સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો? ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિનો. પ્રેમ, પ્રીતિ, સ્નેહ, ઈશ્ક, રતિ, રાગ, લવ, મહોબ્બત એમ ગમે તે નામ લો, પરંતુ બધાનો અર્થ તો એક જ છે. ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન ડે અને તેના અઠવાડિયા પહેલાં કેટલીક જગ્યાએ આખું વીક મનાવવામાં આવે છે, જેને વેલેન્ટાઈન વીક કહે છે.

આ વીકના દરેક દિવસ કોઈ ખાસ વસ્તુ કે ભાવને સમર્પિત હોય છે. દુનિયાભરમાં પ્રેમ કરનારા લોકો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. જાણીએ વેલેન્ટાઈન ડે સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો ડરામણી ફિલ્મ પણ વેલેન્ટાઈન ડેનો એક ભાગ છે

વેલેન્ટાઈન ડે પર ડરામણી ફિલ્મો જોવાનું પણ ચલણ જોવા મળે છે. દુનિયાભરમાં એવા ઘણા લોકો છે, જે વેલેન્ટાઈન ડેની રજામાં પાર્ટનર સાથે કોઈ ડરામણી ફિલ્મ જોઈને પોતાના હૃદયના ધબકારા વધારવાનું પસંદ કરે છે. ઈ.સ. 1981ની લોકપ્રિય ફિલ્મ `માય બ્લડી વેલેન્ટાઈન' વેલેન્ટાઈન ડેના દિવસે સૌથી વધારે જોવાયેલી હોરર ફિલ્મમાંથી એક છે. ઘણા લોકો આ ખાસ દિવસે હોરર મૂવી જોવાનું પસંદ કરે છે.

પહેલીવાર ડિઝાઈન કરાયો દિલના આકારનો ડબ્બો

ચોકલેટનો પહેલો દિલના આકારનો ડબ્બો ઈ.સ. 1861માં બનાવવામાં આવ્યો હતો. તેને જોન કેડબરીના પુત્ર રિચર્ડ કેડબરીએ બનાવ્યો હતો. તેમણે વેચાણ વધારવા માટે દિલ આકારના ફેન્સી બોક્સમાં ચોકલેટનું પેકેજિંગ શરૂ કર્યું. તેમણે ઈ.સ. 1861માં વેલેન્ટાઈન ડે માટે ખાસ ચોકલેટનો પહેલો દિલ આકારનો ડબ્બો ડિઝાઈન કર્યો હતો અને આજે દર વર્ષે 36 મિલિયનથી વધારે દિલ આકારના ચોકલેટના ડબ્બા વેચાય છે. એક અનુમાન પ્રમાણે દુનિયાભરમાં આશરે 58 મિલિયન પાઉન્ડ ચોકલેટના ડબ્બા વેચવામાં આવે છે.

સૌથી પ્રચલિત કથા પ્રમાણે વેલેન્ટાઈન ડેનું નામ સંત વેલેન્ટાઈનના નામ પર રાખવામાં આવ્યું છે, પરંતુ આ બાબતને લઈને દુનિયાભરમાં ઘણા મતભેદ છે અને તે એ કે વાસ્તવમાં કયા સંત વેલેન્ટાઈનના નામ પર આ દિવસનું નામ રાખવામાં આવ્યું છે. અમુક માન્યતાઓ અનુસાર સંત વેલેન્ટાઈન નામની બે વ્યક્તિ હતી, જેમણે આ દિવસના નામને પ્રેરિત કર્યું હોઈ શકે. જેમાં એક વેલેન્ટાઈ ત્રીજી શતાબ્દીમાં એક રોમન પૂજારી હતા. પ્રચલિત વાર્તા પ્રમાણે આ વેલેન્ટાઈનને સમ્રાટ ક્લોડિયસ બીજાનાં લગ્ન પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો, પરંતુ અન્ય કિંવદંતીઓથી એવું જાણવા મળે છે કે રોમમાં ઈસાઈઓને જેલથી ભગાડવામાં મદદ કરવાનો પ્રયત્ન કરવા બદલ એક અન્ય વેલેન્ટાઈન નામની વ્યક્તિને મારી નાખવામાં આવી હતી. તેણે કેદ દરમિયાન પહેલો `વેલેન્ટાઈન' સંદેશ પોતે મોકલ્યો હતો, જેમાં `તમારા વેલેન્ટાઈન તરફથી' એવા તેમના હસ્તાક્ષરમાં પત્ર લખ્યો હતો. આ પ્રકારે વેલેન્ટાઈન ડેનું નામ પડ્યું હોવાની શક્યતા છે. આમ અમુક જગ્યાએ મતભેદ જોવા મળે છે.

પાંચમી શતાબ્દીના અંતમાં રોમન પોપ ગેલેસિયસે 14 ફેબ્રુઆરીની તારીખને `સેન્ટ વેલેન્ટાઈન ડે' તરીકે જાહેર કર્યો હતો. આમ, ફેબ્રુઆરી મહિનો પ્રેમ અને રોમાન્સ સાથે જોડાઈ ગયો. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં એવી ધારણા શરૂ થઈ હતી કે પક્ષીઓએ 14 ફેબ્રુઆરીને પોતાના સમાગમની મોસમ તરીકે નક્કી કરી હતી, તેથી ફેબ્રુઆરી પ્રેમનો મહિનો કહેવાવા લાગ્યો.

17મી શતાબ્દી દરમિયાન લોકોએ પ્રેમીઓ અને મિત્રો બંનેને કાર્ડ કે હસ્તલિખિત પત્ર આપવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ઈ.સ. 1840ના દશકામાં અમેરિકામાં પહેલીવાર મોટાપાયે વેલેન્ટાઈન ડે કાર્ડનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું, જેને એસ્થર એ હાવલેન્ડ દ્વારા વેચવામાં આવ્યું હતું. `મધર ઓફ અમેરિકન વેલેન્ટાઈન' તરીકે જાણીતી હોવલેન્ડને અમેરિકામાં વેલેન્ટાઈન ડે કાર્ડના વ્યાવસાયીકરણનું શ્રેય આપવામાં આવે છે. સિંગલ લોકો શું મનાવે?

જો તમે સિંગલ હો તો શું વેલેન્ટાઈન ડે નહીં મનાવવાનો? આવા સિંગલ લોકો માટે વેલેન્ટાઈન ડેનો એક વિકલ્પ ઉપલબ્ધ છે. તે છે આંતરરાષ્ટ્રીય ક્વર્ક્યલોન દિવસ કે જે 14 ફેબ્રુઆરીએ જ મનાવવામાં આવે છે જે સિંગલ લોકોને સમર્પિત છે. જોકે, આ દિવસ વેલેન્ટાઈન ડેનો વિરોધી નથી, પરંતુ તે આત્મપ્રેમ અને આદર્શ સંબંધોનો ઉત્સવ મનાવવાનો અવસર છે. વર્ષ 2003થી વિશ્વ સ્તરે તે મનાવવામાં આવે છે.

ગુલાબ પ્રેમનું પ્રતીક

લાલ ગુલાબ આપવું એ અત્યારે પ્રેમના એકરારનો સ્પષ્ટ સંકેત સમજી શકાય, પરંતુ 17મી શતાબ્દીના અંત સુધીમાં ફૂલ આપવું એ અત્યારની જેમ લોકપ્રિય નહોતું. વાસ્તવમાં આ પ્રથાનો ખ્યાલ લોકોને ત્યારે આવ્યો જ્યારે સ્વીડનના રાજા ચાર્લ્સ બીજાએ ફારસની યાત્રા દરમિયાન `ફૂલોની ભાષા' શીખી જે વિશિષ્ટ અર્થોની સાથે વિવિધ ફૂલોને જોડે છે. પછી આ પરંપરાનું પ્રચલન યુરોપમાં શરૂ થયું. ફૂલ આપવાનું વિક્ટોરિયન યુગ દરમિયાન એક લોકપ્રિય ચલણ બની ગયું, જેમાં વેલેન્ટાઈન ડેનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ લાલ રંગનું ગુલાબ ગાઢ પ્રેમનું પ્રતીક બની ગયું.