• બેડરૂમમાં કોઈ પણ પ્રકારનાં ઈલેક્ટ્રિક કે ઈલેક્ટ્રોનિક ઉપકરણ રાખવાં નહીં. બેડરૂમમાં ટીવી રાખવાથી પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય કે પ્રેમ ઓછો રહે છે

બેડરૂમમાં બધી જ બાબતો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અનુસરવામાં આવી હોય તો સકારાત્મક ઊર્જાનો પ્રવાહ શરૂ થઈ જાય છે. તેનાથી શાંતિ અનુભવાય છે. બેડરૂમ એ ઘરનું એક અગત્યનું સ્થાન છે. જ્યાં પતિ-પત્ની વધુમાં વધુ સમય પસાર કરે છે. રાત્રે બેડરૂમ આખો દિવસ કામ કરીને થાક્યા પછી શરીર અને મગજને આરામ અને શાંતિ આપે છે તથા ઊંઘ માટેનું જરૂરી સાનુકૂળ વાતાવરણ ઊભું કરી આપે છે. આમ, બેડરૂમમાંથી વ્યક્તિને શારીરિક અને માનસિક ઊર્જાની પ્રાપ્તિ થાય છે. પતિ-પત્ની બંને પર બેડરૂમનો પ્રભાવ પડતો હોય છે. બેડરૂમની સજાવટ એ પતિ-પત્ની વચ્ચે મધુરતાના સેતુનું કામ કરે છે. આટલું બધું મહત્ત્વ ધરાવતો હોવાને કારણે બેડરૂમને વાસ્તુ પ્રમાણે બનાવવો જોઈએ.

  • માસ્ટર બેડરૂમ એટલે ઘરની મુખ્ય વ્યક્તિનું પોતાનું આગવું એક નિવાસસ્થાન. તે ઘરના દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય ખૂણા)માં હોવું સર્વશ્રેષ્ઠ રહે છે. જો તે શક્ય ન હોય તો વિકલ્પ તરીકે ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણામાં રાખવું જોઈએ. જો ઘર બે-કે ત્રણ માળનું હોય તો બીજા માળે દક્ષિણ-પશ્ચિમમાં માસ્ટર બેડરૂમ રાખવો જોઈએ. દક્ષિણ-પશ્ચિમનો બેડરૂમ સ્થિરતા આપે છે તથા મહત્ત્વના મુદ્દાઓને હિંમતપૂર્વક ઉકેલવાની શક્તિ પ્રદાન કરે છે.
  • બાળકોનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) અથવા પશ્ચિમ દિશામાં ગોઠવવો યોગ્ય રહે છે.
  • અવિવાહિત યુવકનો બેડરૂમ પૂર્વ અથવા ઉત્તરમાં બનાવવો જોઈએ. વિવાહયોગ્ય કન્યાનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય)માં રાખવો જરૂરી બને છે. ઉત્તર-પશ્ચિમમાં કન્યાનો બેડરૂમ હોય તો તેના વિવાહ યોગ્ય સમયે જલદી ગોઠવાઈ જાય છે.
  • ગેસ્ટરૂમ ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અથવા ઉત્તરમાં બનાવી શકાય. ઉત્તર-પશ્ચિમમાં જો ગેસ્ટરૂમ હોય તો મહેમાનના શીઘ્ર પરત ન ફરવાની શક્યતા વધુ રહે છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમનો બેડરૂમ મહેમાનો માટે ક્યારેય રાખવો જોઈએ નહીં, નહીં તો આવેલા મહેમાન ઘરમાં લાંબા સમય સુધી રહે છે જે ઘરના લોકો માટે પ્રતિકૂળ થઈ પડે છે.
  • ઉત્તર-પૂર્વ (ઈશાન)માં કોઈ પણ બેડરૂમ બનાવવો જોઈએ નહીં. ઉત્તર-પૂર્વ દિશામાં દેવી-દેવતાઓનું સ્થાન હોય છે. ઈશાન ખૂણામાં બેડરૂમ હોય તો દરેક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંતાનોના સંબંધ-વિવાહમાં બહુ વિલંબ થાય છે, જેથી ઈશાન ખૂણામાં માત્ર પૂજાઘર જ યોગ્ય રહે છે.
  • દક્ષિણ-પૂર્વ (અગ્નિ)માં બેડરૂમ હોય તો અનિદ્રા, ચિંતા અને વૈવાહિક સમસ્યાઓ સર્જાય છે. અગ્નિ ખૂણો આક્રમકતા, ગુસ્સો અને વણજોઈતા વાદવિવાદનો પરિચાયક છે, તેથી આક્રમકતા અને ક્રોધી સ્વભાવના લોકોએ આ રૂમમાં ક્યારેય રહેવું જોઈએ નહીં. શરમાળ કે ડરપોક બાળકોને આ રૂમમાં સુવડાવવાં જોઈએ. જેનાથી બાળકોનાં સાહસ, પરાક્રમ, નીડરતા, દૃઢતા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય છે.
  • બેડરૂમ ઘરના મધ્ય ભાગમાં ક્યારેય ન બનાવવો. આ ક્ષેત્રને બ્રહ્મસ્થાન કહે છે. બ્રહ્મસ્થાન બધી જ ઊર્જાને પોતાની તરફ આકર્ષિત કરે છે, જેથી તે આરામ અને ઊંઘ માટે યોગ્ય નથી.
  • બેડરૂમમાં પલંગ કે પથારી દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશા તરફનો હોવાં જોઈએ. સૂતી વખતે માથું દક્ષિણ તરફ તથા પગ ઉત્તર તરફ હોવા જોઈએ. આ ચુંબકીય ધ્રુવની દિશા હોવાના કારણે આરામદેહ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. મસ્તક દક્ષિણ તરફ કરવાનું શક્ય ન હોય તો પૂર્વ દિશા તરફનું પણ કરી શકાય. આમ, દક્ષિણ અને પૂર્વ દિશાઓને છોડી અન્ય દિશાઓમાં મસ્તક રાખીને સૂવાથી અનિદ્રા, ચીડિયાપણું, શરીરમાં દર્દ તથા આગળ જતાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત અનેક મુશ્કેલીઓ થઈ શકે છે.
  • બેડ વર્ગાકાર (ચોરસ) અને લાકડાંનો હોવો જોઈએ. ધાતુનો પલંગ શરીરમાંથી સકારાત્મક ઊર્જાનું શોષણ કરી લે છે. પલંગને બેડરૂમના દરવાજાની બરાબર સામે ક્યારેય ન રાખવો. બેડરૂમનો દરવાજો ખોલતી વખતે તે અવાજ કરતો ન હોવો જોઈએ.
  • ડબલ બેડ પર એક જ ગાદલું હોવું જોઈએ. બે ગાદલાં ભૂલથી પણ ન રાખવાં. અલગ ગાદલાં એ વિભાજનનાં પ્રતીક છે. તેનાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો બગડે છે.
  • બેડરૂમમાં અભ્યાસ માટેનું ટેબલ પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં એવી રીતે ગોઠવવું જોઈએ કે જેથી અભ્યાસ કરતી વખતે મુખ હંમેશાં પૂર્વ કે ઉત્તર તરફ રહે. આવી ગોઠવણથી વાંચનારને વાંચેલું સઘળું યાદ રહે છે.
  • જો બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ગોઠવવું હોય તો તેને પૂર્વ અથવા ઉત્તરની દિશામાં ગોઠવવું જોઈએ. ડ્રેસિંગ ટેબલનું દર્પણ પૂર્વ યા ઉત્તરની દિશામાં જ ગોઠવવું જોઈએ. દર્પણ પર કોઈ પ્રતિબિંબ પડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. આ ડ્રેસિંગ ટેબલ બેડરૂમની બારીની સામે પણ હોવું જોઈએ નહીં. ડ્રેસિંગ ટેબલ અથવા મોટું દર્પણ માથાની સામે હોવું જોઈએ નહીં. આમ હોય તો વ્યક્તિ અકારણ અનેક પ્રકારનાં સંકટોથી ઘેરાયેલી રહે છે.
  • બેડરૂમની અંદર કે બહારની બાજુ અર્ધચંદ્રાકાર ફર્નિચર પણ રાખવું નહીં. આવા ફર્નિચરને કારણે ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે.
  • તિજોરી કે કબાટ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખી શકાય. તેનું મુખ હંમેશાં ઉત્તર દિશા તરફ ખૂલવું જોઈએ.
  • ટીવી, હીટર અને એર કન્ડિશનરને અગ્નિ ખૂણામાં એટલે કે દક્ષિણ-પૂર્વની દિશામાં ગોઠવવાં જોઈએ.
  • બેડરૂમમાં એટેચ બાથરૂમ ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. બેડરૂમમાં દરવાજા અને બારીઓ પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવાં જોઈએ. બેડરૂમમાં યુદ્ધ, ક્રૂરતા, હિંસા, નિરાશા દર્શાવનારી અને પક્ષી, પશુ તથા હિંસક જાનવરોની તસવીરો લગાવવી નહીં. જો તસવીરો લગાવવી જ હોય તો બાળકૃષ્ણ, પોતાનાં નાનાં બાળકોના ફોટા, પતિ-પત્ની અથવા ઘરના કોઈ પ્રસંગ વખતની સુખદ ક્ષણોની તસવીરો લગાવી શકાય.
  • જો બેડરૂમમાં બુકશૅલ્ફ રાખવાની ઇચ્છા હોય તો તેને પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવું.
  • બેડરૂમમાં કોઈ પણ પ્રકારનાં ઈલેક્ટ્રિક કે ઈલેક્ટ્રોનિક ઉપકરણ રાખવાં નહીં. બેડરૂમમાં ટીવી રાખવાથી પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય કે પ્રેમ ઓછો રહે છે. બેડરૂમમાં દર્પણ લગાવવાથી પરસ્પરના સંબંધોમાં મતભેદ સર્જાય છે.
  • બેડરૂમનો રંગ આછો ગુલાબી, પીળો અથવા જાંબુડિયો રાખવો અથવા ગૃહસ્વામીની રાશિના આધારે રંગની પસંદગી કરવી. બેડરૂમની છત ઢાળવાળી હોવી જોઈએ નહીં. બીમની નીચે ક્યારેય પથારી અથવા પલંગ રાખવો નહીં.
  • Follow us on: