આપણે ત્યાં `ખોડો-ડેન્ડ્રફ' એ વાળની ખૂબ જ સામાન્ય-કોમન ફરિયાદ થઈ ગઈ છે. પ્રાચીનકાળમાં પણ રોમન અને યુનાની સ્ત્રીઓ ખોડાથી બચવાના ઉપાયો કરતી હતી. ખોડા વિશે ભારતીય ચિકિત્સા ગ્રંથોમાં અને મિસ્રના સાહિત્ય ગ્રંથોમાં બે અઢી હજાર વર્ષ પૂર્વે તેનો ઉલ્લેખ થયેલો છે, તેથી સાબિત થાય છે કે ખોડાની તકલીફ પ્રાચીન કાળથી તે આજ દિન સુધી મનુષ્યને હેરાન કરતી આવે છે.
વાસ્તવમાં ખોડો શું છે? તેને સમજવા માટે સામાન્ય ત્વચા પરિવર્તનોને સમજવું જરૂરી છે. સામાન્યતઃ જૂની ત્વચા કાંચળીની જેમ સૂક્ષ્મ ટુકડા રૂપે ઊખડીને ખરે છે અને તેનું સ્થાન ચામડીની નવી કોશિકાઓ લે છે. આ કોશિકાઓને ચામડીના બાહ્ય સ્તર સુધી ઉપર આવવામાં લગભગ ચાર અઠવાડિયાં લાગે છે, પરંતુ ખોડાના રોગમાં આ પ્રક્રિયા ચાર અઠવાડિયાથી ઘટીને માત્ર છ દિવસની થઈ જાય છે.
ખોડો ઉત્પન્ન કરતાં કારણોમાં માનસિક તણાવ, ભય, ચિંતા, વ્યગ્રતા, આઘાત, ઉતાવળાપણું, શોક, ક્રોધ, ડિપ્રેશન વગેરે કારણોને લીધે હોર્મોન્સના સ્તર અને સ્રાવમાં અનિયમિતતા ઉત્પન્ન થાય છે. આવાં પરિવર્તનો મસ્તકની તેલીય ગ્રંથિઓમાં વિષમતા લાવવા માટે સક્ષમ છે. આ કારણોથી જ ખોડાની શરૂઆત થાય છે.
ઉપરાંત ગંદી રહેણીકરણી, અનિયમિત નહાવું, ગંદા હાથે માથું ખંજવાળું, અસંતુલિત આહાર, વિટામિન અને ખનિજ તત્ત્વોની આહારમાં ખામી-ઊણપ વગેરેથી ખોડો થવાની શક્યતામાં વધારો થાય છે. ખોડાવાળી વ્યક્તિના ટુવાલ, રૂમાલ, ચાદર, ઓશિકા, કાંસકા, માથાની રિંગ, કપડાં વગેરેના સંપર્કથી ખોડાનો ચેપ લાગી શકે છે. હલકી જાતનાં તેલ, સાબુ, ડાઈ, સ્પ્રે, મેકઅપ પણ ખોડાનાં કારણો છે.
ઉપચાર
વાળની સારી સ્વચ્છતા અને સંભાળ રાખવી એ જ સૌથી ઉત્તમ ઉપચાર છે. ખોડાની પ્રારંભિક અવસ્થા તો નિયમિત ઔષધીયુક્ત સાબુ અથવા શેમ્પૂથી માથું ધોતા રહેવાથી દૂર થઈ જાય છે. ખોડાની ગંભીર અવસ્થામાં વાળને અલગ અલગ કરીને વાળના મૂળમાં સારી રીતે ઔષધીયુક્ત શેમ્પૂ લગાડવું જોઈએ. શેમ્પૂથી માથું ધોયા પછી અડધા કલાક સુધી માથાને ટુવાલથી લપેટી રાખવું જોઈએ.
તમારા દૈનિક ઉપયોગમાં લેવાતા કાંસકી, કાંસકા કે બ્રશ સારી રીતે સ્વચ્છ રાખો. કુટુંબની દરેક વ્યક્તિનો કાંસકો કે બ્રશ અલગ અલગ જ રાખવાં. ઔષધીય શેમ્પૂ કે પાઉડર નિમ્ન સ્તરનાં વાપરવાં નહીં અથવા ચિકિત્સકની સલાહ પ્રમાણે સાબુ, શેમ્પૂ કે માથું ધોવાનો પાઉડર વાપરવો.
લીંબુ, દહીં, કાંજી, સરકો વગેરેનો વારંવાર માથાના વાળ કે ખોડા માટે ઉપયોગ કરવાથી વાળની સ્વાભાવિક ચમક, કોમળતા, રંગ ખરાબ થાય છે. ત્રિફળા ચૂર્ણ, શિકાકાઈ પાઉડર, અરીઠા, આમળાં ચૂર્ણનો ઉપયોગ સારો. ચૂર્ણ અથવા પાઉડરને વાળના મૂળ સુધી લગાડવું. અઠવાડિયામાં બે વખત હૂંફાળા પાણીથી માથું ધોવું એ ખોડો દૂર કરવા માટે ઉચિત છે.
રક્તાલ્પતા-એનેમિયા, કુપોષણ, મેદસ્વિતા, સ્વેદાધિક્ય, ડાયાબિટીસ વગેરેમાંથી કોઈ પણ તકલીફ હોય તો તેનો ઉચિત ઉપચાર કરવો જોઈએ.
પ્રોટીન, વિટામિન, ખનિજ તત્ત્વોવાળો સંતુલિત નિયમિત આહાર અને સ્વચ્છ નિયમિત દિનચર્યા લાભદાયક છે.