ઊંઘ દરેકને વહાલી હોય છે, એ પછી વ્યક્તિ હોય કે જાનવર. વ્યક્તિ પણ ઊંઘે છે અને જાનવર પણ, પરંતુ એ સૂઇ કેમ જાય છે? એનો જવાબ આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક આપી શક્યા નથી. જીવનમાં ભોજન, પાણી અને હવાની જેટલી જરૂર છે એટલી ઊંઘની પણ છે. બાળકો, તમને જાણીને નવાઇ લાગશે કે, ભોજન અને પાણીની સરખામણીમાં ઊંઘની ઊણપ તેમને જલદી મારી શકે છે. જે લોકો છ કલાક કરતાં ઓછી ઊંઘ લે છે, તેમનું મૃત્યુ સમય કરતાં પહેલાં થવાની શક્યતાઓ વધી જાય છે.


માણસ જમ્યા વગર એક મહિના સુધી, પાણી પીધા વગર 30 દિવસ સુધી જીવિત રહી શકે છે, પરંતુ ઊંઘ્યા વગર માત્ર 11 દિવસ સુધી જીવિત રહી શકે છે. સૌથી વધારે સમય સુધી જાગવાનો રેકોર્ડ 11 દિવસનો છે જે 1964માં રેન્ડી ગાર્ડનર નામના કેલિફોર્નિયાના એક વિદ્યાર્થીએ બનાવ્યો હતો. જે વ્યક્તિ સાત કલાકથી ઓછી ઊંઘ લે છે, તેઓ ગુસ્સો, ઉદાસ અને તાણનો ભોગ બને છે. તેમને અસ્થમા, કેન્સર અને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધારે ઊંઘ લે છે.

ઊંઘતી વખતે ખાંસી ભાગ્યે જ આવે છે. જ્યારે છીંક તો ઊંઘમાં આવતી જ નથી. ઊંચાઇ જેટલી વધારે હશે, ઊંઘમાં ગરબડ પણ એટલી જ વધારે થશે. સામાન્ય રીતે 13,200 ફીટ કે તેના કરતાં વધારે ઊંચાઇ પર ઊંઘમાં ગરબડ ઉત્પન્ન થાય છે. ઉંચાઈ પર ઊંઘમાં ગરબડ થવાનું કારણ ઓક્સિજનના સ્તરમાં ઊણપ હોવાનું છે, જેનાથી શ્વસનને અસર થાય છે. સામાન્ય રીતે નિયમિત રીતે વ્યાયામ કરવાથી સરળતાથી ઊંઘ આવી જાય છે.

સૂતા પહેલાં પથારીમાં ફોન કે ટેબલેટનો ઉપયોગ કરવાથી ઊંઘને અસર થાય છે. સૂતા પહેલાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ સારો નથી. જાપાનમાં કામ કરતી વખતે ઝપકી લેવાની અનુમતી છે. દુનિયામાં 15 ટકા લોકોને ઊંઘમાં ચાલવાની બીમારી છે તથા પાંચ ટકા લોકોને ઊંઘમાં બોલવાની બીમારી છે. જે લોકો સવારે જલદી ઊઠે છે, તેમની સફળ થવાની શક્યતાઓ વધી જાય છે.

મોટાભાગના લોકો 90 ટકા સપનાંને ભૂલી જાય છે. એક અભ્યાસ અનુસાર જ્યારે દુનિયામાં કલર ટીવી નહોતું ત્યાં સુધી 80 ટકા લોકોને બ્લેક એન્ડ વ્હાઇટ સપનું આવતું હતું. સપનાંની ઊણપને કારણે વ્યક્તિ જરૂરી અને બિનજરૂરી વસ્તુઓ વચ્ચેનું અંતર ભૂલી જાય છે. વ્યક્તિ બપોરે બે વાગ્યે અને રાત્રે બે વાગ્યે સૌથી વધારે થાક મહેસૂસ કરે છે. આવું શા માટે થાય છે એનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઊંઘની અસર હોર્મોન્સ સ્તર ઉપર પણ પડે છે.

વિવિધ સંશોધન દ્વારા ઊંઘ સાથે જોડાયેલી અમુક અનોખી વાત જાણવા મળી છે કે સવારે ત્રણથી ચારની વચ્ચે વ્યક્તિનું શરીર સૌથી વધારે નબળું હોય છે. તેથી ઘણાં લોકોનું ઊંઘમાં મૃત્યુ એ જ સમયે થાય છે.


  • Follow us on: