માઇગ્રેનના દુખાવા વખતે પણ વર્ટિગોનાં લક્ષણ અનુભવાય છે
`વર્ટિગો' શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ઘણા લોકોની માન્યતા છે કે ઊંચાઈ પર જવાથી અથવા ઊંચાઈ પરથી નીચે જોવાથી તકલીફ થાય છે. હકીકતમાં આ સ્થિતિને એક્રાફોબિયા કહે છે
લક્ષણો
પોતાની આજુબાજુની ચીજો ગોળગોળ ફરતી લાગવી.
શરીરનું સમતોલન ન જળવાવું.
ઊબકા તથા ઊલટી થવી
કાનમાં દુખાવો થવો.
ધૂંધળું દેખાવું.
કોઈક વાર પરસેવો વળવો.
કારણો
માનવશરીરમાં કાનની અંદર રહેલા કેટલાક ભાગ જે શરીરનું સમતોલન જાળવે છે તેમાં તકલીફ થવાથી, મગજની અંદર અથવા મગજ અને મધ્ય કર્ણને સાંકળતી નસોમાં તકલીફ થવાથી વર્ટિગો થાય છે. તેના માટે અહીં જણાવેલી પરિસ્થિતિઓ જવાબદાર છે.
લેબિરીન્થાઈટીસ
અંદરના કાનમાં રહેલી નળીઓ તથા પોલાણ આપણને સમતોલનનું ભાન કરાવે છે. તેમાં શરદી, વાઈરસ કે બેક્ટેરિયાના ચેપને કારણે આ તકલીફ થાય છે.
વેસ્ટિબ્યુલર ન્યૂરાઈટીસ-
વેસ્ટિબ્યુલર (શંખ આકારનો અવયવ) જે અંદરના કાનમાં રહેલો છે અને તેની સાથે સંકળાયેલી મગજમાંથી નીકળતી નસમાં સોજો આવવાથી પણ વર્ટિગો થાય છે.
બીનાઈમ પોઝિશનલ વર્ટિગો-
અંદરના કાનમાં આવેલ વેસ્ટિબ્યુલરમાં ખાસ પ્રકારનું પ્રવાહી તથા બારીક તંતુઓ રહેલા છે, જે માથાના હલનચલનને નિયંત્રિત કરે છે. આ અવયવોમાં તકલીફ થવાથી માથાને કોઈ પણ બાજુ ફેરવતાં વર્ટિગોનાં લક્ષણો જોવા મળે છે.
મિનિયર્સ ડિસીઝ-
અંદરના કાનમાં રહેલી અર્ધગોળાકાર નળીઓમાં તકલીફ થવાથી આ પ્રકાર જોવા મળે છે. જેમાં વારંવાર ચક્કર આવવા, કાનમાં ધાક અનુભવવી, ઓછું સંભળાતું કે બહેરાશ લાગવી, આંખના ડોળાનું નોર્મલ ન લાગતું હલનચલન, ઊબકા, ઊલટી વગેરેનો અનુભવ થાય છે.
માઈગ્રેન (આધાશીશી)-
આ પ્રકારના માથાના દુખાવા વખતે પણ વર્ટિગોનાં લક્ષણ અનુભવાય છે.
લાંબા સમયથી કાનમાં રહેલો સોજો કે ચેપ પણ જવાબદાર હોઈ શકે છે.
કેટલીક વાર માથામાં થયેલી ઈજા, ડિહાઈડ્રેશન (જેનું લોહીનું દબાણ ઘટવાથી આ તકલીફ થાય છે) તથા એક્રોસ્ટિક ન્યુરોમા નામની અંદરના કાનમાં થતી ગાંઠ અાના માટે જવાબદાર હોય છે.
ક્વિનાઈન, જેન્ટામાઈસીન કે સેલિસિલેપ્સ જેવી દવાઓથી પણ કોઈ વાર આ જોવા મળે છે.
હવાઈ, દરિયાઈ કે પર્વતીય મુસાફરીમાં પણ આનો અનુભવ થાય છે.
ધરતીકંપ વખતે તથા પછી પણ ઘણા સમય સુધી કેટલાક લોકોને આ તકલીફ થાય છે.
નિદાન
સામાન્ય રીતે દર્દીની ફરિયાદો તથા લક્ષણો વિગતવાર જાણવાં અહીં જણાવ્યા પ્રમાણે તપાસ કરવામાં આવે છે.
દર્દીની આંખો બંધ રાખીને ઊભી સ્થિતિમાં તપાસવામાં આવે છે.
આંખોના ડોળાનું હલનચલન જોવામાં આવે છે.
દર્દીને માથું ઢળતું રાખીને, ચત્તા સૂઈને તથા માથાને વારાફરતી બંને બાજુ ફેરવીને જોવામાં આવે છે.
જરૂર પડે દર્દીને કાન, નાક, ગળાના અથવા મગજના રોગોના નિષ્ણાત પાસે આગળની તપાસ જેવી કે, એક્સ-રે, શ્રવણશક્તિ માપવાની તપાસ, સીટી સ્કેન અથવા એમઆરઆઈ વગેરે માટે મોકલવામાં આવે છે.
ઈલેક્ટ્રોની સ્ટેગ્મોગ્રાફી તથા વીડિયોની સ્ટેગ્મોગ્રાફી જેવી ખાસ તપાસથી વર્ટિગો અંદરના કાનમાંની કોઈ તકલીફને લીધે છે કે નહીં તે નક્કી થઈ શકે છે.
સારવાર
વર્ટિગોની સારવાર માટે સીનારિઝિન, બિટાહીસ્ટિન જેવી દવાઓ આપવામાં આવે છે. (જે કાનના અંદરના ભાગમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.)
ઊલટી, ઊબકા માટે પ્રોફલોર પેરાઝિન અથવા ડોમપેરીડોન જેવી દવાઓ આપવામાં આવે છે.
ફિઝિયોથેરાપી-
વર્ટિગોની સારવાર માટે ખાસ પદ્ધતિવાળી કસરતો બતાવવામાં આવે છે. આંખોના ડોળા પદ્ધતિસર ફેરવવા, માથાને આગળ પાછળ વાળવું, ગરદન તથા ખભાનું ખાસ રીતનું હલનચલન વગેરે કરાવવામાં આવે છે.
વર્ટિગોના નિવારણ માટે કેટલાંક ઉપયોગી સૂચનો
સૂતી વખતે માથાને ધડથી થોડું ઊંચું રાખવું.
જમીન પરથી કોઈ વસ્તુ ઉપાડવી હોય તો માથાને વધુ પડતું નીચું ન વાળવું.
ઊંચે રાખેલી વસ્તુ લેવા માટે ટેબલ અથવા નાની નિસરણી વાપરવી. માથાને વધારે પડતું પાછળની તરફ વાળવું નહીં.
હવાઈ, દરિયાઈ કે પર્વતીય મુસાફરીમાં જેમને વર્ટિગોનાં લક્ષણો થઈ આવતાં હોય તેમણે મુસાફરી પહેલાં દવા લઈ લેવી જેથી વર્ટિગો નિવારી શકાય.










