પૂતર, હેરી પોટર વિશે ખબર છેને? રોલિંગ સાહિબાની હેરી પોટર સીરિઝની વાર્તાકડી ઉપરથી ફિલ્મોની સીરિઝ બની ગઈ. આ ફિલ્મોમાં જે બાળકલાકારોએ કિરદાર ભજવ્યા એ બહુ જ નાની ઉંમરથી કરોડપતિ થઈ ગયેલા.

આખી દુનિયાની લોકચાહના આ બાળકોને મળી રહી હતી. ડેનિયલ રેડકલીફ અને એમા વોટ્સન સુપરસ્ટાર બની ગયા. મોટા ભાગની કાસ્ટ નાનાં બાળકોની બનેલી. એમાં પણ આખી દુનિયાનું એક્સપોઝર અને અઢળક પૈસો. આવી અભૂતપૂર્વ સફળતાના ફાયદા પણ હોય અને ગેરફાયદા પણ. શું ગેરફાયદો થયો?

2008ની વાત છે. એક્ઝેક્ટ તારીખ કહીએ તો 15 એપ્રિલ, જે એમા વોટ્સનની જન્મતારીખ છે. આ દિવસે એમા વોટ્સનને અઢાર વર્ષ પૂરાં થવાનાં હતાં. એ છોકરી પોતાના મિત્રો સાથે રાતે બાર વાગ્યે જ્યાં પાર્ટી કરવાની હતી ત્યાં પહેલેથી ઢગલાબંધ પાપારાઝી ફોટોગ્રાફર્સ ગોઠવાઈ ગયેલા. રાતના બાર વાગી ગયા હતા અર્થાત્ એમા વોટ્સન અઢાર વર્ષની થઈ ચૂકી હતી. જેવી એમા બહાર નીકળી એવા તરત જ બધા ફોટોગ્રાફર્સ નીચા નમીને એના ફોટોઝ લેવા મંડ્યા. એક ફોટોગ્રાફર તો આખો ઊંધો સૂઈ ગયો ને એમાના સ્કર્ટ નીચેથી ફોટોઝ લેવા મંડ્યો. કેમ? અમેરિકન કાયદા પ્રમાણે કોઈ પણ મીડિયા બાળકોને સેક્સ્યુલાઈઝ કરે એવી તસવીર છાપી શકે નહીં. એમાં હજુ કલાક પહેલાં બાળક હતી અને અચાનક એડલ્ટ થઈ ગઈ એટલે એના ગમે તેવા ફોટોઝ પાડીને છાપવામાં આવે તો કોઈ કાયદાકીય અડચણ નડે નહીં. બર્થડે ઊજવીને પાછી ફરી રહેલી એ નાની છોકરી ઉપર કેવી અસર થઈ હશે તેની કલ્પના આપણે કરી શકીએ, વિરાટવાચકો?

ઉંમર શું છે? કોઈ સમજી શક્યું નથી. એક્ઝેક્ટ કઈ ક્ષણ પછી માણસ બાળકમાંથી બાળક મટીને વયસ્ક બની જાય છે? જિંદગીમાં એવી કોઈ ક્ષણ આવતી હોય છે ખરી, જે પાર કર્યા પછી મોટા હોવાનું લેબલ વાગી જાય? હા, સરકારે અમુક કામ માટે અઢાર વર્ષ અને અમુક હક્કો માટે એકવીસ વર્ષ જેવી વયમર્યાદા બાંધી છે, પણ એ તો કરોડોની જનતા માટે એકસરખો નિયમ રાખવો પડે. કાયદો તો એકસમાન હોય, પણ એના કારણે ઘણા કિસ્સાઓમાં કે મોટાભાગે તર્ક ચૂકી જવાય છે, અન્યાય થાય છે અને કોમન સેન્સને કોરાણે મૂકી દેવાય છે.

હમણાં સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે પોસ્કોના કાયદાની ફેરવિચારણા કરો. પોસ્કો એટલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ. આ કાયદા મુજબ અઢાર વર્ષથી નાના છોકરા એકબીજાની સહમતી/સંમતિ સાથે રતિક્રીડા કરે અને પછી છોકરીનાં મા-બાપ ફરિયાદ કરે તો કસૂરવાર છોકરો ઠરે. અમુક કેસમાં તો છોકરીના આગ્રહથી જ સેક્સ સંબંધો બંધાયા હોય, પણ છોકરાને બળાત્કારી ઘોષિત કરવામાં આવ્યો હોય. કેમ? કારણ કે બને નાબાલિગ છે. છોકરી કોર્ટમાં એવું કહે કે મારી મરજીથી અમે બંને સેક્સ્યુઅલ એક્ટીવિટીમાં જોડાયાં હતાં તો પણ છોકરીના વાલીઓની ફરિયાદના બેઝ ઉપર આ કાયદા મુજબ છોકરાને સજા થઈ શકે. આવી રીતે છોકરાને સજા કરવામાં આવી પણ છે. આ તે ક્યાંનો ન્યાય? છોકરાના વાલી છોકરી ઉપર ફરિયાદ કરી શકે છે ખરાં?

આ કાયદો વર્ષો જૂનો તો છે જ, પણ એની અંદર રહેલું કહેવાતું લોજિક સદીઓ જૂનું છે. રોમિયો અને જુલિયટની ઉંમર શું હતી? ચૌદ અને તેર વર્ષ. ચાલો, આ તો ફિક્શનલ પાત્રો થયાં. અસલી જિંદગીમાં સિનારિયો શું છે? અસલ જિંદગીમાં એ સ્થિતિ છે કે હવે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતી છોકરીઓને પણ મેન્સ્ટ્રુએશન સાઇકલ શરૂ થઈ જાય છે. દસમા ધોરણમાં આવે એ પહેલાં છોકરાઓને મૂછનો દોરો ફૂટી જાય છે. (છોકરા કે છોકરીઓ પ્યૂબર્ટી હિટ કરે કે નહીં, પણ તે લોકોના માથાના વાળ સફેદ બહુ પહેલાંથી થવા માંડે છે. આ હકીકત છે ને અલગ સમસ્યા પણ છે.)

મેડિકલ સાયન્સ મુજબ પાંચ કે સાત વર્ષની ઉંમર ધરાવતા છોકરાને ઉત્થાન થાય એમા કોઈ જ નવાઈ નથી. આપણે ત્યાં બાળ લગ્નોની સદીઓ જૂની (કુ) પ્રથા હતી. સારું થયું કે એ બંધ થઈ પણ તેનો બેઝ એ જ હતો કે બાળકો બાળક હોય તે અવસ્થાથી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ જતા હોય છે. (શારીરિક આવેગો અનુભવતા બાળકોને બાળકો નહીં પણ મોટા કહેવાય આ પણ જડસુ માન્યતા છે.) આપણે ત્યાં ડાલામથ્થા સિંહને ભગાડતી બહાદુર ચારણકન્યા પણ ચૌદ વર્ષની હોય છે. ટૂંકમાં, પરાક્રમો કરવા માટે કે યુદ્ધે લડવા માટે અઢાર વર્ષ સુધીની રાહ જોવી પડતી નથી. તો આ જ પ્રવૃત્તિમાં કેમ એવો દુરાગ્રહ?

એનો અર્થ એ હરગીઝ નથી કે લગ્ન પહેલાં અને સ્કૂલ દરમિયાન કે કોલેજમાં આવતાંવેંત સેક્સ કરવું જોઈએ કે આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ. ના. પણ બાળકોને રિલેશનશીપ પાર્ટનર શોધવાનો હક્ક છે. કાયદો (કે સમાજ) એને એની મરજી વિરુદ્ધ બાંધી નહીં શકે. ફાર્મસી ચલાવતા કોઈ મિત્રને પૂછી શકો કે તેની દુકાનમાં કોન્ડોમ લેવા કેવડા નાના ટેણીયા આવતા હોય છે. આપણને બધાને ખબર છે કે લગભગ બધા કેસમાં પહેલો પ્રેમ નિષ્ફળ પુરવાર થાય છે. છોકરો આખી જિંદગી એનો પહેલો પ્રેમ કે પહેલો ક્રશ ભૂલી શકવાનો નથી. છોકરી ચપટી વગાડીને મુવ ઓન કરી શકે છે. ઘણા કેસમાં દિલ પર પથ્થર રાખવાની પણ જરૂર પડતી નથી. પણ પોસ્કો જેવા કાયદાના દુરુપયોગ મોટેરાઓ બહુ કરે છે. ખાસ કરીને આંતરજ્ઞાતિય લગ્ન જેવા કેસમાં. મા બાપની જે તે છોકરામાં આગળ વધવાની ઈચ્છા ન હોય એટલે પોતાની પોયરી પાસે ધરાર ખોટુ બોલાવડાવે અને પછી પેલા છોકરાની કરીઅર કે શિક્ષણ જ નહીં પણ આખી જિંદગી બગડી જાય.

દિલ્હીના બસમાં થયેલા નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસમાં જે છોકરો સૌથી વધુ ઘાતકી હતો એ તો થોડા મહિનામાં છૂટી જ ગયો ને. કારણ કે એ અઢાર વર્ષથી નાનો હતો. હવે આ કાયદાની કોઈ સેન્સ બને છે? આવા જઘન્ય અપરાધ માફ કારણ કે કોઈને હજુ અઢારનું થવામાં ચંદ મહિનાઓની વાર છે. ત્યાં સુધી એ કંઈ પણ કરી શકે?

બાળકોને છુટા મુકો. સેક્સ એજ્યુકેશન આપો. તેના શરીરમાં અનુભવાતા ફેરફારો વિશે ફક્ત ઘરમાં જ નહીં પણ આખા ક્લાસમાં પણ ચર્ચા થાય તે ઇચ્છનીય છે. જાગૃતિ વધશે તો ગુનાઓનું પ્રમાણ ઘટશે કે વધતું અટકશે. કાયદાની આડ લઈને થતા અન્યાય ઘટશે. ગમે તેવા બંધનો લાદવામાં આવશે, બાળકોને જે કરવું છે તે છુપા રસ્તે પણ કરશે જ. પણ એના મિત્ર બનીને આવી બધી વાત તેની સાથે કરવામાં આવશે તો તેને પોતાને એકલું નહીં લાગે. એક સશક્ત સમાજનું નિર્માણ કરવા માટે સમાજના છોકરાઓને ડેટિંગ કરવાનો ને પોતાની મરજી મુજબના લગ્ન કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ કે નહીં?