ડાયનોસોર પહેલાંના સરીસૃપનો જીવાશ્મ મળ્યો

વિશ્વભરમાં ખોદકામ કરતી વખતે અથવા તો કોઇ જગ્યા પર જ્યારે પણ કોઇ જીવના જીવાશ્મ મળતા હોય છે ત્યારે જે તે સમયની પરિસ્થિતિને વધુ સારી રીતે જાણી શકાય છે. દક્ષિણી બ્રાઝિલમાં એક પ્રાચીન જીવાશ્મ મળી આવ્યું છે, જેને નવી શોધવામાં આવેલી સરીસૃપ પ્રજાતિ એટલે કે ગોન્ડવાનાક્સ પેરાઇસેન્સિસ(Gondwanax paraisensis) તરીકે ઓળખવામાં આવે છે.

મળી આવેલ જીવાશ્મ 237 મિલિયન (1 મિલિયન એટલે 10 લાખ) વર્ષ જૂનું અને અત્યાર સુધી દુનિયાભરમાં મળી આવેલા સૌથી જૂના સરીસૃપ જીવાશ્મ પૈકીનું એક ગણવામાં આવે છે. આ જીવાશ્મથી પૃથ્વી પરનાં પ્રાણીઓનાં રહસ્યો જાણી શકાશે. મૂળ ગોન્ડવાનાક્સ પેરાઈસેન્સિસ એક નાનું અને ચાર પગ ધરાવતુ સરીસૃપ હતું. એક રીતે તે નાના કૂતરા જેવું જ હતું. આ પ્રાણીની લંબાઇ અંદાજિત 1 મીટર (39 ઈંચ) હતી અને તેનું વજન અંદાજે 3થી 6 કિલોગ્રામની વચ્ચે હતું. આ સરીસૃપ એટલે કે પ્રાણી અંદાજિત ટ્રાઇસિક કાળ દરમિયાન દક્ષિણી બ્રાઝિલમાં રહેતું હોય તેમ જણાઇ આવે છે. આ સમયે પૃથ્વી ખૂબ જ ગરમ રહેતી હતી. આ જીવાશ્મ વિલુપ્ત થયેલા સરીસૃપના સમૂહ પૈકીનું એક છે, જેને સિલેસોરિડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીવાશ્મથી એ વાતની જાણ થશે કે શું સિલેસોરિડ્સ હકીકતમાં ડાયનોસોર હતા કે તે પહેલાંની જ કોઇ નવી પ્રજાતિ હતી!

તમે નીલા રંગનું બ્લડ જોયું છે?

સામાન્ય રીતે લોહીનો રંગ લાલ હોય છે, પરંતુ `હોર્સશૂ' (Horseshoe Crab) નામના કરચલાનું લોહી નીલા રંગનું જોવા મળે છે. જે ખાસ કરીને નોર્થ અમેરિકાના સમુદ્રમાં જોવા મળે છે. આ કરચલાના બ્લડની કિંમત લાખોમાં હોય છે, કારણ કે તેના બ્લડનો ઉપયોગ બાયોમેડિકલ ઈન્ડસ્ટ્રીમાં કરવામાં આવે છે. તેથી જ તેના બ્લડની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા પ્રતિ લિટર છે. આ કરચલાના બ્લડમાં હિમોગ્લોબીનની જગ્યાએ હેમોસાયનિન હોય છે, જે તાંબાથી બન્યું હોય છે અને તે જ કારણોસર તેનું બ્લડ નીલા રંગનું હોય છે. હોર્સશૂનું નીલા રંગનું બ્લડ બેક્ટેરિયા સામે લડવામાં ખૂબ જ મદદ કરે છે. તેથી ડોક્ટર્સ તેના બ્લડનો ઉપયોગ દવા બનાવવા માટે કરતા હોય છે. જોકે, હવે આ કરચલાનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. તેના નીલા રંગના બ્લડ માટે કેટલાક લોકો તેનો શિકાર કરે છે અને દાણચોરી પણ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે માત્ર બ્લડ મેળવવાના હેતુથી દર વર્ષે પાંચ લાખ કરતાં પણ વધુ હોર્સશૂને મારી નાખવામાં આવે છે. નોંધનીય છે કે, આ કરચલા પૃથ્વી પર 45 કરોડ વર્ષથી રહી રહ્યા છે.

વૃક્ષોને ભેટવાનો અનોખો વિશ્વ વિક્રમ

આપણે જ્યારે કોઇ મિત્રને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કે પછી તેને ભેટતા હોઇએ છીએ. અલબત્ત, જ્યારે પણ કોઇને આપણે ભેટીએ છીએ ત્યારે એક અનોખો જ અનુભવ થતો હોય છે. આપણે કોઇને ભેટીએ છીએ તો તે જે તે વ્યક્તિ પ્રત્યેનો આપણો પ્રેમ કે સ્નેહ દર્શાવતો હોય છે. આ તો થઈ માણસોને ભેટવાની વાત, પરંતુ એક રિસર્ચ પ્રમાણે જો તમે કોઇ વૃક્ષને ભેટો છો તો તમને એક પ્રકારની શાંતિ અને ખુશી પ્રદાન કરે છે. જોકે, ઘાનાના એક 29 વર્ષના યુવાને વૃક્ષોને ભેટવાનો અનોખો વિશ્વ વિક્રમ બનાવ્યો છે, જે દુનિયાભરના દેશોમાં ટોક ઓફ ધ ટાઉન છે. ઘાનામાં રહેતા 29 વર્ષીય વિદ્યાર્થી અબુબકર તાહિરુએ માત્ર એક જ કલાકમાં કુલ 1,123 વૃક્ષોને ભેટવાનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મૂળ આ રેકોર્ડ બનાવવા પાછળ તેનો આશય તેને પ્રકૃતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને તે તેની સાથે સંકળાયેલા લોકોને અને અન્ય લોકોને પણ પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને તેની દેખરેખ રાખવાની સલાહ આપે છે. તે પોતે પણ પર્યાવરણ કાર્યકર્તા અને વાનિકી(forestry)નો વિદ્યાર્થી છે.