આખરે જેનિફર લોરેન્સે હોલિવૂડનું સત્ય જણાવ્યું

તાજેતરમાં જ હોલિવૂડ એક્ટ્રેસ જેનિફર લોરેન્સે જણાવ્યું હતું કે, હોલિવૂડમાં સેલેરીના નામે ખૂબ જ અસમાનતા જોવા મળી રહી છે. વોગ સાથે થયેલી વાતચીતમાં જેનિફરે પોતાનો મત રજૂ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેમને તેટલું પેમેન્ટ નથી મળતું જેટલું પેમેન્ટ મેલ એક્ટરને મળે છે, કારણ કે તે ફીમેલ છે!

 તેણે વધુમાં જણાવ્યું હતું કે, `તેનાથી ફર્ક નથી પડતો કે હું કેટલું કામ કરું છું, મને ત્યારે પણ એટલી જ એમાઉન્ટ મળશે જેટલી મારા મેલ કો-સ્ટારને મળે છે, કારણ કે હું ફીમેલ છું...' આગળ તેણે અમેરિકન રાજનીતિમાં ચાલી રહેલા સેક્સિઝમ અને મહિલાઓ સાથે થતા ભેદભાવને લઇને પણ પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જેનિફર લોરેન્સ હોલિવૂડનો ખૂબ જ જાણીતો ચહેરો છે અને તે આ વર્ષે જ એક દીકરાની મા બની છે. જેનિફર લોરેન્સે

કુક મારોની સાથે વર્ષ 2016માં લગ્ન કર્યાં હતાં. જ્યારે તેણે તેની કરિયરની શરૂઆત 2007થી ધ બિલ ઇન્ગવોલ કોમેડી શૉથી કરી હતી. જેમાં તેણે એક સાઇકોલોજિસ્ટની દીકરીની ભૂમિકા ભજવી હતી અને તેનાથી તેને વિશેષ ઓળખ મળી હતી.

ટોમ ક્રુઝ સેંકડો ફૂટની ઊંચાઈએથી સ્ટંટ કરી રહ્યો છે!

હોલિવૂડનો હેન્ડસમ હીરો ટોમ ક્રુઝ પોતાની ફિલ્મોથી વિશ્વભરમાં જાણીતો બન્યો છે. અલબત્ત, તેણે અઢળક હિટ ફિલ્મો પણ આપી છે. વધુમાં તે ફિલ્મોમાં કરવામાં આવતા સ્ટંટ પણ જાતે જ કરે છે તેનાથી પણ તે વધુ ફેમસ થયો છે અને તે પોતાની આવનારી ફિલ્મને લઇને જ કેટલાક હવાઈ સ્ટંટ કરતો નજરે ચડ્યો છે. અને તેના આ હવાઈ સ્ટંટે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. આ વીડિયોમાં તેણે રૂંવાડાં ઊભાં કરી દેતા સ્ટંટ કર્યાં છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે તે ખૂબ જ ઊંચાઈ પર ઊડી રહ્યો છે અને તે પ્લેન પર ઊભો થયેલો નજરે આવે છે. આ દરમિયાન તે સ્પીચ આપતો પણ જણાય છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો તેની આગામી ફિલ્મ મિશન ઇમ્પોસિબલઃ ડેડ રિકોનિંગ પાર્ટ 1નો છે અને આ વીડિયોમાં તે પોતાના સ્ટંટને લઇને વાત કરતો પણ જણાય છે. ટોમ માટે આ સ્ટંટ ખૂબ જ સરળ અને સહજ છે. જોકે, તેણે અગાઉ કરેલા સ્ટંટને લઇને ઘણી વાર ઘાયલ પણ થયો છે. તેમ છતાં તે સ્ટંટ માટે હંમેશા ઉત્સાહિત રહેતો જણાય છે. ઢળતી વયે પણ તેનો જોમજુસ્સો યથાવત જોવા મળે છે.

કોન્સર્ટ દરમિયાન જ ગળું બેસી જતા સિંગરે માફી માગી

જ્યારે હોલિવૂડ સિંગર ધ વિકેન્ડ (Abel Tesfaye ) લોસ એન્જલસમાં સોફી સ્ટેડિયમમાં પોતાનો પ્રથમ સોલ્ડ આઉટ કોન્સર્ટ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેનો અવાજ બેસી ગયો હતો. આ ઘટના તાજેતરમાં જ બની હતી. આ ઘટના બાદ કોન્સર્ટને વચ્ચે જ રોકવામાં આવી હતી. ધ વિકેન્ડે આ શૉ ચાલુ કર્યે માત્ર 15 મિનિટ જ થઇ હતી તેવામાં જ તેના ગળામાં તકલીફ થવા લાગી હતી. અને અચાનક જ તેનું ગળું બેસી ગયું અને અવાજ ગુમાવ્યો. આ દરમિયાન તેણે માત્ર બે જ ગીતો ગાયાં હતાં. ગળું બેસવાની ઘટનાથી સિંગરનું દિલ તો તૂટી ગયું હતું પણ તેના ફેન્સ પણ ખૂબ જ નારાજ થયા હતા. જોકે, સિંગરે ખેલદિલી વાપરીને તેના ફેન્સને કહ્યું હતું કે હું આપ સૌની માફી માગું છું, હું તમને તે કોન્સર્ટ નહીં આપી શકું જે હું આપવા માગું છું. હું બસ જોવા માગું છું કે આપ સૌ ઠીક છો...તમારા સૌના પૈસા હું પરત કરી દઇશ. મને માફ કરી દેજો...હું સૌને પ્રેમ કરું છું. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર પણ માફી માગી હતી.

માનવતા દાખવી રિહાનાએ સૌનાં દિલ જીતી લીધાં

હોલિવૂડની સુપર સિંગર રિહાનાએ સંગીતની દુનિયામાં તો સૌના દિલ જીત્યાં છે પણ તેણે પોતાની માનવતાને લીધે પણ સૌનાં દિલ જીતી લીધાં છે. સોશિયલ મીડિયામાં તેની આ માનવતાથી તે વિશેષ રીતે ચર્ચામાં છે અને તેના ફેન્સ તેના આ કાર્યને વખાણી રહ્યા છે. તાજેતરમાં જ રિહાના પોતાના દોસ્તો સાથે એક રેસ્ટોરાંમાં ડિનર માટે ગઇ હતી અને ત્યાં દોસ્તો સાથે ભરપેટ ડિનર લીધા બાદ તેણે રેસ્ટોરાંના સ્ટાફ સાથે રેસ્ટોરાંની સાફસફાઇ કરતી નજરે આવી. એટલું જ નહીં પણ તેણે ડિનર ટેબલ પણ વ્યવસ્થિત કરી આપ્યું હતું. રિહાનાની આ માનવતા જોઈને સૌ કોઇ આ સિંગરની વાહવાહી કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં એક યૂઝર્સે લખ્યું હતું કે રિહાનાએ જે રીતે સ્ટાફની મદદ કરી છે, તેના જેવો સ્ટાર કોઈ હોઈ ન શકે. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું કે, સાચે જ રિહાનાનું દિલ ખૂબ જ મોટું છે. ઉલ્લેખનીય છે કે રિહાનાએ 17 વર્ષની વયથી ગીત ગાવાનું ચાલુ કર્યું હતું. તેણે વર્ષ 2005માં આલબમ મ્યુઝિક ઓફ ધ સન અને એ ગર્લ લાઇક મી... જેવાં ગીતો ગાઈને ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું હતું. અલબત્ત, રિહાનાના નામે 8 ગ્રેમી એવોર્ડ ઉપરાંત 14 બિલબોર્ડ્સ મ્યુઝિક એવોર્ડ પણ સામેલ છે.


  • Follow us on: