- ભારત પાસે નેવિગેશન સિસ્ટમ છે?
- હા, ભારત પાસે પોતાની નેવિગેશન સિસ્ટમ છે.
- તેને IRNSS એટલે કે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ કહેવામાં આવે છે.
પહેલાંના સમયમાં લોકો રાત્રે આકાશમાં તારા જોઈને સાચા રસ્તાની જાણકારી મેળવતા હતા. તે જ રીતે અફાટ દરિયામાં વહાણ હંકારતા નાવિકો પણ તારાઓના સમૂહ (નક્ષત્રો)ને આધારે પોતાના લૉકેશન વિશે જાણકારી મેળવવા હતા, પણ અત્યારે આપણને લૉકેશનની જાણકારી મેળવવી હોય તો ફટ દઈને ફોનના GPSનો ઉપયોગ કરીએ છીએ. જેનો અત્યારે છૂટથી ઉપયોગ થાય છે તે GPS શું હોય છે? કેવી રીતે કામ કરે છે? કોણે શોધ્યું? વગેરે ન જાણતા હો તો જાણી લો.
GPSનો ઇતિહાસ
ઈ.સ. 1957માં સોવિયેત યુનિયને સ્પુતનિક-1 સેટેલાઈટ લૉન્ચ કર્યો હતો કે જેની મદદથી ઉત્તમ જિઓલૉજિકલ ટેક્નોલોજી વિકસિત કરી શકાય, પણ GPSનો ઉપયોગ સૌથી પહેલાં યુ.એસ.ના ડિફેAન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી લગભગ સાઠ વર્ષ પહેલાં ઈ.સ. 1960માં કરવામાં આવ્યો હતો. તે સમયે અમેરિકાએ નેવી મિસાઈલોને લઈ જનારી સબમરીનને ટ્રેક કરવા માટે સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ડિફેન્સ અને મિલિટરીમાં તેનો ઉપયોગ ખૂબ જ કારગર રહ્યો હતો. જોકે, ઈ.સ. 1983 પછી તેને લોકોના ઉપયોગ માટે સાર્વજનિક કરી દેવામાં આવી.
GPSનો ઉપયોગ
જીપીએસનો ઉપયોગ સામાન્ય રીતે પાંચ રીતે કરવામાં આવતો હોય છે.
• લૉકેશન : કોઈ સ્થળની સ્થિતિ કે પોઝિશન જાણવા માટે.
• નેવિગેશન : એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચાડવા કે લઈ જવા.
• ટ્રેકિંગ : કોઈ પણ વસ્તુ અથવા પર્સનલ મૂવમેન્ટ પર નજર રાખવા.
• મેપિંગ : કોઈ પણ સ્થળનો નકશો બનાવવા માટે.
• ટાઈમિંગ : સટીક સમયની જાણકારી મેળવવા.
આ પણ જાણો
• GPSની શોધ ઈવાન એ. ગેટિંગ, બ્રેડફોર્ડ પાર્કિંસન અને રોજર એલ. એસ્ટોને સાથે મળીને કરી હતી.
• GPS જો તમે ખુલ્લી જગ્યા પર હો તો લગભગ 16 ફૂટના ઘેરાવામાં પરફેક્ટ લૉકેશન બતાવે છે, પરંતુ તમે એવી જગ્યા પર હો કે જ્યાં મોટી મોટી ઇમારતો, વૃક્ષો અને પુલ હોય તેવી જગ્યાએ થોડી સમસ્યા થઈ શકે છે.
• GPSનો ઉપયોગ સૈન્ય દ્વારા દુશ્મન દેશો પર નજર રાખવા માટે પણ થાય છે.
• ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એક ઉપગ્રહ આધારિત નેવિગેશન પ્રણાલી છે. જેને 24 ઉપગ્રહો સાથે મળીને બનાવવામાં આવી છે. તે દરેક પરિસ્થિતિમાં કામ કરે છે. ગમે તેવી મોસમમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
• દુનિયાના બધા જ ખૂણામાં GPS 24 કલાક કામ કરે છે.
• ફોનમાં પણ GPS હોય છે. લૉકેશન ઓન કરીને ગૂગલ મેપ્સ દ્વારા આપણે જ્યાં જવું હોય ત્યાંનો રસ્તો અને અન્ય જાણકારીઓ મેળવી શકીએ છીએ. આપણે ફૂડ ઓર્ડર કર્યા પછી ફૂડ ડિલિવરી બોય ક્યાં પહોંચ્યો, ટેક્સી કરી હોય તો તે ક્યાં પહોંચી વગેરે ફોનમાં ટ્રેક કરી શકીએ છીએ તે GPSને જ આભારી છે.
આપણને કેવી રીતે કામ આવે છે?
• ઇમરજન્સી રિસ્પોન્સ : ક્યાંય ઇમરજન્સી હોય કે પ્રાકૃતિક આફત આવી પડી હોય જેમ કે, પૂર, ભૂકંપ, વાવાઝોડું વગેરે ત્યારે સૌથી પહેલાં રિસ્પોન્ડર્સ મેપિંગ, ફોલોઇંગ વગેરે માટે GPSનો ઉપયોગ કરે છે સાથે તેની મદદથી ઇમરજન્સીમાં ગયેલા લોકોની ઉપર પણ તેનાથી નજર રાખી શકાય છે.
• એન્ટરટેઈન્મેન્ટ : GPSનો ઉપયોગ ઘણી એક્ટિવિટી અને વિવિધ ગેમમાં કરવામાં આવે છે.
• હેલ્થ અને ફિટનેસ ટેક્નોલોજી : સ્માર્ટવોચ અને તેના જેવી અન્ય પહેરી શકાતી ટેક્નોલોજીનો ઉપયોગ આજકાલ વધી ગયો છે. તેના દ્વારા તમે ફિટનેસ એક્ટિવિટીને ટ્રેક કરી શકો છો. જેમ કે, તમે કેટલા કિલોમીટર ચાલ્યા વગેરે.
• કન્સ્ટ્રક્શન : લોકેટિંગ ઇક્વિપમેન્ટમાં પણ GPS ઉપયોગી છે. તેનાથી મેઝરિંગ સહિત અન્ય ઘણાં કામ સરળ બની જાય છે.
• ટ્રાન્સ્પોર્ટેશન : લોજિસ્ટિક કંપનીઓ પણ ડ્રાઈવરની પ્રોડક્ટિવિટી અને સેફ્ટી માટે તેનો ઉપયોગ કરે છે.
• ચોરી પણ રોકી શકાય : અત્યારે પોલીસ ગુનેગારોને પકડવા GPS સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ જ રીતે પોતાનાં પ્રાણીઓ ખોવાઈ જાય તો તેને પણ GPSની મદદથી શોધી શકાય છે જોકે, તેના માટે તેમના પર GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવેલી હોવી જોઈએ. કીમતી કલાકૃતિઓ કે જેની ચોરી થવાનો ભય હોય તેમાં પણ આ સિસ્ટમનો ઉપયોગ થાય છે. હવે તો લોકો કારમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ લગાવી રાખે છે. જેથી કારને ટ્રેક કરી શકાય સાથે ચોરી સામે પણ રક્ષણ મળે.
GPS આ રીતે કામ કરે છે
GPSનું આખું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે. આ એક એવી સિસ્ટમ છે જે ત્રણ વસ્તુઓ સેટેલાઈટ, ગ્રાઉન્ડ સેટેલાઈટ અને રિસીવરથી બનેલી હોય છે
આમાં સેટેલાઈટ તારા-નક્ષત્રોની જેમ કામ કરે છે જ્યારે ગ્રાઉન્ડ સેટેલાઈટ રડારનો ઉપયોગ કરે છે જેનાથી ખ્યાલ આવે છે કે તે ખરેખર ક્યાં સ્થિત છે. એક રિસીવર કે જે તમારા ફોનના રિસીવર જેવું જ હોય છે. તે હંમેશાં એ સિગ્નલ્સને પકડે છે જે સેટેલાઈટ દ્વારા મોકલવામાં આવે છે અને એ રિસીવર જ નક્કી કરે છે કે વાસ્તવમાં તે બંને એકબીજાથી કેટલા દૂર છે. એક વાર રિસીવર ચાર કે તેનાથી વધારે સેટેલાઈટ દ્વારા તેનું ડિસ્ટન્સ નક્કી કરી લે ત્યારે તે સંપૂર્ણપણે જાણી શકે છે કે તે ક્યાં સ્થિત છે. સેટેલાઈટ, ગ્રાઉન્ડ સેટેલાઈટ અને રિસીવર એમ ત્રણ કડી મળે ત્યારે GPS કામ કરે છે.










