- સૂર્યોદયના થોડા સમય પહેલાં અર્થાત્ બ્રહ્મમુહૂર્તમાં જોવા મળેલાં સ્વપ્નોનું ફળ દસ દિવસમાં મળે છે
- રાત્રિના પહેલા પ્રહરમાં જોવા મળેલાં સ્વપ્નનું ફળ એક વર્ષ પછી, બીજા પ્રહરમાં જોયેલા સ્વપ્નનું ફળ છ મહિના પછી મળે છે
સદીઓથી મનુષ્યોમાં સ્વપ્નો પ્રત્યે વિશેષ રસ જોવા મળ્યો છે. આપણાં વેદ-પુરાણોમાં પણ સ્વપ્નો વિશે ઘણું વર્ણન જોવા મળે છે. અગ્નિપુરાણમાં સ્વપ્ન વિચાર અને શુકન-અપશુકન પર વિચાર કરવામાં આવ્યો છે. આપણા ઋષિ-મુનિઓ અનુસાર સ્વપ્નોનું આવવું એ ઈશ્વરની શક્તિનું વરદાન છે અને નિદ્રાની ચતુર્થ અવસ્થા અથવા રાત્રિના છેલ્લા પ્રહરમાં આવેલાં સ્વપ્ન વ્યક્તિને ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનો પૂર્વાભાસ કરાવે છે.
સ્વપ્નાંનો સંસાર અદ્ભુત અને ચમત્કારી છે. નિદ્રામાં વ્યક્તિ જેની કલ્પના પણ જાગ્રત અવસ્થામાં નથી કરી શકતી તે પણ તે સ્વપ્નમાં કરી શકે છે. આપણા મસ્તિષ્કને દિવસભર જે સિગ્નલ મળે છે અને ભાવનાઓ જાગ્રત થાય છે તેને આપણે ઈચ્છવા છતાં પણ પ્રગટ કરી શકતા નથી. તે આપણા અચેતન મનમાં રહે છે અને જ્યારે રાત્રે શરીર આરામ કરી રહ્યું હોય છે ત્યારે તે સ્વપ્નના સ્વરૂપમાં પ્રગટ થાય છે.
સ્વપ્નમાં ઘોડા જોવાથી બીમારી ઝડપથી દૂર થાય છે
સ્વપ્નના પ્રકાર
સ્વપ્નશાસ્ત્ર અનુસાર સ્વપ્ન દૈવિક, શુભ, અશુભ અને મિશ્રિત એમ ચાર પ્રકારનાં હોય છે.
- દૈવિક ને શુભ સ્વપ્ન કાર્યસિદ્ધિની સૂચના આપે છે.
- અશુભ સ્વપ્ન કાર્યની અસફળતા સૂચવે છે.
- મિશ્રિત સ્વપ્ન મિશ્ર ફળદાયક હોય છે.
સૂર્યોદયના થોડા સમય પહેલાં અર્થાત્ બ્રહ્મમુહૂર્તમાં જોવા મળેલાં સ્વપ્નોનું ફળ દસ દિવસમાં મળે છે. રાત્રિના પહેલા પ્રહરમાં જોવા મળેલાં સ્વપ્નનું ફળ એક વર્ષ પછી, બીજા પ્રહરમાં જોયેલા સ્વપ્નનું ફળ છ મહિના પછી મળે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ ખરાબ સ્વપ્ન જોઈને આંખ ખૂલી જાય તો પોતાના આરાધ્યનું ધ્યાન કરીને પાણી પી લેવું જોઈએ. ત્યારબાદ સૂવું નહીં. એવું પણ કહેવાય છે કે દિવસે જોવા મળનારાં સ્વપ્ન નિષ્ફળ હોય છે.
સ્વપ્નોનું ફળ
જ્યોતિષશાસ્ત્ર તથા અનેક પુરાણો અને સંહિતા ગ્રંથોમાં સ્વપ્નોનાં શુભાશુભ ફળનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. અનેક વાર સ્વપ્નના માધ્યમથી આપણને ભવિષ્યમાં ઘટનારી શુભ અથવા અશુભ ઘટનાના સંકેત મળે છે.
અશુભ ફળદાયક સ્વપ્ન
- જો તમે સ્વપ્નમાં તૂટેલું હથિયાર જુઓ તો તેનું ફળ અશુભ છે અર્થાત્ જીવનસાથી મળવામાં વિલંબ થશે.
- સ્વપ્નમાં ગધેડાની ચીસ સાંભળવા મળે તો દુ:ખ આવી પડવાનો સંકેત સમજવો. વ્યક્તિને કોઈ પણ પ્રકારની વિપત્તિ કે કષ્ટ આવવાની શક્યતા રહે છે.
- સાપ સ્વપ્નમાં જોવા મળે તો ચોક્કસ કાલસર્પ યોગ કુંડળીમાં હશે. સાપને પોતાની તરફ આવતો જોઈને ગભરાઈ જવું. પાણી પર તરતો સાપ જોવા મળવો, સાપને ઊડતો જોવો, સાપનાં જોડાંને હાથ-પગ પર લપેટાયેલા જોવું વગેરે કુંડળીમાં કાલસર્પ યોગ હોવાનાં પ્રતીક હોય છે.
- જો સ્વપ્નમાં કોઈ વ્યક્તિ પોતાને ચોખા (ભાત) ખાતાં જુએ તો તે વ્યક્તિને અલગઅલગ ઘણી નિષ્ફળતાઓ મળશે. સ્વપ્નમાં ચોખા જોવા મળે તો વ્યક્તિને અથાક મહેનત કરવા છતાં પણ ઓછું ધન મળે છે.
- કોઈ વ્યક્તિ સ્વપ્નમાં ખોટું ચાંદી મળ્યું હોય તેવું જુએ તો નજીકના ભવિષ્યમાં ધનહાનિ થઈ શકે છે. ઘરની સુખ-સમૃદ્ધિ ખરાબ રીતે પ્રભાવિત થશે. જો તે વ્યક્તિ વેપાર કરતી હોય તો તેને નુકસાન ભોગવવું પડે છે.
- સ્વપ્નમાં વ્યક્તિ પોતાને ચાંદી ઓગાળતી જુએ તો તેને પોતાના લોકોથી જ નુકસાન થઈ શકે છે. મિત્રો સાથે વેર થવાની શક્યતા રહે છે. ચિંતાઓ અને દુ:ખમાં વધારો થાય છે.
- જેને સ્વપ્નમાં ચાંદીની ખાણ જોવા મળે તેને બદનામીનો સામનો કરવો પડે છે. તેથી આવું સ્વપ્ન જોનારે સાવધાન રહેવું જોઈએ.
- સ્વપ્નમાં વ્યક્તિ પોતાને રોટલી બનાવતા જુએ તો તેને કોઈ રોગ થવાની શક્યતા રહે છે.
- વર્તમાનમાં તમે કોઈ યુવતીને પ્રેમ કરતા હો અને રાત્રે સ્વપ્નમાં તમે જુઓ કે ભાલૂ તમારી સામે ઊભું છે તો સંબંધોમાં ગરબડ થઈ શકે છે. તેનું અશુભ ફળ તમને મળશે. સ્વપ્નમાં ભાલૂ જોવું એ વાતની સૂચના આપે છે કે તમારી પ્રેમિકા પર બીજો કોઈ યુવક નજર રાખી રહ્યો છે અને તમારી પ્રેમિકા પણ તેની તરફ આકર્ષાઈ રહી છે જે તમારા માટે જરાય શુભ નથી.
- સ્વપ્નમાં દેવતાઓ, પિશાચો અને વિકરાળ રાક્ષસો, નર્કનાં દૃશ્યો અને બરફવર્ષા થતી જોવી અશુભ માનવામાં આવી છે.
અશુભ સ્વપ્નના ઉપાય
- જો તમને સતત ખરાબ કે અશુભ સ્વપ્નો જોવા મળી રહ્યાં હોય તો તેનાં અશુભ ફળથી બચવા માટે નીચેના ઉપાયો લાભકારક સાબિત થશે.
- ખરાબ સ્વપ્ન જોયા પછી વ્યક્તિ ઊભી થઈને ફરીથી સૂઈ જાય અથવા રાત્રે જ પોતાનું સ્વપ્ન કોઈને જણાવી દે તો ખરાબ સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય છે.
- અશુભ સ્વપ્ન જોયા પછી સવારે વહેલા ઊઠીને ભગવાન શંકરને નમસ્કાર કરીને સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય તે માટે પ્રાર્થના કરવી અને તુલસીના છોડમાં જળ સીંચવું. ત્યારબાદ તુલસીજીને તે સ્વપ્ન કહેવું. તેનાથી ખરાબ સ્વપ્નનું ફળ નષ્ટ થઈ જાય છે.
- પોતાના ઈષ્ટદેવ અથવા ગુરુનું સ્મરણ કરવાથી પણ અશુભ સ્વપ્નનું અશુભ તત્ત્વ નષ્ટ થઈ જાય છે.
- ધર્મશાસ્ત્રો અનુસાર રાત્રે સૂતી વખતે પોતાના આરાધ્યનું સ્મરણ કરવાથી ખરાબ સ્વપ્નો આવતાં નથી.
- યોગશાસ્ત્ર અનુસાર પ્રાણાયામ, સંમોહન, ધ્યાન, યોગ, જલનેતિ અને નિયમિત યોગાસનો કે કસરત કરવાથી ખરાબ સ્વપ્નો આવતાં નથી.