બંધારણના અનુચ્છેદ એકવીસ અનુસાર ભારતીય નાગરિકનો પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર, તેના જીવન જીવવાના અધિકારનો મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ દેશ આખામાં, સવિશેષ શહેરોમાં, મોટા પાયે પ્રદૂષિત વાતાવરણમાં આપણે જીવવું પડે છે. હવા, પાણી, અવાજ અને જમીનના પ્રદૂષણની સમસ્યા બહુ ગંભીર છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દસ દેશોમાં આપણી ગણના થાય છે.
વૈશ્વિક જળ ગુણવત્તા સૂચકાંકમાં 122 દેશોમાં ભારતનો ક્રમ 120મો હોવાનું નીતિ આયોગના અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. પીવાનું શુદ્ધ પાણી માનવજીવન માટે અતિ આવશ્યક છે, પરંતુ આપણા દેશના પાણીના સિત્તેર ટકા સ્રોત પ્રદૂષિત છે. ગંગા અને બીજી નદીઓને મા ગણતા નદીપ્રધાન દેશમાં પીવાનું ચોખ્ખું પાણી જાણે કે દોહ્યલું છે.
વાયુ ગુણવત્તા અહેવાલ 2024માં આપણે ત્રીજા ક્રમે છીએ, અગાઉ આપણે પાંચમા નંબરે હતા. એટલે વાયુ ગુણવત્તામાં આપણું સ્થાન સુધર્યું છે, પણ એથી બહુ હરખપદૂડા થવાની જરૂર નથી, કેમ કે જે દેશો આપણા કરતાં વધુ ગંદી હવામાં જીવે છે, તેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને કોન્ગો છે. એટલે આ સુધારાથી વિશ્વગુરુએ હરખાવાનું ન હોય. દુનિયાના મોખરાનાં પ્રદૂષિત શહેરોમાં ભારતનાં તેર શહેરો છે. તેમાં રાજધાની દિલ્હી બીજા નંબરે છે. પ્રતિ વર્ષ દિવાળી પછીના દિવસોમાં દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. દિલ્હીનાં પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ખેડૂતો ખેતરોમાં પરાળ સળગાવે તેનો ધુમાડો અને પ્રતિબંધ છતાં દિલ્હીવાસીઓના પોતાના દિવાળીના દારૂખાનાના પ્રદૂષણે માઝા મૂકી છે. દર વર્ષે આ વિકરાળ સમસ્યાથી પાટનગર દિલ્હી પીડાય છે. વાહનો માટે ઓડ ઈવન, ભારે વાહનો પર પ્રતિબંધ, શાળાઓમાં રજાઓ, સરકારી અને ખાનગી કંપનીઓમાં વર્કફ્રોમ હોમ કે કામના કલાકોમાં ફેરફાર, વૃક્ષો પર પાણીનો છંટકાવ જેવાં પગલાં છતાં સમસ્યા કાયમી બની ગઈ છે.
ધ્વનિ પ્રદૂષણની જિકર થાય કે તરત મસ્જિદોના લાઉડ સ્પીકર યાદ આવે છે, પરંતુ જન્મ, લગ્ન અને મરણ જેવા સામાજિક પ્રસંગો કે તમામ ધાર્મિક પ્રસંગો આપણે અવાજ કર્યા વિના ઊજવી શકતા નથી તે સહેલાઈથી ભૂલી જઈએ છીએ. હવે તેમાં ડીજેનું દૂષણ ઉમેરાયું છે. તે કેટલું ખતરનાક ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે તેનો અનુભવ હજુ હમણાંનો તાજો છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના કડાણા ગામે લગ્નના વરઘોડામાં ડબલ ડીજેનો અવાજ એટલો ઘાતક બન્યો કે ઘોડે બેઠેલા વરરાજાની મગજની નસ ફાટી ગઈ હતી!
પ્રદૂષણની સૌથી માઠી અસર માનવીના આરોગ્ય પર થાય છે. ફેફસાં, હૃદય, મગજ અને લોહીને વાયુ પ્રદૂષણ અસર કરે છે. અસ્થમા, સ્ટ્રોક, હૃદય રોગ અને માનસિક તણાવ જેવા રોગોના દર્દીઓને તે સવિશેષ અસર કરે છે. અકાળે મોત, ગર્ભપાત, જન્મ સમયે બાળકનું ઓછું વજન અને મૃત બાળકનો જન્મ પણ વાયુ પ્રદૂષણને કારણે થાય છે. વિશ્વમાં 8 મિલિયન લોકોનાં અકાળે મોતનું કારણ વાયુ પ્રદૂષણ છે. 2019માં ભારતની અર્થવ્યવસ્થામાં વાયુ પ્રદૂષણે જીડીપીના ત્રણ ટકા નુકસાન કર્યું હતું. દુનિયામાં 1.2 લાખ કરોડ કામના દિવસો તેના લીધે ઘટ્યા હતા.
પર્યાવરણ, પ્રદૂષણ અને જળ વાયુ પરિવર્તન વૈશ્વિક સમસ્યાઓ છે. સરકારો અને સમાજે મળીને તેનું નિવારણ કરવાનું છે. નાગરિકોની જાગ્રતિ અને ભાગીદારી મહત્ત્વની છે જ, પરંતુ સરકારોની પ્રાથમિકતા આ મુદ્દે કેટલી છે તે પણ અગત્યનું છે. ભારતમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને યોજનાઓ છે છતાં સમસ્યા વકરી રહી છે. 2018માં ભારત સરકારે પ્રદૂષણ નિયંત્રણ યોજના શરૂ કરી હતી. સંપૂર્ણપણે કેન્દ્રપોષિત આ યોજનાનો મહત્ત્વનો હિસ્સો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) છે. યોજનાના ઊંચા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. દેશનાં 131 શહેરોમાં 2019-20માં અસ્વચ્છ હવાનું જે સ્તર હતું તેને 2026 સુધીમાં 40 ટકા સુધારવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પરંતુ ગમે તેવી સારી યોજના પણ અમલદારશાહીનો ભોગ બનતી હોય છે.
ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સભ્ય ભુવનેશ્વર કલિતાના અધ્યક્ષપણા હેઠળની સંસદની સ્થાયી સમિતિના સંસદના ગત સત્રમાં રજૂ થયેલા અહેવાલની કેટલીક વિગતો ચોંકાવનારી અને ચિંતાજનક છે. વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકારે રૂ. 858 કરોડ પ્રદૂષણ નિયંત્રણ યોજના માટે ફાળવ્યા હતા, પરંતુ સમિતિના જણાવ્યા મુજબ વર્ષાંતે તેમાંથી માત્ર રૂ. 7.22 કરોડ અર્થાત્ એક ટકા કરતાં ઓછો ખર્ચ થયો હતો.
આ નાણાં કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રદૂષણ નિયંત્રણ માટે આપવાનાં હતાં, પરંતુ નાણાકીય વર્ષ પૂરું થયું ત્યાં સુધી બાબુશાહીએ યોજનાને મંજૂરી જ ન આપી એટલે ચોપાસ બેફામ ફેલાઈ રહેલા પ્રદૂષણને અટકાવવા માટે કરોડો રૂપિયા વણવપરાયેલા રહ્યા હતા.
હવે દિલ્હીની નવી રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂ. 506 કરોડની જોગવાઈ વન અને પર્યાવરણ માટે કરી છે. દિલ્હી સરકાર તેનો પૂર્ણ ક્ષમતા અને રાજકીય ઈચ્છાશક્તિથી ઉપયોગ કરે છે કે કેમ તેની કસોટી આ વર્ષની દિવાળીએ જ થશે. કેન્દ્રે નિયંત્રણ માટે જે રૂ. 858 કરોડ ફાળવ્યા હતા તે કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રાલયના કુલ બજેટનો 27 ટકા જેટલો મોટો હિસ્સો હતો. તે તો વણવપરાયેલો રહ્યો જ છે, પરંતુ સંસદીય સમિતિએ નોંધ્યું છે તેમ 2024-25માં મંત્રાલયે તેને ફાળવેલ નાણાંનો 57 ટકા જ ખર્ચ કર્યો છે. દેવભૂમિ ઉત્તરાખંડની રાજ્ય સરકારે તો તેના પર્યાવરણ ફંડનો ગેરઉપયોગ કર્યો હોવાનું સીએજીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પર્યાવરણ માટેનું રાજ્ય સરકારનું ફંડ રાજ્યના ચીફ સેક્રેટરીના બંગલાના રંગરોગાન, તેમના માટે એકાધિક લેપટોપ અને આઈફોન ખરીદવામા વાપર્યું છે. ઉત્તરાખંડને પ્રકૃતિએ કેટલું બધું આપ્યું છે, પરંતુ માનવીય ભૂલો અને જાગ્રતિના અભાવે ઉત્તરાખંડનું પ્રાકૃતિક સૌંદર્ય નષ્ટ થઈ રહ્યું હોય ત્યારે પર્યાવરણ ફંડનો ગેરઉપયોગ ભારે ચિંતાનો વિષય બનવો જોઈએ.
1944થી 1955ના ગાળામાં પ્રગટ થયેલ ભગવદ્ગોમંડળમાં અને 1929માં પ્રગટ સાર્થ ગુજરાતી જોડણીકોશમાં પર્યાવરણ શબ્દ નથી, પરંતુ પ્રદૂષણ શબ્દ છે! ભગવદ્ગોમંડળમાં પ્રદૂષણનો અર્થ નષ્ટ થવું તે અને સાર્થ ગુજરાતી જોડણીકોશમાં હાનિકારક કે ઝેરી તત્ત્વોથી વાતાવરણનું દૂષિત થવું કે બગડવું તે જણાવેલ છે. એટલે પ્રદૂષણ અને પર્યાવરણની સમસ્યા વીસમી-એકવીસમી સદીની છે. ખરાબ પર્યાવરણ અને પ્રદૂષણને કારણે અનેક હાનિકારક અસરો થઈ રહી છે. તેને નાથવાના સરકાર અને સમાજના પ્રયત્નો બહુ પાંખા જણાય છે. તેમાં સરકારી નાણાં વણવપરાયેલાં રહેવાં કે બીજો ઉપયોગ થવો તે ગંભીર સમસ્યા છે. પ્રદૂષણના સ્રોત કે કારકો ઓછા કરવા એ પ્રદૂષણ નિવારણની સૌથી કારગર રણનીતિ છે. જો પ્રદૂષણ નિયંત્રણ કે નિવારણ માટે સર્વસંમતિ છે, પૂરતી કાયદાકીય જોગવાઈ છે તો હવે તેના નિયંત્રણ અને અંતે નિવારણ માટે ભગીરથ પ્રયાસો થવા જોઈએ. તો જ આપણી આવતી કાલ પ્રદૂષણમુક્ત હશે.
