આજકાલ કૂલ શબ્દ નવી જનરેશનમાં ખૂબ પોપ્યુલર છે. તેઓ પોતે કૂલ હોય કે ન હોય, પરંતુ એની આજુબાજુના લોકો કુલ અને ચીલ હોય એવી એમની અપેક્ષા હંમેશાં રહે છે. આ કૂલ હોવું એટલે શું? સાદી ભાષામાં શાંત, મધુરભાષી, શિસ્તપ્રય, વિવેકી અને સમજદાર હોવું.
જોકે, નવી પેઢી બી કૂલને અનેક અર્થમાં લે છે. કૂલનો મતલબ શું છે. It's coll to be different just be who you are and shauck people in a good way.
કૂલ બનવું એ સન્માનનીય અને પ્રશંસનીય હોય તો એ દિશામાં આપણે પણ પ્રયત્ન કરી શકીએને? કૂલ હોવું એટલે પોતે જેવા છે તેવા એનો સ્વીકાર અને ખુદને પ્યાર. બોલો, આપણાંમાંથી કેટલા આપણા બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વને સ્વીકારીને અફસોસ, ગીલ્ટ કે ફરિયાદથી મુક્ત છીએ? કૂલનેસ એટલે ખુદને જોવાની આપણી દૃષ્ટિ. અગર આપણે અલગ છીએ, ફેશનેબલ છીએ કે સાદા છીએ, કાળા છીએ કે જાડા છીએ એના માટે કોઇ નિરાશા નહીં. છતાં વ્યક્તિત્વમાં એવું કશું હોય છે જેના માટે અન્ય લોકો પ્રાઉડ ફીલ કરે. કૂલનેસમાં કપડાં કે લુક માટે બેફિકરાઇ હોય, પણ લઘરવધરપણું ન હોય, સ્વભાવમાં એટિટ્યૂડ ન હોય, પરંતુ સેલ્ફ રિસ્પેક્ટ જરૂર હોય.
માનવ સ્વભાવની સૌથી મોટી નબળાઇ એ પોતે કંઇક છે અને એ પોતે જ સાચો છે એવો એનો ભ્રમ. આવા ભ્રમમાં બીજાની અલગ, પરંતુ સારી અને સાચી વાત સાંભળતો નથી અને એને સન્માન પણ નથી આપતો. અગર આપણે કૂલ બનવું છે તો પોતાનો જ કક્કો ખરો કરવાને બદલે બીજાના અભિપ્રાયનું સન્માન કરો, કારણ કે આપણે બધા જુદા જુદા વાતાવરણ અને જુદા જુદા સામાજિક-આર્થિક બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ. એથી અમુક બાબતો પ્રત્યે પ્રેમ અને અમુક બાબતો પ્રત્યે અણગમા જેવી માનવ સહજ ભાવના બીજાની અવગણનાનું કારણ ન બને એ સમભાવ કૂલ વ્યક્તિમાં હોય છે.
વ્યક્તિને કૂલ બનાવતી ત્રીજી બાબત છે તમે તમારી જાત પર હસી શકો છો અને ખામીઓને સ્વીકારી શકો છો. વધારે પડતી ગંભીર વ્યક્તિ ખુદને નુકસાન કરે છે અને વાતાવરણને ક્યાં તો યુદ્ધનું મેદાન બનાવશે ક્યાં તો શોકસભા બનાવશે. ઘણી વ્યક્તિઓને લડવાની અને રડવાની જ ટેવ હોય છે, પરંતુ આજના કોમ્પિટિટિવ સમયમાં આ બે બાબત સિવાયની ત્રીજી અગત્યની બાબત છે હસવાની, પ્રશ્નો અને વ્યક્તિ પજવે ત્યારે સેન્સ ઓફ હ્યુમર કેળવવાની. આ દુનિયામાં કોઇ પરફેક્ટ નથી. દિવસમાં તમને મળનાર અથવા તો તમારી સાથે જેને નિસ્બત છે એવી દસમાંથી આઠ વ્યક્તિ કોઇ ને કોઇ ભૂલ કરશે. અગર એ બાબતે અકળાશો કે દુઃખી થશો તો મે બી કામ બગડશે. સો ભૂલો, ખામીઓ અને સમસ્યાઓ પર થોડું હસતાં શીખીએ, એ જીવનની મોજ છીનવી લે એટલી હદે એને બોજ ન ગણીએ.
ચોથા ક્રમે આવે છે ગુડ મેનર્સ. ઉદ્ધત, અવિવેકી અને અભિમાની વ્યક્તિ કોઇને ગમતી નથી. મેનર્સ એ કોઇ બિગ એક્શન નથી, પરંતુ એવી નાની-નાની રીતભાત છે, જે બીજાના હૃદય પર ઊંડી છાપ પાડે છે. જેમ કે, કોઇને હેલ્પફુલ થવું, કૃતજ્ઞતા બતાવવી, નમ્રતાથી બીજાની વાત સ્વીકારવી. કોઇના ઘરે જઇએ ત્યારે ગિફ્ટ લઇને જવું કે નિશ્ચિત સમયે પોતાનું કામ પૂરું કરવું. આ પોઝિટિવ ચેષ્ટા વ્યક્તિત્વને અન્યથી અલગ પાડે છે.
કૂલ હોવાની પાંચમી નિશાની છે નોલેજ. આજે જ્યારે નોલેજ એ જ પાવર છે ત્યારે માણસ પાસે દેશ અને દુનિયાની ગતિવિધિ, રાજકારણ, સ્પોર્ટ્સ, મ્યુઝિક, મૂવી, ફેશન, આર્ટ વગેરેનું નોલેજ હોવું જોઇએ. પોતાના રસ સિવાયના વિષયોનું નોલેજ હોય તો આત્મવિશ્વાસથી દરેક સ્તરની વ્યક્તિ સાથે કમ્યુનિકેટ કરી શકાય છે.
અને છેલ્લે કૂલ વ્યક્તિ થોડી રહસ્યમય હોય છે. એ પોતાની દરેક વાતો ખુલ્લી નથી મૂકતી, પરંતુ સમયાંતરે સરપ્રાઇઝ આપી જાહેર કરે છે અને મળનારને એના વિશે જાણવાની ઉત્સુકતા રહે એવું એમનું વ્યક્તિત્વ હોય છે. સીધી અને સ્પષ્ટ ભાષામાં કહીએ તો બીઇંગ કૂલ એટલે...
ખુદ પર કંટ્રોલ કરવો. કોઇ પણ વસ્તુ અંગે ડેસ્પરેટ ન થવું. પોતે નીડી છે એવું દર્શાવવું નહીં.
જેવા છે તેવા રહેવાનો મતલબ કે પોતાની ખામીઓ પર પણ ઢાંકપિછોડો ન કરવો. કોઇ તમને સ્વીકારે કે ન સ્વીકારે એની ઝાઝી પરવા ન કરવી.
કૂલ વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, મહત્ત્વાકાંક્ષા, ધ્યેય, નિષ્ફળતા, સફળતા, ડર, ગમા-અણગમાને સારી રીતે જાણે છે અને ખૂબીપૂર્વક અભિવ્યક્ત કરે છે.
કૂલ વ્યક્તિ ફ્રેન્ડલી હોય છે. બીજાની વાત સાંભળે છે, જાણે છે, પરંતુ વધારે પડતી જિજ્ઞાસા નથી દાખવતી અને જરૂર વગર કોઇનામાં ઇન્ટરફિયર પણ નથી કરતી.
કૂલ વ્યક્તિ સારી કમ્યુનિકેટર હોય છે. બીજાની વાત સમજવી અને પોતાની વાત સમજાવવાની એક કલા હોય છે. તેઓ ખુદ ખરાબ નથી દેખાતા અને બીજા ખરાબ દેખાય એવું વર્તન પણ નથી કરતા.
એમનું સેન્સ ઓફ હ્યુમર અને થિંકિંગ લેવલ અલગ હોય છે.
