અવારનવાર અમેરિકાના કેલિફોર્નિયા સહિત અનેક જગ્યાએ આગ લાગવાના સમાચાર જાણવા મળે છે. આ વર્ષે અમેરિકાના લોસ એન્જલસમાં ભયંકર આગ લાગી અને તે ફેલાતી જ જતી હતી. ફાયર બ્રિગેડ વિમાન દ્વારા આકાશમાંથી ગુલાબી રંગના ધુમાડા જેવી લાગતી વસ્તુ છોડે છે. તે ખરેખ શું હોય છે તે જાણો છો?
તાજેતરમાં લોસ એન્જલસમાં લાગેલી આગને દુનિયાની સૌથી ભયંકર આગ જણાવવામાં આવી રહી છે. આગ બુઝાવવા માટે વિમાન દ્વારા પાણી અને ગુલાબી રંગનો ધુમાડા જેવો લાગતો પદાર્થ છોડવામાં આવે છે. વાસ્તવમાં આ દૂરથી ધુમાડા જેવું લાગે છે, પરંતુ તે ધુમાડો નહીં, પરંતુ એક તરલ પદાર્થ હોય છે. આ પદાર્થ શું હોય છે? તેને શું કહેવાય? અને તે શું કામ કરે છે? વગેરે પ્રશ્નોના જવાબો જાણીએ.
લોસ એન્જલસમાં આગ બુઝાવવા માટે વિમાન દ્વારા છોડવામાં આવતા ગુલાબી રંગના પદાર્થને ફાયર રિટાર્ડેન્ટ એટલે કે અગ્નિરોધી કહેવામાં આવે છે. આ પદાર્થ આગ લાગવા કે બળવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે. આ પદાર્થ ઘણાં કેમિકલ્સ ભેગાં કરીને બનાવવામાં આવે છે, જેમાં મોટા પ્રમાણમાં એમોનિયમ ફોસ્ફેટ હોય છે. આગને ઓક્સિજનની જરૂર હોય છે અને આ પદાર્થ ઓક્સિજનને અટકાવી દે છે, જેથી આગ આગળ ઝડપથી ફેલાતી નથી.
કેવી રીતે કામ કરે છે?
અમેરિકાના કૃષિ અને વનસેવા વિભાગ અનુસાર વિમાન દ્વારા જે ગુલાબી-લાલ રંગનો અગ્નિરોધક પાઉડર છાંટવામાં આવે છે તે આગને ફેલાતી રોકવામાં કારગર હોય છે. તે બળી રહેલા પદાર્થોને ઠંડા કરવાની સાથે સાથે તેની સપાટી પર ચોંટી જાય છે. તેનાથી આગ આગળ ફેલાતી નથી. તે ઓક્સિજનને ઓછો કરી દે છે, જેથી બળવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે કે અટકી જાય છે.
ફાયર રિટાર્ડેન્ટ શું હોય છે?
આ એક એવો પદાર્થ છે જે આગના પ્રસારને ધીમો કરવા, રોકવા અથવા તો તેની તીવ્રતાને ઓછી કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ ફોસ ચેક નામનો અગ્નિ પ્રતિરોધક પદાર્થ છે, જેમાં પાણી સહિત અન્ય પદાર્થ ભેળવવામાં આવે છે. જેમ કે,
એમોનિયમ સલ્ફેટ : જે આગ લાગવા માટેના ઈંધણને ઓછું કરે છે.
પોટેશિયમ સિલિકેટ : દહનશીલતાને ઓછી કરે છે.
બોરેટ્સ : ભીનાશ કરનાર એજન્ટ તરીકે કામ કરે છે.
લિગ્નોસલ્ફોનેટ્સ : લાકડાના ગુંદરમાંથી બનેલી વસ્તુ કે જે ભીનાશ વધારે છે.
જેલિંગ એજન્ટ : આ રિટાર્ડેન્ટને સપાટી પર ચોંટડવામાં મદદ કરે છે.
પર્યાવરણ માટે નુકસાનકારક
તો નથીને!
ગુલાબી રંગના આ પાઉડરમાં જે પ્રકારનાં રસાયણો મેળવવામાં આવે છે તેનાથી પર્યાવરણને થોડું નુકસાન તો જરૂર થાય છે. પાછલાં વર્ષોમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફાયર રિટાર્ડેન્ટ કેમિકલમાં ઝેરીલી ધાતુઓ હોય છે, જે પર્યાવરણને નુકસાન કરે છે.
ગુલાબી રંગનો જ ઉપયોગ કેમ?
આ પાઉડરનો રંગ ગુલાબી હોતો નથી, પરંતુ તેના માટે ગુલાબી કે લાલ ચમકદાર રંગનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે રંગ નાખવાથી આ પદાર્થ જ્યાં પણ નાખવામાં આવ્યો હોય તેની જાણકારી મળી જાય છે, જેથી પાઉડર ક્યાં નાંખ્યો છે અને કેટલો વિસ્તાર સુરક્ષિત થઈ ગયો છે તેની જાણકારી પણ મળી રહે છે. વાસ્તવમાં એક સીધી રેખામાં આ પાઉડરનો વિમાનથી છંટકાવ કરવામાં આવે છે, જેથી આગ તે રેખાથી આગળ વધતી અટકે છે. આમ, તે ખૂબ જ કારગર સાબિત થાય છે.
આગ લાગી હોય ત્યારે આ ફાયર રિટાર્ડેન્ટ કેમિકલને વૃક્ષો પર છાંટવામાં આવે છે. તેમાં એમોનિયમ પોલિફોસ્ફેટ હોવાને કારણે તે સરળતાથી બાષ્પમાં ફેરવાતો નથી અને લાંબો સમય ટકી રહે છે. તેને છાંટવાથી વૃક્ષો પર તેની એક પરત ચડી જાય છે, જેને કારણે ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જાય છે અને વૃક્ષો બળવાથી બચી જાય છે.