ગુરુનું વાહન હાથી છે. દેવગુરુ બૃહસ્પતિનાં લક્ષણો જોતાં તેઓ પરોપકારી, મહાન વિચારક, ઋષિ-મુનિ, મનનશીલ, સૂક્ષ્મચેતા, ઉદાર ચરિત્રવાળા, તેજસ્વી, તપસ્વી, બ્રાહ્મણ શ્રેષ્ઠ, શુભ માર્ગદર્શક, શુભચિંતક તેમજ શ્રેષ્ઠ આચાર્ય તરીકે ઓળખાય છે.
દેવગુરુ બૃહસ્પતિ વિદ્યા-બુદ્ધિનો ભંડાર છે. જન્મકુંડળીમાં શુભ સ્થાને રહેલો દેવગુરુ બૃહસ્પતિ સુખ, સાહેબી, જ્ઞાન, વૈભવ, ધન, ઐશ્વર્ય તેમજ ભૂલોકમાં યશ કીર્તિ વધારીને મનુષ્યનું હંમેશાં કલ્યાણકર્તા છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુ પોતાના સ્થાનથી પાંચમે, સાતમે અને નવમા સ્થાન પર દૃષ્ટિ કરે છે. ગુરુ એક રાશિ પર 13 મહિના પોતાનો પ્રભાવ પાડે છે. દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચનો તેમજ મકર રાશિમાં નીચેનો ગણવામાં આવે છે. ગુરુના અધિષ્ઠાત્રા દેવ ભગવાન વિષ્ણુ તેમજ આરાધ્ય દેવ ભગવાન દત્ત છે.
ગુરુનો નિવાસ કેળાંના વૃક્ષનાં મૂળમાં હોય છે. માટે કેળાંના વૃક્ષની નીચે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવાથી દેવગુરુ બૃહસ્પતિ ત્વરિત ગતિએ પ્રસન્ન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત દેવગુરુનો સ્વભાવ સૌમ્ય, ઋતુ-હેમંત, રસ-મિષ્ટ મધુર, દ્રવ્ય-સુવર્ણ, દેવ-ઇંદ્ર, ક્રિડા સ્થાન-ભાંડાગાર તેમજ રત્ન પોખરાજ છે. ગુરુનું ઉપરત્ન સુનૈલા તેમજ પીળું જરકન છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગુરુનું પૂર્ણ સ્થાન ઇશાન ખૂણો છે કે જ્યાં દેવમંદિરની સ્થાપના શ્રેષ્ઠ ગણાય. નવગ્રહ સંહિતાના આધારે બૃહસ્પતિનો રથ સુવર્ણમય છે અને ગુરુ બૃહસ્પતિ આઠ ઘોડામાંથી યુક્ત રથ પર આરૂઢ થાય છે. ગુરુનું જન્મ નક્ષત્ર પૂર્વાફાલ્ગુની છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પુનર્વસુ, વિશાખા તેમજ પૂર્વભાદ્રપદ નક્ષત્રોના અધિપતિ ગ્રહ છે. ગુરુનો જન્મ સિંધુ દેશમાં આંગિરસ ગોત્રમાં, પિત્ત વર્ણ સહિત થયો હતો.
હોરાશાસ્ત્ર પ્રમાણે ગુરુની હોરા શુભ હોરા તરીકે ગણાય છે. ગુરુની હોરામાં શુભ કાર્ય કરવામાં આવે તો તે અવશ્ય ફળીભૂત થાય છે. લિંગપુરાણ અંતર્ગત પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ગુરુ પ્રસન્ન થાય છે. ગુરુ ગ્રહ સૂર્ય પછી સૌરમંડળમાં મોટો છે તેમજ મંત્રી તરીકે ગણાય છે. જન્મકુંડળીમાં સંતાન, ધન, વિદ્યા, સુખ અને જ્ઞાનનો કારક ગ્રહ ગુરુ છે. ગુરુની ઔષધી નાગરમોથ છે.
ગુરુ જન્મકુંડળીમાં બીજું, પાંચમું, નવમું અને અગિયારમા સ્થાનનો સ્વામીત્વ ધરાવે છે. મહદંશે જન્મકુંડળીમાં ગુરુ વધુ ભાવોનો સ્વામી હોવાથી કોઇ પણ મનુષ્યના જીવનમાં ગુરુનો પ્રભાવ વધુ જોવા મળે છે. દેવગુરુ બૃહસ્પતિને કચ અને ભારદ્વાજ નામના ઉત્તમ બે પુત્રો થયા. જેઓ ધર્મજ્ઞાનમાં મોખરે સ્થાન ધરાવે છે. ગુરુના યજ્ઞનું સમિધ પીપળ છે. દેવગુરુ બૃહસ્પતિનું પ્રિય પુષ્પ કલ્હાર પુષ્પ તેમજ નૈવેદ્ય દૂધપાક છે. તેમજ ફળ કેળાં છે.
દેવગુરુ બૃહસ્પતિનું દાન : સુવર્ણ, કાંસુ, ચણા દાળ, ઘોડો, સાકર, પીળું વસ્ત્ર, હળદર, ચણા,પીળું ધાન્ય, મીઠું, ઘી, પપૈયું, આદું, શક્કરિયાં, સૂકી મેથી, સીતાફળ, નારંગી, મેથી વગેરે છે.
બૃહસ્પતિના કારક વ્યવસાયો : ભાષાશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, જ્ઞાન-વિજ્ઞાન શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, રાજનીતિ, ફિલોસોફી, ન્યાય ક્ષેત્ર, સંશોધન કાર્ય, કમિશન, એજન્ટ, એક્સપોર્ટર, ઇમ્પોર્ટર, શિક્ષક, વિદ્વાન, લેખક, ન્યાયાધીશ, પુસ્તક પ્રકાશક, મુદ્રક, પુસ્તક વિક્રેતા, તંત્રી, ક્લાર્ક, સરકારી નોકરી, મીઠાઈની દુકાન વગેરે વ્યવસાયોનો સ્વામીત્વ દેવગુરુ બૃહસ્પતિ છે.
બૃહસ્પતિના કારક રોગો : શરીરની ચરબીમાં વધારો, કફ-શરદી, કાનના રોગો, યાદશક્તિમાં ઘટાડો, માનસિક રોગો, લિવરના રોગ, પ્લુરસી, કંઠમાળ, રક્તવિકાર, પિત્તપ્રકૃતિ, બરોળ, યકૃત, ફેફસાંસંબંધી રોગ, જલોદર, મૂત્રાશયસંબંધી રોગ, કમળો, વગેરે રોગો પર દેવગુરુ બૃહસ્પતિ પ્રભુત્વ ધરાવે છે.
બૃહસ્પતિના (ગુરુ)ના ઉપાયો
- ગુરુવારનું વ્રત કરવું અને ગુરુવારે કેળાંના વૃક્ષનાં મૂળમાં ગાયના ઘીનો દીવો કરી વિષ્ણુ સહસ્ત્ર નામ સાથે ભગવાન વિષ્ણુ ઉપર તુલસીદલ અર્પણ કરવાં.
- ગુરુવારે પીળાં વસ્ત્ર ધારણ કરવાં તેમજ ભોજનમાં ચણાના લોટથી બનાવેલી વાનગી અથવા ચણાની દાળ ખાવી. ત્યારબાદ ભોજન કરવું.
- ગુરુ બૃહસ્પતિના વૈદિક મંત્રનો જાપ કરી ગુરુ કવચ, નારાયણ કવચ ગુરુ સ્તોત્ર અને સુદર્શન કવચનો પાઠ 11 વખત કરવો.
- ગુરુવારે ભગવાન દત્તાત્રેયની ઉપાસના કરવી.
- દર માસની પૂર્ણિમાએ સંધ્યાકાળે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું શ્રદ્ધા સહિત વ્રત-પૂજન કરવું.
- ગુરુના દુષ્પ્રભાવને નિયંત્રિત કરવા યોગ્ય માર્ગદર્શન હેઠળ પોખરાજ ધારણ કરવો.
- ગુરુવારે ગુરુલીલામૃતનો પાઠ કરવો.
- ગુરુવારે જલારામ મંદિરમાં ખીચડીનો પ્રસાદ ચઢાવી તે બધાને આપવો.
- 27 ગુરુવાર સુધી કોઇ પણ મંદિરમાં ગાયના ઘીનું દાન કરવું.
- 7 ગુરુવાર સુધી ઘોડાને ચણાની દાળ ખવડાવવી.
- 7 સૌભાગ્યવતી સ્ત્રીઓને ગુરુવારે ભોજન કરાવી, શૃંગારની વસ્તુ તેમજ પીળું વસ્ત્ર, 5 કેળાં અને યથાયોગ્ય દક્ષિણા આપવાથી ગુરુ પ્રસન્ન થાય છે, તેમની અનુકંપા રહે છે.
- જે વ્યક્તિનું સામર્થ્ય હોય તેવી વ્યક્તિએ ગુરુવારે સુવર્ણમાં પંચમુખી રુદ્રાક્ષ સિદ્ધ કરાવીને ધારણ કરવો.
- બ્રાહ્મણો, વડીલો, શિક્ષકો તથા સાધુસંતોની સેવા કરવી.
- ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો.
- કપાળ પર ચંદનનું તિલક કરવું.
- પીળા કરેણનું ફૂલ ગુરુ પર ચઢાવવું.