અષાઢ વદ અમાસના દિવસે એવરત-જીવરત વ્રત આવે છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું. રાત્રે જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો.
એવરત-જીવરતની કથા
એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે. તેઓબધી વાતે સુખી, પણ નિ:સંતાનપણાનું દુ:ખ આ દંપતીને સાલતું હતું. દંપતીએ ભગવાન શંકરની ખૂબ જ ભક્તિ કરી. ભોળાનાથ બ્રાહ્મણ પર અતિ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં. શિવજી `તથાસ્તુ' કહી ચાલ્યા ગયા. સમય જતાં પુત્રરત્નનો જન્મ થયો. પુત્ર ઘણો રૂપાળો હતો. પુત્રનું લાલનપાલન, ઉછેર, ભણતર વગેરે માટે માતા-પિતાએ ખૂબ જ કાળજી રાખી. આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે? બ્રાહ્મણે શિવજી સાથે કરેલી શરતનો ભંગ કર્યો.
દીકરો પરણીને ઘેર આવ્યો. એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું, બારે મેઘ ખાંગા થયા. જાન ઘેર આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ. સર્વત્ર પાણી...પાણી. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર!
એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતો આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો. વરરાજાનું પ્રાણપંખેરું ઊડી ગયું. આનંદમંગલ હતાં, ત્યાં રડારોળ થઈ ગઈ. પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા. તે જોઈ આશાભરી નવપરિણીતા બોલી, `ગામમાં જેને જવું હોય તે જાઓ, હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ. જ્યાં તે ત્યાં હું. હું એમની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ.'
ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ તે એકની બે ન થઈ. કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં. વીજળીના ઝબકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ. પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બારણાં બંધ કરી અંદર બેઠી.
આ સમયે મંદિરના પ્રાંગણમાં `એવરત'મા આવી પહોંચ્યાં. બારણે ટકોરા માર્યાં. નવવધૂએ મંદિરનું બારણું ઉઘાડ્યું. દેવીનાં દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતા હૃદયે કહી સંભળાવી. દેવીએ `એવરત'મા છું એમ કહી પોતાની ઓળખાણ આપી. પતિની દીર્ઘાયુ માટે એવરત અત્યુત્તમ છે. તારે અષાઢ વદ અમાસે ઉપવાસ કે એકટાણું કરીને આદ્યશક્તિ એવરતનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા-કીર્તન કરવાં.
નવપરિણીતાએ બે કર જોડી એવરત કરવા સંકલ્પ કર્યો. મા એવરત તો મૃતદેહ પર અમીદૃષ્ટિ કરી અંતર્ધાન થઈ ગયાં. પતિના શરીરમાં નવું ચેતન આવ્યું, નવી શક્તિ આવી, નવો જીવ આવ્યો, પણ આંખ ઉઘાડે નહીં.
એવરત માના ગયા પછી જીવરત માએ મંદિરમાં પ્રવેશ કર્યો. નવવધૂએ માને પ્રણામ કર્યાં. માએ પોતાની ઓળખાણ આપતાં કહ્યું, તારા પતિને એવરત માએ નવજીવન આપ્યું છે, પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે. `જીવરત' કરવાથી સંતાન જીવતાં રહે છે. આ વ્રતની વિધિ એવરતની વિધિ પ્રમાણે જ કરવી.










