેક્ટેરિયલ (જીવાણુ) ઇન્ફેક્શનથી આ થાય છે. કેટલીક વાર વાઇરસ અને ફૂગને કારણે પણ થાય છે. નબળી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોમાં બેક્ટેરિયલ કે ફંગલ (ફૂગજન્ય) સાઇનસનું ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે છે. એલર્જી ધરાવતા કેટલાંક લોકો `એલર્જિક ફંગલ સાઇનસ ઇન્ફેક્શન' ધરાવી શકે છે. સાઇનસનું તીવ્ર ઇન્ફેક્શન ત્રણથી આઠ અઠવાડિયાં સુધી રહે છે. જ્યારે સાઇનસ ઇન્ફેક્શન આઠ અઠવાડિયાંથી વધારે ચાલે છે, ત્યારે એને લાંબા ગાળાનું ગણવામાં આવે છે. આ સાઇનસ હવાજન્ય પોલાણ છે. આ પોલાણ ગાલનાં હાડકાંઓની અંદર, કપાળ અને ભમ્મરની પાછળ, નાકને જોડતી એક બાજુએ, મગજની સામે સીધું નાકની પાછળ ઊભું થાય છે. જો મગજની નજીક સાઇનસના પોલાણના ઇન્ફેક્શનની સારવાર ન કરાવવામાં આવે, તો એ મગજમાં ફેલાઈ શકે છે અને જીવલેણ બની શકે છે.


લક્ષણો

સાઇનસનાં લક્ષણો સામાન્ય શરદી જેવાં હોય છે. તેમાં ગંધની સંવેદના ગુમાવવી, તાવ આવવો, નાકમાંથી સતત પાણી વહેવું, સાઇનસના દબાણથી માથાનો દુખાવો, થાક અને કફ સામેલ હોઈ શકે છે. સાઇનસ ઇન્ફેક્શન રાઇનાઇટિસ (નાકમાં બળતરા) સાથે ગૂંચવાડો ઊભો કરે છે. રાઇનાઇટિસ તબીબી શબ્દ છે, જેનો ઉપયોગ નાસિકામાર્ગોમાં બળતરા જણાવવા માટે થાય છે. રાઇનાઇટિસમાં નાસિકામાર્ગો જ સંકળાયેલા હોય છે. એને શરદી કે એલર્જીથી અસર થઈ શકે છે.

સાઇનસના પ્રકારો

વાઇરલ સાઇનસઃ વાઇરલ સાઇનસ શરદી જેવું છે, જેમાં નાકમાંથી પાણી વહે છે, ગળામાં બળતરા થાય છે, છીંક આવે છે, નાસિકામાર્ગ બંધ થઈ જાય છે અને કફ થાય છે. લાળ કે શ્લેષ્મ સ્પષ્ટ હોઈ શકે છે અથવા થોડો રંગ ધરાવે છે. વાઇરલ ઇન્ફેક્શન સામે એન્ટિ બાયોટિક્સ અસર કરતી નથી. શક્ય એટલો આરામ કરીને, પ્રવાહી પીવાથી, સેલાઇન નાસલ સ્પ્રેનો ઉપયોગ કરવાથી તથા ઓવર ધ કાઉન્ટર પેઇન રિલીવર્સ અને મુખ વાટે ડિકન્જેસ્ટન્ટ લઈને ચિહ્નોને નિયંત્રણમાં રાખવાં શ્રેષ્ઠ સારવાર છે. સામાન્ય રીતે વાઇરસથી થતું સાઇનસ ઇન્ફેક્શન 7થી 10 દિવસ ચાલે છે.

બેક્ટેરિયલ સાઇનસઃ બેક્ટેરિયલ સાઇનસનાં ચિહ્નોમાં નાકમાંથી ઘટ્ટ પદાર્થ બહાર આવે છે, જે જાડો હોઈ શકે છે અને લીલો કે પીળો હોઈ શકે છે. નાસિકા માર્ગોમાં બળતરા થાય છે અને ગળાના પાછળના ભાગમાંથી ગળફો બહાર આવી શકે છે (પોસ્ટ-નસલ ડ્રિપ). આ સમસ્યાથી પીડિત લોકોને ચહેરા પર દુખાવો અને દબાણનો અનુભવ થઈ શકે છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શન સાઇનસ ધરાવતી વ્યક્તિને ડૉક્ટરે એમોક્ઝિલિન જેવી એન્ટિ બાયોટિક દવાની ભલામણ કરવી જોઈએ. તીવ્ર બેક્ટેરિયલ સાઇનસ ધરાવતી મોટા ભાગની વ્યક્તિઓને એન્ટિ બાયોટિક્સની અસર થાય છે અને 10થી 14 દિવસમાં ચિહ્નો દૂર થાય છે.

એલર્જિક સાઇનસ ઃ એલર્જીને કારણે સાઇનસમાં બળતરા થઈ શકે છે, જે નાકમાં ભરાવો કે ગૂંગળામણ અને લાળ ઉત્પન્ન કરતી પેશીઓમાં બળતરા કે સોજા તરફ દોરી જાય છે, જેનાથી નાસિકામાર્ગ બંધ થઈ શકે છે. એલર્જિક સાઇનસ ઘણી વાર લાંબા ગાળાના સાઇનસ તરફ દોરી જાય છે. એનાં ચિહ્નો સિઝનલ છે, અથવા આખું વર્ષ જોવા મળે છે. તેમાં સામેલ છેઃ છીંક આવવી, નાક, ગળા કે આંખ પર ખંજવાળ, નાકમાં ભરાવો, પોસ્ટ નસલ ડ્રિપ, નાકમાંથી પાણી ટપકવું. એલર્જિક સાઇનસની સારવારમાં એન્ટિ હિસ્ટામાઇન્સ સામેલ છે. વળી એલર્જી થાય એવાં પરિબળોથી દૂર રહેવું અને કેટલાંક કેસોમાં એલર્જીને દૂર કરવાની સારવાર સામેલ છે.

લાંબા ગાળાનું સાઇનસઃ લાંબા ગાળાના સાઇનસથી મહિનાઓ સુધી સતત વધારે ચિહ્નો જોવા મળી શકે છે. નાક બંધ થઈ જવું અને નાકની પાછળના ભાગમાં કફ ભરાવો એનું સૌથી સામાન્ય

લક્ષણ છે.

રાત્રે અને સવારે કફ વધારે આવે એ સામાન્ય છે. નસલ પોલિપ્સ ધરાવતી વ્યક્તિઓ આ પ્રકારનું ઇન્ફેક્શન ધરાવે છે. સામાન્ય રીતે નસલ સ્ટીરોઇડ સ્પ્રેનો ઉપયોગ સારવારના ભાગરૂપે થાય છે, ફૂગ લાંબા ગાળાના સાઇનસનું વધારે સંભવિત કારણ છે.

નિદાન

સાઇનસ ઇન્ફેક્શનનું નિદાન સૌપ્રથમ ડૉક્ટર ક્લિનિકલ એક્ઝામિનેશનમાં કરે છે. જેમાં લક્ષણો વિશે પૂછશે અને શારીરિક પરીક્ષણ કરે છે. તેઓ માથા અને ગાલ પર આંગળી દબાવીને દબાણ અને નરમાશ ચકાસવામાં આવે છે. બળતરા માટે નાકની અંદર ચકાસણી કરે છે. જોકે વધારે જરૂર જણાય તો લાંબા ગાળાનાં ઇન્ફેક્શનના કેસમાં ડૉક્ટર નાક દ્વારા અને સાઇનસની ચકાસણી કરવા ઇમેજિંગ પરીક્ષણો કરાવે છે. આ પરીક્ષણો શ્લેષ્મથી નાક બંધ થવાની અને પોલિપ્સ જેવા કોઈ અસાધારણ પદાર્થની હાજરીની જાણકારી આપી શકે છે. સીટી સ્કેન અને એમઆરઆઈનો ટેસ્ટ પણ કરાવાય છે. ડૉક્ટર ફાઇબેરોપ્ટિક સ્કોપનો ઉપયોગ પણ કરી શકે છે, જે નાકમાંથી પસાર થતી લાઇટ ટ્યૂબ છે. એનો ઉપયોગ તમારા નાક અને સાઇનસમાં સીધું જોવા માટે થાય છે. ઇન્ફેક્શન છે કે નહીં એ માટે પરીક્ષણ કરવા કલ્ચર ટેસ્ટિંગ માટે નસલ એન્ડોસ્કોપી દરમિયાન એક નમૂનો મેળવી શકાય છે. એલર્જી ટેસ્ટમાં એલર્જિક રિએક્શન આપતાં પરિબળોની ઓળખ થાય છે. લોહીનું પરીક્ષણ એચઆઇવી જેવી રોગપ્રતિકારક ક્ષમતા નબળી પાડે એવા રોગોની ચકાસણી માટે થઈ શકે છે.


  • Follow us on: