હાલમાં જ મુંબઈની એક પંચતારક હોટલમાં સેમિનારનું આયોજન થયું હતું, જેમાં અમેરિકા ઉપરાંત ગ્રીક અને યુરોપના અન્ય દેશોના લોકોએ જાતજાતનાં પ્રલોભનો આપીને એમના દેશમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે ભારતીયોને જણાવ્યું હતું.

અમેરિકાએ યુરોપના અમુક પછાત દેશો જોડે ટ્રીટી કરી છે. એ દેશના નાગરિકોને જો અમેરિકામાં બિઝનેસ કરવો હોય તો તેઓ `ઈ-2' વિઝા ઉપર અમેરિકામાં અમુક ડોલરનું રોકાણ કરીને ત્યાં બિઝનેસ કરી શકે છે.

જે વ્યક્તિ `ઈ-2' વિઝા મેળવીને અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છતી હોય એ વ્યક્તિ એ ટ્રીટી ક્ધટ્રીની નૅશનાલિટી ધરાવતી હોવી જોઈએ. જે બિઝનેસ કરવાનો હોય એ ખરા અર્થમાં બિઝનેસ હોવો જોઈએ. રોકાણની રકમ વ્હાઈટ અને માર્જિનલ નહીં, પણ ખાસ્સી એવી વધુ હોવી જોઈએ. જે વ્યક્તિ `ઈ-2' વિઝા મેળવવા ઈચ્છતી હોય એણે અમેરિકામાં એ બિઝનેસ ડેવલપ કરવો જોઈએ અને ચલાવવો જોઈએ. જો એ વ્યક્તિ યુરોપના એ જે દેશની નૅશનાલિટી ધરાવતી હોય અને યુરોપની કંપનીમાં સર્વિસ કરતી હોય તો એની પોઝિશન એક્ઝિક્યુટિવ યા સુપરવાઈઝરની હોવી જોઈએ અથવા તો એ જાતે એ બિઝનેસનો માલિક હોવો જોઈએ. એ વ્યક્તિનો અમેરિકામાં કાયમ રહેવાનો ઈરાદો હોવો ન જોઈએ.

આ સર્વે શરતો અમેરિકાના જે `ઈબી-5 પ્રોગ્રામ'માં છે લગભગ એના જેવી જ છે, પણ `ઈબી-5 પ્રોગ્રામ' હેઠળ અમુક નક્કી કરેલ રકમ અમેરિકાના નવા બિઝનેસમાં રોકવાની રહે છે, જ્યારે `ઈ-2' વિઝા મેળવવા માટે યુરોપની ટ્રીટી ક્ધટ્રીના નાગરિક હોવું જરૂરી છે, પણ અમેરિકામાં અમુક ઓછામાં ઓછી રકમ નવા બિઝનેસમાં રોકવી જોઈએ એવી શરત નથી.

આ પ્રકારની સવલત હોવાના કારણે યુરોપના એ દેશોના બિલ્ડરો ભારતીયોને લલચાવે છે. જે તે દેશે એમના દેશના નાગરિક બનવા માટે જે જે રકમ નક્કી કરી હોય, જે `ઈબી-5 પ્રોગ્રામ' હેઠળ કરવી પડતી રકમ કરતાં ખૂબ ઓછી હોય છે એ રકમ તેઓ જ્યાં મકાનો બાંધી રહ્યા છે એમાં એપાર્ટમેન્ટ્સ ખરીદવા માટે ખર્ચવાનું જણાવે છે. જેથી એ દેશમાં એમણે નિયત કરેલ રકમનું રોકાણ કર્યું છે એવું દેખાડીને તેઓ એ દેશના નાગરિક બની શકે છે. એમણે એ દેશમાં અમુક સમય રહેવાની જરૂર નથી રહેતી. એ દેશમાં તેઓ ગયા પણ ન હોય તો પણ આ રીતે રોકાણ કરતાં એમને એ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થાય છે અને એ કારણે તેઓ `ઈ-2' વિઝા મેળવી શકે છે.

ગ્રીક અને એના જેવા અન્ય યુરોપના દેશો, જેમની જોડે અમેરિકાએ ટ્રીટી કરી નથી તેઓ ભારતીયોને એમને ત્યાં રોકાણ કરવા એવું જણાવીને લલચાવે છે કે જો તેઓ એમના દેશમાં રોકાણ કરશે તો એમને યુરોપના અન્ય દેશો જે શેંગન ક્ધટ્રી છે એમાં વિઝા વગર ગમે ત્યારે પ્રવેશ મેળવી શકશે અને એ શેંગન દેશોમાંથી જે કોઈ દેશ એમને પસંદ હોય ત્યાં તેઓ ઈચ્છે એટલો સમય રહી શકશે.

ભારતીયોએ આવી લોભામણી ઑફરોથી લલચાવવું ન જોઈએ. જે કોઈ ભારતીય વ્યક્તિ યા કંપની અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છતી હોય એણે અમેરિકાના `ઈબી-5 પ્રોગ્રામ'નો લાભ લેવો જોઈએ.

યુરોપના દેશો, જેમણે અમેરિકા જોડે ટ્રીટી કરી છે એવા દેશોમાં ત્યાં બંધાતાં નવા બિલ્ડિંગમાં એપાર્ટમેન્ટ ખરીદીને, રોકાણ કરીને રહે પછી અમેરિકામાં બિઝનેસ કરવા `ઈ-2' વિઝા મેળવવાની જ્યારે તેઓ માગણી કરે છે ત્યારે એમને ઘણા પ્રશ્નો નડે છે. સૌપ્રથમ તો એ કે તેઓ પોતે જે દેશના નાગરિક છે એ દેશમાં રહ્યા જ નથી હોતા. એ દેશમાં એમણે બિઝનેસ પણ કર્યો નથી હોતો. આથી કદાચ એમને `ઈ-2' વિઝા મેળવવામાં મુશ્કેલી નડી શકે. બીજું કે તેઓ જે યુરોનું એ ટ્રીટી ક્ધટ્રીમાં એપાર્ટમેન્ટ ખરીદીને રોકાણ કરે છે એ એપાર્ટમેન્ટમાં તેઓ રહેવાના નથી હોતા. જો તેઓ એ એપાર્ટમેન્ટ ભાડે આપવાનું વિચારતા હોય તો એવાં કંઈકેટલાંય એપાર્ટમેન્ટો પરદેશીઓએ ખરીદેલાં હોય છે અને સૌ પોતપોતાનાં એપાર્ટમેન્ટ ભાડે આપવાનું વિચારી રહ્યા હોય છે આથી એમનાં એપાર્ટમેન્ટ કોઈ ભાડે લેશે એવી કોઈ જ ખાતરી નથી હોતી. જ્યારે તેઓ એ એપાર્ટમેન્ટ વેચવા કાઢશે ત્યારે એની મૂળ કિંમત કરતાં એના ભાવ ઘટી ગયા હશે, કારણ કે એ દેશો અવિકસિત છે, વિકાસ પામે એવાં કોઈ એંધાણ ત્યાં વર્તાતાં નથી. એ દેશોમાં ટૂરિસ્ટોની અવરજવર પણ ખૂબ ઓછી છે. આથી એમણે જે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે એ જ્યારે પાછું મેળવવાનું આવે ત્યારે એમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો હોય છે.

ભારતીય બિઝનેસમેનો, જેઓ અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છતા હોય એમણે યુરોપના દેશના નાગરિક બનીને `ઈ-2' વિઝા મેળવવાની ખેવના રાખવી ન જોઈએ. એમાં એમને નુકસાન જ છે. એમણે તો `ઈબી-5 પ્રોગ્રામ'નો જ લાભ લેવો જોઈએ.