હિંગ જેવું જ રસોડાનું એક અનિવાર્ય અને ઉત્તમ દ્રવ્ય છે હળદર. દાળ, શાક, કઢી વગેરે ખાદ્યપદાર્થોમાં હળદર તો વપરાતી જ હોય છે. રસોડામાં સૂકી અને લીલી એમ બંને જાતની હળદર વપરાતી હોય છે. રોજ હળદર ખાનાર વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસ પ્રવેશતા ડરે છે. હળદર અને આમળાનું ચૂર્ણ રોજ સવાર-સાંજ ફાકવાથી પ્રમેહ નામનો વ્યાધિ કાબૂમાં રહે છે. હળદરનો સૌથી મહત્ત્વનો ગુણ છે લોહીની શુદ્ધિ કરવાનો. પોતાના વર્ણને સુંદર રાખવા ઈચ્છતી વ્યક્તિએ હળદર અવશ્ય ખાવી. ખંજવાળ કે એવા કોઈ ચામડીના રોગમાં મીઠું મેળવ્યા વિના જ હળદરનું કચુંબર ખાવું. કશુંક વાગી જવાથી લોહી વહેતું હોય ત્યારે હળદર દાબી દઈને પાટો બાંધી દેવો. થોડી જ વારમાં લોહી નીકળતું બંધ થઈ જશે. મચકોડના કારણે કે કશુંક વાગી જવાથી સોજો આવેલો હોય તેના પર પાણી નાખી ગરમ કરેલી હળદર લગાવવાથી સોજો દૂર થશે. હળદર અને અજમો નાખી ગરમ કરેલું દૂધ પીવાથી તથા હળદર અને આદુંના ટુકડા કરી કચુંબર રૂપે ખાવાથી શરદી, કફ તથા કફની ઉધરસ કાબૂમાં આવે છે.


કાકડા એટલે કે ટોન્સિાઈટિસનું એ અકસીર ઔષધ છે. કાકડા થયા હોય એવા લોકોએ હળદર ખાસ ખાવી. હળદર નાખેલું ગરમ ગરમ દૂધ પીવું. ચામડીને સુંદર બનાવવી હોય કે કાળાશને દૂર કરવી હોય તો હળદર, ચંદન અને જેઠીમધનું ચૂર્ણ દૂધમાં કે પાણીમાં મેળવી ચહેરા પર કે આખા શરીર પર તેનો લેપ કરી અડધો કલાક પછી સ્નાન કરવું.

શીળસના કારણે ઢીમચાં થઈ જતાં હોય અને ખંજવાળ આવતી હોય તો હળદર તથા અજમો જૂના ગોળમાં મેળવીને ખાઈ જવાથી લાભ થાય છે. એ જ રીતે હળદરના સંયોજનથી બનતું હરિદ્રાખંડ નામનું ઔષધ પણ શીળસમાં અકસીર છે. હળદરના ગુણ ગણાવતી વખતે આયુર્વેદના આચાર્યોએ એને સર્વ કંડૂ વિનાશીની એટલે કે ખંજવાળને દૂર કરનારી કહી છે.


  • Follow us on: