ઉર્વશી રૌતેલા તેની લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલ, અવનવાં અને મોંઘાં કપડાં, અવારનવાર આરબ દેશની મુલાકાત, બોલ્ડ નિવેદનો અને રિષભ પંત સાથેની કોન્ટ્રોવર્સી માટે જાણીતી છે. તેણે મિસ યુનિવર્સ પેજન્ટ બાદ બોલિવૂડમાં આવવાનું એલાન કર્યું. આવી ખરી પણ ચાલી નહીં. ઉર્વશીને અહીં જોઈએ એટલી સફળતા અને ફિલ્મો બેમાંથી એકેય ન મળ્યા. અલબત્ત, એ હવે ફિલ્મો ન મળવા બાબતે ચિંતા કે મહેનત પણ નથી કરતી. એનું કહેવું છે કે હું ભારતની ઇન્ટરનેશનલ સ્ટાર છું. તેના દુબઈના શેખ સાથે ખૂબ મજબૂત સંબંધ છે. અવારનવાર આરબના દેશોમાં જવું, ત્યાંની ઇવેન્ટ્સમાં ચીફ ગેસ્ટ બનવું, ફોરેનના બીજા દેશોમાં પણ કોઇ ઇવેન્ટમાં ભાગ લેવો આ બધી જ વસ્તુઓ ઉર્વશીના પ્રોફેશનનો એક ભાગ બની ગઇ છે. કહો એ એ જ એનું પ્રોફેશન છે. તેનાં કપડાં, લાઇફસ્ટાઇલ વગેરે એટલાં લક્ઝુરિયસ છે કે આપણને વિચાર આવે કે આટલા પૈસાની કમાણી કેમ થતી હશે. ખેર, અંદરખાને સૌ કોઈ એ વાત જાણે જ છે. તો વાત જાણે એવી છે કે તાજેતરમાં જ એક ચૅટ શૉમાં ઉર્વશીને પૂછવામાં આવ્યું કે શું બીજા કલાકારની માફક એ પણ રાજકારણમાં ભવિષ્યમાં જોડાશે ખરી? આ સવાલના જવાબમાં તે કહે છે કે તમે ભવિષ્યની વાત કરો છો? મને તો હમણાં જ ટિકિટ મળી છે. બસ, મારે નક્કી કરવાનું છે કે મારે રાજકારણમાં જવું છે કે નહીં? આ વાત બાદ તે કહે છે કે મારે મારા ફેન્સને આ સવાલ પૂછવો છે કે શું મારે રાજકારણમાં જોડાવું જોઇએ કે નહીં? મને ટિકિટ મળી છે તો ઇલેક્શનમાં ઊભા રહેવું જોઈએ કે નહીં?


ઉર્વશીના આ સવાલ બાદ સોશિયલ મીડિયા કોમેન્ટ્સથી ઉભરાઈ ગયું હતું અને લોકોએ તેને આડે હાથ લેતાં કોમેન્ટ કરી હતી કે દેશને વિકાસ અને પ્રગતિની જરૂર છે, ન્યૂડિટીની નહીં. કોઈએ લખ્યું હતું કે દેશનું શું થશે જો આવા પોલિટિશિયન આવવા માંડ્યા તો, કોઈએ લખ્યું કે બોલિવૂડમાં કરિયર ન બની એટલે રાજકારણમાં વલખાં મારવાં છે? તો કોઈએ કહ્યું કે કેટલાં ગપ્પાં મારે છે? એને ખબર નહીં હોય કે એને રાજકારણની ટિકિટ મળી છે કે કોઈ ફિલ્મની.


  • Follow us on: