• વિજયાદશમીના દિવસે સત્તાગ્રહણ કરનાર રાજવીએ અંત્યજ સામે થતા અન્યાય સામે ન્યાય આપવા પહેલ કરી હતી

`જો દીકરી જન્મશે તો તેને અંત્યજના દીકરા સાથે પરણાવશે.' આ ઉદ્ગાર હતા ઢસા અને રાય-સાંકળીના પ્રજાવત્સલ રાજવી ગોપાલદાસ દેસાઈના. પણ પોતાને ત્યાં દીકરીના બદલે દીકરાનો જન્મ થયો હતો. અને એક જાતિગત રૂઢિચુસ્તતાનો કિલ્લો ધ્વસ્ત થતા થતા રહી ગયો હતો.

દરબાર ગોપાલદાસનો રાજ્યાભિષેક સને 1911માં વિજયાદશમીના દિવસે થયો હતો. તેઓ પ્રજાપ્રિય અને સમાનતા તેમજ સ્વાધીનતાના હિમાયતી હતા.સને 1920માં જ્યારે ઢસા મુકામે અંત્યજ પરિષદ યોજવાનું આમંત્રણ જ્યારે દરબાર સાહેબે આપ્યું ત્યારે પરંપરાઓને પોષનારું એક પ્રતિનિધિમંડળ રાજવી સમક્ષ ઊભું રહી ગયું હતું અને ઠાવકાઇથી બોલ્યું હતું:`અમે સાંભળ્યું છે કે આપે અંત્યજ પરિષદ યોજવાનું વિચારેલું છે!' સામે એટલી જ સલુકાઇથી જવાબ વાળ્યો હતો: `એ વિચારને આપ સૌના સહયોગથી અમલમાં મૂકવાનો છે.' વિચક્ષણ રાજવી સામે શું બોલવું તે દ્વિધા ઊભી થઈ હતી.

`હું સમજુ છું ત્યાં સુધી આપનું કહેવું છે કે `ગોપાલદાસ બે-ચાર પળ અટક્યા હતા. તીણી નજરે સૌ સામે જોયું હતું.પછી કહ્યું હતું: `અંત્યજના ઉદ્ધારની પ્રવૃત્તિ કરવી એટલે સામાજિક પ્રતિષ્ઠાને હોડમાં મૂકવી બરાબરને!'`આપ એ વાત સારી પેઠે સમજો છો !'

`અને તમે પણ સારી પેઠે સમજો છો કે જ્યાં રાજા ત્યાં પ્રજા અને જ્યાં પ્રજા ત્યાં રાજા !' ગોપાલદાસનું કહેવું મંડળને ઓછી ક્ષણો ને ઓછા શબ્દોમાં બરાબર સમજાઈ ગયું હતું, કારણ કે તેઓ આ પ્રજાપ્રેમી રાજવીનાં વાણી, વર્તન અને વ્યવહારથી અજાણ નહોતા.

`આ પરિષદ આપના સૌના સાથ-સહકારથી સુપેરે સંપન્ન થશે...' પછી કહ્યું હતું :`ગામલોકોને સમજાવવામાં પણ તમારે આગળ આવવું પડશે !' આ કહેણ સામે પ્રતિનિધિમંડળને કાંઈ બોલ્યા જેવું રહ્યું નહોતું.

પછી સમજાવટના અંતે ભારે ચમત્કાર સર્જાયો હતો. ઢસા ગામમાં યોજવામાં આવેલી આ અંત્યજ પરિષદની રહેવા, જમવા...જેવી બધી સગવડ અને જરૂરિયાતો ગામલોકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

આ અંત્યજ પરિષદના પ્રમુખ કવિ ન્હાનાલાલ હતા. ખુદ ગાંધીજી ઉપસ્થિત રહેવાના હતા પણ કોઈ કારણસર હાજર રહી શક્યા નહોતા. પણ ગાંધીજીએ પોતાના પ્રતિનિધિઓ તરીકે કાકાસાહેબ કાલેલકર અને નરસિંહભાઈ પરીખને મોકલ્યા હતા. તેઓને ઢસાના ગામલોકોનું આવું તમામ પ્રકારે સહયોગી અને સમતાભર્યું વલણ તેમજ વર્તન જોઈ ભારે નવાઇ લાગી હતી. દરબારના કાર્ય પ્રત્યે લોકોનો આટલો પ્રેમ હોઈ શકે તે કોઈ રીતે તેઓના ગળે ઊતરતું નહોતું. ઊંડે ઊંડે અવિશ્વાસના કાંટા વાગ્યા કરતા હતા તેથી સહેવાયું નહીં એટલે કવિશ્રીએ જ કાકાસાહેબને કહ્યું હતું: `લોકોનો આવો સહયોગ હોય તે સમજાતું નથી. ગામમાં જઈ, લોકોને ખાનગીમાં મળી ખરાઇ તો કરવી જોઈએ.' કવિશ્રીના શંકાભર્યા કહેણને શિર ચઢાવી કાકાસાહેબ, નરસિંહભાઈ અને ખુદ કવિ ન્હાનાલાલ ગામમાં આવી આગેવાન-લોકોને મળ્યા હતા અને પૂછ્યું હતું : `તમે લોકો આ અંત્યજોની સેવા, સરભરા કરો છો તે તમારી મનમરજીથી થાય છે કે પછી...'

`ના રે ના, મરજી કેવી ને વાત કેવી,રાજાના દબાણથી કરવું પડે છે. રાજમાં રહેવું હોયતો રાજા કહે તેમ કર્યા વગરનો છૂટકો પણ નથીને !' હતું કે આવું સાંભળવા મળશે પણ ધારણા સાવ પોકળ નીવડી હતી.

લોકોનું કહેવું હતું : `ખુદ રાજા જ પ્રજાકલ્યાણ માટે કાર્યો કરતા હોય તો, તે કહે તેમ કરવું પણ પડેને !'

 પછીથી આ વિગત કાકાસાહેબ અને નરસિંહભાઈ દ્વારા ગાંધીજી સુધી પહોંચી હતી. તે વાતમાં ગામની સમૂહજ્ઞાતિનો રાસ અને ખુદ દરબાર સાહેબનું રાસમાં સામેલ થવું તે પણ આવી જતું હતું. તેથી ગાંધીજીએ રાજીપો વ્યક્ત કરતા, સમૂહરાસ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રાસમંડળ સાથે ગોપાલદાસને અમદાવાદ આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં પહેલી વાર બેઉ વચ્ચે મુલાકાત થઇ હતી.

વિજયાદશમીના દિવસે સત્તાગ્રહણ કરનાર રાજવીએ અંત્યજ સામે થતા અન્યાય સામે ન્યાય આપવા પહેલ કરી હતી. ગામના કૂવામાંથી પાણી ભરવાનો અંત્યજોને હક અપાવ્યો હતો. કેળવણીને ઉત્તેજન આપવા માટે સ્કૂલમાં લેવામાં આવતી ફી માફ કરી હતી. નાના એવા ગામમાં એક નહીં, બે નહીં પણ ચાર સ્કૂલો શરૂ કરી હતી. જેમાં ગુજરાતી મુખ્યશાળા, કન્યાશાળા, અંત્યજ શાળા અને અંગ્રેજી ત્રણ ધોરણની શાળા. તેમાં ઈતર પ્રવૃત્તિઓને પ્રાધાન્ય મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. સાથેસાથે પ્રૌઢો માટે રાત્રિશાળા પણ શરૂ કરવામાં આવી હતી. ગોપાલદાસનું રાજ અંગ્રેજોએ જપ્ત કર્યા પછી ગોપાલદાસ વિશે ગાંધીજીએ કહ્યું હતું :`જો ઢસાનું રાજ પાછું મેળવવા માટે લડત હોત તો આ વખતે પણ પાછું મેળવી લેવાત પણ એમણે આ ટાણે તેનો ઉચ્ચાર સરખોય કર્યો નથી. ખરું પૂછો તો ભેખ લીધા પછી એ ખરા દરબાર થયા. સ્વરાજ એ એમનો જીવનમંત્ર છે. પરસ્પર ત્યાગ વિના આ છિન્નભિન્ન થયેલા દેશનો ઉદ્ધાર નથી.'


  • Follow us on: