જીટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'
પ્રકરણ - 20
વન વાહિયાત અને પીડાજનક હોવાથી જીવતા રહેવા કરતાં મરી જવું સારું એ વાતે રશિયન લેખક ટોલ્સ્ટોયને અત્યંત લાંબી અને ઊંડી વિચારણા બાદ આમ તો પૂરેપૂરી ખાતરી થઈ ગયેલી, પરંતુ હજુ પણ એમના મનમાં પોતાના જ આ નકારાત્મક અભિપ્રાય બાબતે એક આછી શંકા માથું ઊંચકી રહી હતી.
એ શંકા કંઈક આ પ્રમાણે હતીઃ એક તરફ મન કહે છે કે જીવન કરતાં મૃત્યુ સારું, મન પોતે જ પોતાનો નાશ ઝંખે છે, પરંતુ બીજી તરફ જો જિંદગી જ ન હોય તો મન પણ ન હોય. એ રીતે જોતાં મન જીવનનું નહીં, પણ જીવન મનનું સર્જક છે, જીવન બૉસ છે, જીવન સર્વેસર્વા છે. મન-બુદ્ધિ એ તો જીવતરના વૃક્ષનું એક ફળ છે અને ફળ એવું કઈ રીતે ઇચ્છી શકે કે આ વૃક્ષ હોય જ નહીં તો સારું? મતલબ કે આખી વાતમાં કશોક લોચો તો છે જ.
આગળની વાત લેખકના જ શબ્દોમાં
મેં મારી જાતને કહ્યું, `જીવન એક વાહિયાત અને પીડાદાયક જોક છે એ ખરું, પરંતુ છતાં હું જીવ્યો છું, જીવતો રહ્યો છું. એકલો હું જ નહીં. આખી માનવજાત જીવી રહી છે. આવું કેમ? મરી જવાનું તો સૌના હાથમાં છે, છતાં સૌ મરી કેમ નથી જતા? શું કેવળ હું અને (ફિલોસોફર) શોપનહોઅર જ બુદ્ધિશાળી છીએ જે જીવતરની નિરર્થકતા અને પીડા સમજી શકે છે? (અને બાકીના બધા ડોબા છે?)'
જીવનનું મિથ્યાપણું સમજાવું એ કંઈ બહુ મોટી વાત નથી. સામાન્ય માણસ પણ આ વાત સમજી તો શકે જ છે અને છતાં એ (શાંતિથી) જીવી લે છે અને `આ જીવન છે શેના માટે?' એવા સવાલો નથી ઉઠાવતો.
મેં દુનિયાભરનું જે જ્ઞાન મેળવેલું એના પરથી તો મને એટલું સમજાતું હતું કે આ જગતમાં જે કંઈ પણ છે, સજીવ-નિર્જીવ બધું જ, એ એકદમ વ્યવસ્થિત રીતે, સૂક્ષ્માતિસૂક્ષ્મ આયોજન સાથે ગોઠવાયેલું છે. બસ, એકલી મારી હાલત જ કફોડી હતી.
બીજી બાજુ આ બધા મૂરખ લોકોને, પ્રચંડ બહુમતીમાં જીવતા સામાન્ય લાકોને ભલે સૃષ્ટિની અતિ સૂક્ષ્મ ગોઠવણ વિશે કશી ખબર નહોતી અને છતાં તેઓ સૃષ્ટિની આ આખી જે ગોઠવણ છે એ બરાબર જ છે એમ માની લઈને શાંતિથી જીવતા હતા.
મને લાગ્યું કે કશુંક એવું છે જેની મને ખબર નથી. મારા વર્તનમાં મને અજ્ઞાનનાં લક્ષણો સ્પષ્ટ દેખાતાં હતાં. અજ્ઞાનીનું એક સ્પષ્ટ લક્ષણ આ છેઃ જે વાતની એને ખબર ન હોય એવી વાત કોઈ કરે તો એ કહી દેશે કે પેલો તો મૂરખ છે.
તો મામલો આવો હતો. આખી માનવજાત જાણે જીવનનો અર્થ સમજી ચૂકી હોય એ રીતે જીવી રહી હતી અને બીજી તરફ હું હતો, જે કહી રહ્યો હતો કે જીવન મને સાવ જ નકામું લાગતું હોવાથી હું જીવી શકું તેમ નથી.
હું જાતને કહી રહ્યો હતો કે તારે મરી જ જવું હોય તો તને રોકે છે કોણ? મરી જા. પછી તારે જીવનના વિરોધમાં કોઈ દલીલો નહીં કરવી પડે. બાકી, આવી રીતે જીવ્યા કરવાનું અને સાથોસાથ `જીવન મને સમજાતું નથી' એ વાતે સતત બોલવા-લખવાનો, રોદણાં રડવાનો કોઈ મતલબ નથી. તારી આસપાસ જો. લોકો પોતાની મોજમાં જીવે છે. એમને ખબર છે કે તેઓ શું કરી રહ્યા છે. આવામાં તું જો જીવનથી કંટાળી ગયો હોય અને તને બહુ ત્રાસ થઈ રહ્યો હોય તો ચાલતી પકડ, જતો રહે આ બધા લોકોની વચ્ચેથી.
સીધી વાત છે. જેને ખબર જ છે કે જીવન જીવવા જેવું નથી અને છતાં એ જીવતો રહે તો એ નબળો જ ગણાય. કેવળ નબળો પણ નહીં, એકદમ ફ્રેન્કલી કહું તો આવો (મારા જેવો, મરવાની વાતો કર્યા કરતો) માણસ એકદમ ડોબો પણ ગણાય. એવો ડોબો જે સતત પોતાની મૂર્ખામીનું પ્રદર્શન કરતો ફરે છે.
આપણું (ખાતાં-પીતાં, સુખી-સમૃદ્ધ, ભણેલગણેલ લોકોનું) ડહાપણ ભલે ગમે તેટલું તર્કબદ્ધ અને સચોટ હોય, તો પણ એની મદદથી આપણે `જીવનનો કંઈ અર્થ છે ખરો?' એ સવાલનો જવાબ મેળવી નથી શકતા. બીજી તરફ પેલા લાખો-કરોડો સામાન્ય માનવી છે જેને પૂરી ખાતરી છે કે જીવન (પીડાદાયક હોવા છતાં) નિરર્થક તો નથી જ.
આદિકાળમાં માનવ જીવનની શરૂઆત થઈ હશે ત્યારે પણ લોકોએ એવું ઘણું વેઠ્યું-ભોગવ્યું હશે જેને લીધે, મને જેમ આજે એમ એમને ત્યારે, જીવનની નિરર્થકતા સમજાઈ હશે. છતાં એ લોકો મરી ન ગયા. એ જીવતા રહ્યા અને એમણે પોતાની રીતે પોતાના જીવનને અર્થસભર બનાવ્યું હશે. માનવજાત એની શરૂઆતથી જ જીવન વિશે કશુંક સમજી છે અને એ સમજણ આજ સુધી ચાલતી આવી છે. મારી અંદર અને મારી આસપાસ જે કંઈ પણ ભૌતિક અને અભૌતિક છે એ બધું એમના (પૂર્વજો-વડીલોના) જ્ઞાનનું ફળ છે. મારું આ જે મન છે, જેની મદદથી હું જીવનને સમજી રહ્યો છું અને વખોડી રહ્યો છું, એ સાધન (મગજ) મારું નથી, એમનું છે. મારો જન્મ એમને લીધે થયો છે. એમણે મને ભણાવ્યો-ઉછેર્યો છે. જમીનમાંથી લોખંડ એમણે ખોદી કાઢ્યું છે. લાકડાં કઈ રીતે ફાડવાં, ગાય અને ઘોડાને કઈ રીતે પાળવાં, મકાઈ કઈ રીતે વાવવી, એકમેક સાથે હળીમળીને કઈ રીતે જીવવું આ બધું એમણે શીખવ્યું છે. આપણા જીવનમાં જે કંઈ વ્યવસ્થિતપણું છે એ એમને આભારી છે. કઈ રીતે બોલવું અને વિચારવું એ બધું એમણે મને શીખવ્યું છે. હું એમનાં પોષણ, ઉછેર અને શિક્ષણથી તૈયાર થયેલો મનુષ્ય છું. હું એમના વિચારો અને શબ્દોના આધારે વિચારું છું અને હવે હું એમની પેદાશ, આજે ઊઠીને એમની સામે એવું સાબિત કરી આપું છું કે તમે ખોટી મહેનત કરી, આખી વાતમાં (તમે મને આપેલા જીવનમાં) કંઈ માલ જ નથી.
આ કેવું?
`આ ખોટું. આવું ન હોઈ શકે.' મેં મારી જાતને કહ્યું, `આમાં (મારા વિચારો અને તારણોમાં) હું ક્યાંક તો ભૂલ કરી જ રહ્યો છું.' એ ભૂલ શોધવા માટે મેં બહુ મહેનત કરી, પણ મને એ જડી નહીં. (ક્રમશઃ)
***
માત્ર ટોલ્સ્ટોય જ નહીં, ખાતાં-પીતાં ઘરનાં અનેક ભણેલાંગણેલાં બુદ્ધિશાળી લોકો પોતાને સહેજ ઊંચા માને છે અને ઝાઝું વિચારીને દુઃખી પણ થાય છે. એમને એ યાદ નથી રહેતું કે છેવટે તો તેઓ બાકીની માનવજાતના મહેનતના જોરે જીવી રહ્યા છે. બૌદ્ધિકોની બૌદ્ધિકતાની સરખામણીમાં સામાન્ય માનવીની મૂળભૂત સમજને ઓછી આંકી શકાય નહીં એ સમજવાની અને સમજાવવાની દિશામાં હવે આગળ વધી રહી છે ટોલ્સ્ટોયની આત્મકથા.
