1990ના દાયકાની શરૂઆતમાં મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં માસૂમ બાળકોના અચાનક ગુમ થવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. આ ઘટનાઓ પાછળ એક ભયંકર ષડ્યંત્ર હતું કે જે બે બહેનો રેણુકા શિંદે અને સીમા ગાવિત અને તેમની માતા અંજનાબાઈ દ્વારા સંયુક્ત રીતે અંજામ આપવામાં આવ્યો હતો.
1990થી 1996ની વચ્ચે બે બહેનો અને તેમની માતા એમ ત્રણેય મહિલાઓએ કુલ 13 જેટલાં બાળકોનું અપહરણ કર્યું અને તેમાંથી 5 બાળકોની ક્રૂરતાથી હત્યા કરી. તેમની વાર્તા ભારતીય ગુનાના ઇતિહાસમાં સૌથી ભયાનક ઘટનાઓમાંની એક છે.સૌ પ્રથમ આ ગુનાની પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, અંજનાબાઈ ગાવિતનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. કોલ્હાપુરની રહેવાસી અંજનાબાઈને તેના પતિએ તરછોડી દીધી હતી અને તેના પતિએ કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં હતાં, જેના કારણે અંજનાબાઈ તેની બે પુત્રીઓ રેણુકા અને સીમા સાથે એકલી રહેતી હતી. પરિવાર અને ઘરનું ગુજરાન ચલાવવા માટે ત્રણેય મહિલાઓ સમય જતાં ગુનાની દુનિયામાં પ્રવેશી ગઈ હતી. શરૂઆતમાં આ ત્રણેય મહિલાઓ મંદિરો, બજારો અને મેળા જેવાં ભીડભાડવાળાં સ્થળોએ નાની ચોરી, ખિસ્સાકાતરુ અને ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઓ આચરતી હતી. રેણુકાનાં લગ્ન કિરણ શિંદે નામની વ્યક્તિ સાથે થયાં હતાં કે જે પણ આ ગુનાહિત ગેંગનો ભાગ બન્યો હતો. રેણુકાને એક નાનો દીકરો પણ હતો, જેને તે ઘણીવાર પોતાની સાથે રાખતી.
આ ગેંગની મોડસ ઓપરેન્ડી બાળકોનું અપહરણ અને તેમનો ચોરી માટે ઉપયોગ કરવાનો હતો. એક દિવસ રેણુકા પૂણેના એક મંદિરમાં ચોરી કરતા પકડાઈ જાય છે. તે સમયે તેની સાથે તેનો નાનો દીકરો પણ હતો. બાળકને જોઈને ભીડને તેના પર દયા આવી અને લોકોએ તેને જવા દીધી. આ ઘટનાથી રેણુકા અને તેની માતાને વિચાર આવ્યો કે જો તેઓ નાનાં બાળકોને પોતાની સાથે રાખે તો તેઓ લોકોની સહાનુભૂતિ મેળવી શકે છે અને ચોરી કરતી વખતે પકડાઈ જાય તો સરળતાથી છટકી શકે છે. આ વિચારથી તેમણે બાળકોનું અપહરણ કરવાનું શરૂ કર્યું. 1990થી 1996ની વચ્ચે આ ત્રણેય મહિલાઓએ મહારાષ્ટ્રના પૂણે, થાણે, કલ્યાણ, કોલ્હાપુર અને નાસિક જેવાં શહેરોમાંથી 13 જેટલાં બાળકોનું અપહરણ કર્યું હતું. તેઓ આ બાળકોનો ઉપયોગ ભીડવાળી જગ્યાએ ચોરી કરવા માટે કરતી હતી. જો કોઈ પકડાઈ જાય તો બાળકનો ઉપયોગ ધ્યાન ભટકાવવા અથવા સહાનુભૂતિ મેળવવા માટે કરવામાં આવતો. જ્યારે બાળકો તેના માટે બોજ બની જતાં અથવા રડવા લાગતાં ત્યારે તેમને નિર્દયતાથી માર મારવામાં આવતો અને આ માર ક્યારેક એટલો ક્રૂર થઈ જતો કે બાળકો મૃત્યુ પણ પામી જતાં.
ગાવિત બહેનોએ પહેલી હત્યા જુલાઈ, 1990માં કરી હતી. જ્યારે તેણે કોલ્હાપુરમાં એક ભિખારી મહિલાના દોઢ વર્ષના પુત્ર સંતોષનું અપહરણ કર્યું હતું. ચોરી દરમિયાન જ્યારે સીમા પકડાઈ ગઈ, ત્યારે રેણુકાએ ધ્યાન ભટકાવવા માટે સંતોષને જમીન પર પછાડી દીધો, જેના કારણે બાળક સંતોષ ગંભીર રીતે ઘાયલ થયો. બાદમાં જ્યારે સંતોષ સતત રડવા લાગ્યો, ત્યારે અંજનાબાઈએ લોખંડના થાંભલા સાથે તેનું માથું અથડાવીને બાળક સંતોષની નિર્દયતાથી હત્યા કરી દીધી.
બીજી એક ઘટનામાં તેઓએ 18 મહિનાની છોકરી સ્વાતિનું અપહરણ કર્યું. જ્યારે સ્વાતિ રડતી રહી, ત્યારે તેઓએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને તેના શરીરને પર્સમાં ભરીને સિનેમા હોલના ટોઇલેટમાં છોડી દીધું. તેવી જ રીતે તેઓએ બે વર્ષના ગુડ્ડુને ભૂખ્યો રાખ્યો અને જ્યારે તે તેની માતાને યાદ કરીને રડવા લાગ્યો, ત્યારે તેઓએ તેને નિર્દયતાથી મારી નાખ્યો. ત્રણ વર્ષનો પંકજ કે જે તેમના અત્યાચારોથી કંટાળી ગયો હતો અને આસપાસના લોકો પાસેથી મદદ માંગવાનો પ્રયાસ કરતો હતો, તેને પંખાથી ઊંધો લટકાવી દેવામાં આવ્યો અને દીવાલ સાથે માથું અથડાવીને તેની હત્યા કરવામાં આવી. આ હત્યાઓની ક્રૂરતાએ સમગ્ર સમાજને આઘાત આપ્યો.
હવે આ વાંચીને આપણને સૌને એક પ્રશ્ન થાય કે, આટઆટલાં અપહરણ અને હત્યાઓ બાદ પણ પોલીસ તેને કેમ પકડી ન શકી? રેણુકા શિંદે, સીમા ગાવિત અને તેમની માતા અંજનાબાઈએ પોતાના ગુનાઓ એટલા સુનિયોજિત રીતે કર્યા કે તેઓ ઘણાં વર્ષો સુધી પોલીસની પહોંચથી દૂર રહ્યાં. તેમના ગુનાઓની રીત, તેમની ચાલાકી અને પોલીસની શરૂઆતની બેદરકારીને કારણે આ ગેંગ નિર્દોષ બાળકોનું અપહરણ અને હત્યા કરવાનું ચાલુ રાખી શકી. ઘણાં કારણો હતાં જેના કારણે તે લાંબા સમય સુધી પોલીસના હાથે પકડાઈ શકી નહીં.
1. સતત બદલાતાં શહેરોની વ્યૂહરચના: રેણુકા અને સીમાની ગેંગ લાંબા સમય સુધી એક જ શહેરમાં રહેતી નહોતી. તેઓ પૂણે, કોલ્હાપુર, થાણે, નાસિક અને કલ્યાણ જેવાં વિવિધ શહેરોમાં ફરતા ગુનાઓ કરતાં હતાં. બાળકોનું અપહરણ કર્યા પછી તેઓ ઝડપથી શહેર છોડીને જતાં, જેથી પોલીસ તેમનું ચોક્કસ સ્થાન શોધી શકતી નહીં. પોલીસ સામાન્ય રીતે ગુનેગારને તે વિસ્તારમાં શોધે છે જ્યાં ગુનો થયો હોય, પરંતુ આ ગેંગ પોતાનાં છુપાવાનાં સ્થળો બદલવામાં નિષ્ણાત હતી. તેઓ થોડાં અઠવાડિયાં કે મહિનાઓમાં નવા શહેરમાં જતાં અને ત્યાં પોતાના ગુનાનું પુનરાવર્તન કરતાં. આ કારણે પોલીસ પાસે ગુનેગારો સુધી પહોંચવા માટે કોઈ નક્કર સુરાગ નહોતો.
2. સ્ત્રીઓ પર ઝડપથી શંકા ન કરવામાં આવી : 90ના દાયકામાં પોલીસની માનસિકતા એવી હતી કે સંગઠિત ગુનાઓ સામાન્ય રીતે પુરુષો દ્વારા કરવામાં આવતા હતા. સ્ત્રીઓ વિશે એવી ધારણા હતી કે તેઓ આવા જઘન્ય ગુનાઓ કરી શકતી નથી. આ કારણે પોલીસે લાંબા સમય સુધી એવું માનીને તપાસ કરી નહીં કે અપહરણ અને હત્યાઓ પાછળ કોઈ મહિલા ગેંગનો હાથ હોઈ શકે છે. રેણુકા, સીમા અને તેમની માતા અંજનાબાઈ આ નબળાઈનો ફાયદો ઉઠાવતાં હતાં. બાળકોનું અપહરણ કર્યા પછી તેઓ જાહેર સ્થળોએ મુક્તપણે ફરતાં હતાં અને ચોરી અને અન્ય ગુનાઓ કરતાં હતાં. કોઈને શંકા પણ નહીં હોય કે એક માતા અને તેની પુત્રીઓ આવા ક્રૂર ગુનાઓ કરી શકે છે.
3. નાનાં બાળકો માટે કોઈ ચોક્કસ સુરાગ ન મળ્યા : ગેંગ દ્વારા અપહરણ કરાયેલાં બાળકો મોટાભાગે ગરીબ અથવા ભિખારી પરિવારોનાં હતાં. આ કારણે તેમની અપહરણની ફરિયાદો કાં તો નોંધાઈ ન હતી અથવા પોલીસે તેને ગંભીરતાથી લીધી ન હતી. ઘણી વખત માતા-પિતા એટલાં ગરીબ હતાં કે તેઓ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવવાની સ્થિતિમાં નહોતાં. પોલીસ સુધી પહોંચેલા કેસોમાં પણ કોઈ નક્કર કડીઓ મળી શકી નહોતી.ગુનેગારો બાળકોને જુદા જુદા વિસ્તારોમાં લઈ જતાં હોવાથી, તેઓ ક્યાં હશે તેની આગાહી કરવી મુશ્કેલ હતી. પોલીસને આ ગેંગની આ ચાલાકી ખૂબ મોડેથી સમજાઈ. જ્યારે તેમને ખબર પડી ત્યારે ઘણાં નિર્દોષ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
4. પોલીસની શરૂઆતની બેદરકારી અને જોડાણ સ્થાપિત કરવામાં નિષ્ફળતા : શરૂઆતના દિવસોમાં પોલીસને આ મામલાની ગંભીરતાનો ખ્યાલ નહોતો. તેમણે વિચાર્યું પણ નહોતું કે બાળકોનાં અપહરણ અને હત્યા પાછળ કોઈ સંગઠિત ગેંગ હોઈ શકે છે. વિવિધ શહેરોમાં બાળકોના અપહરણની ઘટનાઓ બની હતી, પરંતુ પોલીસે આ ઘટનાઓને એકબીજા સાથે જોડી ન હતી. અપહરણ કરાયેલાં બાળકોનો એકબીજા સાથે કોઈ સીધો સંબંધ ન હોવાથી, પોલીસને એવું લાગતું ન હતું કે કોઈ એક ગેંગ આ ગુનાઓ કરી રહી છે. પોલીસને શંકા જાય ત્યાં સુધીમાં ગુનેગારો પોતાનું સ્થાન બદલી નાખતાં અને ફરીથી નવા વિસ્તારોમાં ગુનો કરી ચૂકતાં.
5. ગુનેગારોની ક્રૂરતા અને પુરાવાનો નાશ કરવાની તેમની આદત : રેણુકા, સીમા અને તેમની માતા અંજનાબાઈ પોતાના ગુના છુપાવવા માટે પુરાવાનો નિર્દયતાથી નાશ કરતાં. અપહરણ કરાયેલાં બાળકોના મૃતદેહોને કાં તો ફેંકી દેવામાં આવ્યા હતા અથવા એટલી ખરાબ સ્થિતિમાં છોડી દેવામાં આવ્યા હતા કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. ઘણા કિસ્સાઓમાં બાળકોની હત્યા કર્યા પછી, તેમના મૃતદેહોને નિર્જન સ્થળે ફેંકી દેવામાં આવતા હતા. ક્યારેક અપહરણ કરાયેલાં બાળકોને થોડા સમય માટે જીવતા રાખવામાં આવતા હતા, જેથી તેઓ ભીખ માંગવામાં મદદ કરી શકે.
6. પોલીસને કોઈ સાક્ષી ન મળવો : બાળકોનાં અપહરણ અને હત્યાના કેસમાં પોલીસ માટે સૌથી મોટી સમસ્યા એ હતી કે કોઈ નક્કર સાક્ષીઓ નહોતા. ગરીબ પરિવારોમાંથી બાળકોનું અપહરણ કરવામાં આવતું હતું, તેથી તેમના ગુમ થવા પર બહુ હોબાળો થયો ન હતો. સામાન્ય લોકોને કોઈ શંકા નહોતી, કારણ કે ગુનેગારો મહિલાઓ હતી અને નાનાં બાળકો સાથે ફરતાં હતાં. જ્યારે પોલીસ કોઈ કેસની તપાસ કરે છે, ત્યારે સાક્ષીઓ અને પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, પરંતુ આ કેસમાં કોઈ નક્કર સાક્ષીઓના અભાવે ગુનેગારોને પકડવામાં ઘણો સમય લાગ્યો.
7. પોલીસને ગેંગના એક આંતરિક વ્યક્તિ પાસેથી માહિતી મળી : આખરે 1996માં જ્યારે મોહન ગાવિતની બીજી પત્ની પ્રતિભાએ પોલીસમાં ફરિયાદ કરી કે તેમની પુત્રી ક્રાંતિ ગુમ થઈ ગઈ છે, ત્યારે પોલીસને આ બાબતની ગંભીરતાનો અહેસાસ થયો. 1996માં જ્યારે રેણુકા શિંદેના પતિ કિરણ શિંદેએ પોલીસને બધું કહ્યું ત્યારે પોલીસને એક મહત્ત્વપૂર્ણ સંકેત મળ્યો. કિરણ પોતે પણ આ ગેંગનો ભાગ હતો, પરંતુ જ્યારે તે પકડાયો ત્યારે તે સરકારી સાક્ષી બન્યો અને ગુનાઓની આખી વાર્તા જાહેર કરી. તેણે સમજાવ્યું કે તેઓ કેવી રીતે બાળકોનું અપહરણ કરતાં, તેમનો ઉપયોગ કરતાં અને પછી જ્યારે તેઓ ઉપયોગી ન રહે ત્યારે તેમને મારી નાખતાં. કિરણના નિવેદનથી પોલીસને ગેંગ સુધી પહોંચવામાં મદદ મળી.
વર્ષ 2001માં કોલ્હાપુર સેશન્સ કોર્ટે રેણુકા અને સીમાને દોષી ઠેરવ્યાં અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી. ત્યારબાદ વર્ષ 2004માં બોમ્બે હાઈકોર્ટે કોલ્હાપુર સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને મૃત્યુદંડની સજા પણ યથાવત્ રાખી. વર્ષ 2006માં આ કેસ દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે પણ તેમની મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું. આ કેસ અહીંયાં પૂર્ણ ન થયો અને આરોપી મહિલાઓએ વર્ષ 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દયા અરજી મોકલી, પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમની દયા અરજી ફગાવી દીધી.
જ્યારે સુપ્રીમ કોર્ટે તેમની મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું, ત્યારે તેમણે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી, પરંતુ ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે કોઈ મહિલા ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, તેથી કેસ લાંબા સમય સુધી અટવાયેલો રહ્યો. 2017માં તેમણે ફરીથી એક નવી અરજી દાખલ કરી, જેમાં જણાવ્યું હતું કે તેમની સજાના અમલમાં બિનજરૂરી વિલંબ થયો છે. આથી 18 જાન્યુઆરી, 2022ના રોજ બોમ્બે હાઈકોર્ટે તેમની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી, કારણ કે સજાનો અમલ કરવામાં ખૂબ મોડું થઈ ગયું હતું. આજે રેણુકા શિંદે અને સીમા ગાવિત પૂણેની યરવડા જેલમાં બંધ છે અને તેમની આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે. આ મહિલાઓને ભારતની સૌથી ક્રૂર મહિલા ગુનેગારોમાંની એક માનવામાં આવે છે.
