• હીરોની ટેલેન્ટ ઉપર શંકા કે સવાલ નથી. ઘણાં હીરોનો લુક જ એવો હોય છે કે તેમના માટે અમુક ઝોનરની ફિલ્મો જ સફળતાની સીડી સાબિત થાય છે. વિકીનું પણ કંઇક આવું જ છે

વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ જરા હટકે જરા બચકે ગત અઠવાડિયે જ રિલીઝ થઇ છે. આ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળી રહ્યાં છે, કોઇ કહે છે ફિલ્મ સારી છે તો કોઇ કહે છે વાર્તામાં કોઇ દમ નથી. ઘણાંને એક્ટિંગ સારી લાગી તો ઘણાને ઓવર એક્ટિંગ લાગી. ખેર, આ ફિલ્મ આવવાની હતી એ સમયે સારા ઉજ્જૈન દર્શન કરવા ગઇ હતી, તે ઉજ્જૈન ગઇ એ વાતે તેને ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. આ અંગે વિક્કી કૌશલે પોતાની એક્ટ્રેસનો બચાવ કરતાં જણાવ્યું હતું કે સારાને તે કોને પૂજવા માંગે છે, કોની ભક્તિ કરવા માંગે છે તેનો પૂરો હક હોવો જોઇએ. આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છીએ, અહીં કોઈની તે શેની પૂજા કરે છે એ બાબતે ટીકા થાય એ દુઃખદ બાબત છે. આમ પણ સારાની માતા અમૃતા હિન્દુ જ છે તો તેને એ નાતે પણ દર્શન કરવાનો અધિકાર હોવો જોઇએ.

ખેર, આ તો પોતાની એક્ટ્રેસનો પક્ષ લેવાની વાત છે પણ તેની ફિલ્મોની વાત કરીએ તો વિક્કી કૌશલની છેલ્લે આવેલી દરેક ફિલ્મ બહુ સફળ નથી થઇ. તેને કોરોના પહેલાંની તેની ફિલ્મોમાં જેટલી સફળતા મળી હતી તેટલી સફળતા રોમેન્ટિક કે કોમેડી ફિલ્મોમાં નથી મળી રહી. એવું નથી કે વિક્કીની અદાકારીમાં કોઈ કમી છે, પણ તેને તેના ચાહકો રોમેન્ટિકના બદલે ગંભીર કે દેશભક્તિની કે બાયોપિકમાં જોવાનું વધારે પસંદ કરે છે. તેને સફળતા પણ આવી જ ફિલ્મોએ અપાવી છે. વિક્કી એક જ પ્રકારની ફિલ્મ કરીને કંટાળ્યા પછી હવે પોતાની જાતને સાબિત કરવા કોમેડી અને રોમેન્ટિક ફિલ્મો કરી રહ્યો છે પણ તેના ફેન્સ એ સ્વીકારવા તૈયાર નથી. આમ પણ અમુક હીરોનું એવું હોય કે શરૂઆતના સમયમાં તેને જેવી ફિલ્મોમાં સફળતા મળી હોય તેવી જ ફિલ્મોમાં તે ભવિષ્યમાં કામ કરે તેવું તેના દર્શકો ઇચ્છતા હોય છે. અહીં હીરોની ટેલેન્ટ ઉપર શંકા કે સવાલ નથી. ઘણાં હીરોનો લુક જ એવો હોય છે કે તેમના માટે અમુક ઝોનરની ફિલ્મો જ સફળતાની સીડી સાબિત થાય છે. વિકીનું પણ કંઇક આવું જ છે એવું ફિલ્મ ક્રિટિક્સનું માનવું છે.

આ વાતને વિક્કી કૌશલે પણ સ્વીકારી લેવી જોઇએ. તે જેટલી જલદી આ વાત સ્વીકારશે એટલી જલદી તેને પહેલાં મળેલી સફળતા અને વાહવાહી ફરી મળશે. અલબત્ત, મેઘના ગુલઝાર સાથેની તેની શામ માણેકશાના જીવન પર બનેલી ફિલ્મ શૂટ થઇ જ રહી છે. દર્શકો અને તેના ફેન્સ આ ફિલ્મની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

આ ફિલ્મ વિક્કીને પહેલાં જેટલી કે તેનાથી વધારે સફળતા અપાવી શકે છે. આ ફિલ્મ માટે દર્શકોને જેટલી રાહ છે એટલી જ છેલ્લી અમુક ફિલ્મ સફળ ન નીવડ્યાં બાદ ખુદ વિક્કીને પણ હશે જ. જોઇએ તે દર્શકોનાં દિલમાં ફરી રાજ કરે છે કે નહીં.


  • Follow us on: