શીબા ધોરણ આઠમાં અને અરુણ ધોરણ દસમાં હતો. બંને વચ્ચે બે વર્ષનું અંતર હોવા છતાં ગાઢ મિત્રતા હતી. તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. જેથી શીબા ઘણીવાર અરુણને ફોન પણ કરતી હતી, જે બાબતે અમે શીબાને ઠપકો પણ આપ્યો હતો
દુનિયામાં કેટલાક પ્રેમ સફળ થતા હોય છે, તો કેટલાક નિષ્ફળ પણ થતા હોય છે. તો ક્યારેક પ્રેમનો કરુણ અંજામ આવતો હોય છે. અલબત્ત, પ્રેમનો અંત લોહિયાળ અને જાનલેવા પણ સાબિત થતો હોય છે. આમ તો પ્રેમમાં જાન દેવાની વાત થતી હોય છે, પણ પ્રેમમાં જ પ્રેમિકાની જાન લઇ લેવી એ કેટલી હદે યોગ્ય છે! પ્રસ્તુત સત્યઘટનામાં છોકરો-છોકરી એકબીજાને ગળાડૂબ પ્રેમ કરે છે, પરંતુ એવું તો શું બન્યું કે જે છોકરી વિના છોકરો એક પળ પણ રહી શકતો નહોતો, તેણે જે તે છોકરીનું મર્ડર કરી નાખ્યું. મર્ડર કરવાનું માત્ર એક જ કારણ હતું કે પ્રેમિકા તેને લગ્ન માટે દબાણ કરતી હતી. આ સમગ્ર ઘટના યુપી અને લખનૌ આસપાસની છે.
31 જુલાઇના રોજ યુપીના લખનૌની પાસે અડીને બહરાઇજ નામે એક નાનો જિલ્લો છે. અહીં પોલીસના હોશ ત્યારે ઊડી જાય છે જ્યારે તેમને નજીકની ઝાડીઓમાં માથા કાપેલી અર્ધનગ્ન હાલતમાં એક છોકરીની લાશ મળે છે. પોલીસ માટે આ તપાસનો વિષય બની જાય છે કે, આ લાશ કોની છે અને કોણે આ છોકરીનું મર્ડર કર્યું હશે?
ઝાડીઓમાં મળેલી લાશ કોની છે?
જિલ્લાની જાંબાઝ અને હોશિયાર એસપી વૃન્દા શુક્લાએ આ મર્ડર કેસની તપાસ પોલીસ ટીમના વધુ કાબેલ પોલીસ અધિકારી હર્ષિતા તિવારીના હાથ નીચે એક સ્પેશિયલ ટીમની રચના કરીને કરી. તેમની ટીમ હવે મર્ડરની તપાસ કરવા તાબડતોબ કામે લાગી જાય છે. આ ટીમ પોતાના જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યમાં ગુમ થયેલી છોકરીઓની તપાસ કરવામાં લાગી જાય છે. કઇ છોકરી ક્યાંથી અને કેટલા વાગે ગાયબ થઇ છે તેની પણ તપાસ તેઓ કરે છે. જોકે, તેમાં તેમને જોઇએ એવી સફળતા મળતી નથી. તેમ છતાં તે બીજા દિવસે પણ વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરે છે અને લાશ કોની છે તે જાણવા લાશની પણ વિશેષ તપાસ કરે છે. લાશની ઝીણવટભરી તપાસ કરતાં તેમને જાણ થાય છે કે લાશના પગે કાળો દોરો બાંધેલો છે. એક માન્યતા પ્રમાણે કાળા દોરાથી નજર નથી લાગતી, તેથી કેટલીક છોકરીઓ પગમાં કાળો દોરો બાંધતી હોય છે.
પગમાં કાળો દોરો બાંધેલો હોવાથી છોકરી કોણ છે એ જાણી શકાયું
હવે પોલીસ તમામ ગુમ થયેલી છોકરીઓની ફાઇલ ફંફોસે છે ત્યારે તેમને અચાનક એક એવી ફરિયાદ મળે છે, જેમાં ફરિયાદીએ જણાવ્યું હોય છે કે, ગુમ થનારના જમણા પગે કાળો દોરો બાંધેલો હતો. આ ફરિયાદ 22 જુલાઇના એક મિસિંગ રિપોર્ટમાં હોય છે. આ વાંચતાં જ પોલીસને મગજમાં સ્પાર્ક થાય છે કે, તેમને જે લાશ મળી હતી તેના જમણા પગમાં પણ કાળો દોરો જ હોય છે. તેથી પોલીસનો શક મજબૂત થાય છે અને લાશ શીબાની જ છે તેમ સાબિત થાય છે. પોલીસે આ બાબતે તપાસ કરી તો તેમના ધ્યાને આવ્યું કે, બહરાઇજના રૂપઇડીહા વિસ્તારના જમોગ ગામમાં રહેતા હશમત અલીએ પોતાની ભાણી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે શીબા તારીખ 21 જુલાઇથી ગુમ છે અને લાશ 31 જુલાઇના રોજ નાનપારાની ઝાડીઓમાંથી મળી હતી અને આ લાશ અર્ધનગ્ન હાલતમાં હતી.
શીબા-અરુણની લવ સ્ટોરી
પોલીસને જે લાશ મળી હતી તેનું માથું ગાયબ હતું. જોકે, પગમાં બાંધેલા કાળા દોરાને કારણે અને સામાન્ય કદકાઠીને લઇને શીબાનાં મામા-મામીએ અને પરિવારજનો એ લાશને ઓળખી નાખી હતી. શીબાના મામાએ પોલીસને શીબા અને અરુણની લવ સ્ટોરી વિશે વિગતવાર જણાવ્યું હતું. શીબાના મામાએ જણાવ્યું હતું કે, તેમના જ ગામ જમોગની પાસેના ગામમાં અરુણ નામે એક છોકરો રહેતો હતો, જે શીબા સાથે જ સ્કૂલમાં ભણતો હતો. જોકે, શીબા ધોરણ આઠમાં અને અરુણ ધોરણ દસમાં હતો. બંને વચ્ચે બે વર્ષનું અંતર હોવા છતાં ગાઢ મિત્રતા હતી. તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. જેથી શીબા ઘણીવાર અરુણને ફોન પણ કરતી હતી, જે બાબતે અમે શીબાને ઠપકો પણ આપ્યો હતો, પરંતુ શીબા માનતી જ ન હતી. એકવાર અમે બંને જણાને એક જગ્યાએ ઝડપી પાડ્યાં હતાં અને અમે બંને જણાને માર મારીને બરાબરના ધમકાવ્યાં હતાં.
શીબા અરુણને બેપનાહ પ્રેમ કરતી હતી
શીબાનાં મામા-મામીની વાત સાંભળીને પોલીસ ટીમને અણસાર આવી જ ગયો હતો કે આ મર્ડર કેસમાં અરુણનો જ હાથ હોઇ શકે છે, કારણ કે શીબાનાં મામા-મામીએ પણ અરુણ પર શક હોવાનું જણાવ્યું હતું. હવે પોલીસ અરુણના ઘરે તો જાય છે, પરંતુ તેને પોલીસ આવવાની જાણ થતાં જ તે ઘરથી ક્યાંક દૂર નાસી જાય છે. જોકે, પોલીસના બાતમીદારોએ અરુણ ક્યાં છે તે જાણી લેતાં તેની ધરપકડ કરાઇ હતી. ધરપકડ કર્યા બાદ પોલીસ જેવી અરુણ પર દમ મારીને શીબા વિશે પૂછે છે ત્યારે તે પોપટની જેમ પટપટ બોલી નાખે છે.
અરુણે શીબાનું ખૂન કર્યું છે તે સ્વીકાર્યું
અરુણે પોલીસને આખી ઘટના જણાવી દીધી. અરુણે પોલીસને જણાવ્યું કે શીબાના મર્ડરમાં મારી સાથે મારો મિત્ર પણ સામેલ હતો. તેણે એમ પણ જણાવ્યું કે અમે બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. છેલ્લા એકાદ વર્ષથી જ અમે એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં અને દોસ્તીમાંથી અમે પ્રેમ તરફ વળી ગયાં. હું પણ મારા મામાને ઘરે જ રહેતો હતો. ત્યારબાદ હું મારા ગામની નજીક એક મેડિકલ સ્ટોર પર કામે લાગી ગયો હતો જ્યા શીબા પણ મને મળવા આવતી હતી. જોકે, મારાં લગ્ન બીજે નક્કી થવાનાં હતાં એટલે હું શીબાથી અંતર જાળવતો હતો, પણ શીબા મને મારી સાથે જ લગ્ન કરવા દબાણ કરતી હતી. મને એ નહોતું સમજાતું કે આમાંથી છુટકારો કેમ મેળવું? મારો અને શીબાનો ધર્મ અલગ હોવાથી પણ અમારાં લગ્ન શક્ય નહોતાં. શીબા ગમેતેમ કરીને મારી સાથે લગ્ન કરવા મજબૂર કરતી હતી, તેથી હું ગમેતેમ તેનાથી છૂટવા માંગતો હતો. વધુમાં તેના ઘરવાળાએ મને ખૂબ જ માર્યો હતો તેની દાઝ પણ મારામાં હતી. તેથી મારે હવે શીબા નામનો કાંટો દૂર જ કરવો હતો. મેં તેના માટે એક પ્લાન ઘડ્યો હતો.
અરુણ શીબાને બાઇક પર બેસાડી ઝાડીઓમાં લઇ ગયો હતો
પોતાની ઘટનાને અંજામ આપવા અરુણે તેના એક મિત્ર કુલદીપ વિશ્વકર્માનો સંપર્ક સાધ્યો હતો.
અરુણ અને કુલદીપે મળીને શીબાને 22 જુલાઇના રોજ સંદીપ જયસ્વાલના ભઠ્ઠા પર બોલાવી અને શીબા ખુશીથી ત્યાં ગઈ. ત્યારબાદ તેને બાઇક પર બેસાડીને ગામથી દૂર ઝાડીઓમાં શીબાનું ગળું દબાવીને ત્યાં જ મારી નાખવામાં આવી. ત્યારબાદ શીબાનું ગળું અને હાથ કાપી દેવામાં આવ્યા. જે માટે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉપરાંત તેને અર્ધનગ્ન પણ કરી દેવામાં આવે છે, જેથી તેની ઓળખ સાબિત ન થાય. કાપેલા હાથ અને માથું સાથે તેનાં કપડાં નહેરમાં ફેંકી દેવાય છે. અરુણ તેનો ફોન પણ નહેરમાં ફેંકી દે છે અને જાણે કંઇ જ બન્યું ન હોય તેમ તે ઘરે પરત ફરી જાય છે. જોકે, પોલીસને તે લાશ મળી જતાં મર્ડર મિસ્ટ્રી સોલ્વ થઇ જાય છે. એસપી વૃન્દા શુક્લાએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન બંને આરોપીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા છે અને હજી વધુ તપાસ હાથ ધરાઇ છે.
DNA તપાસ કરવાથી શીબાનો રાઝ ખૂલશે
હજુ પણ પોલીસ આ મર્ડર મિસ્ટ્રીને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે. આમ તો શીબાની ઓળખ થઇ ગઇ છે, પરંતુ કોર્ટમાં નક્કર પુરાવા આપવા માટે પોલીસ હવે યુવતીની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની મદદ લેશે. જોકે, પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે પોલીસ ડીએનએની તપાસ કેમ અને શું કામ કરશે? સ્વાભાવિક છે ડીએનએ દ્વારા વધુ સબૂત એકત્ર કરી શકાય છે. બહરાઇજ પોલીસ સૌથી પહેલાં લાશનાં કપડાં અને શબના કેટલાક નમૂના અથવા તો કાપેલી લાશ એકત્ર કરશે અને ઘટનાસ્થળથી ધૂળના કણો, વાળ સિવાય આસપાસના નમૂના પણ એકઠા કરી તેની ફોરન્સિક અને અન્ય તપાસ પણ કરાવશે. આ સિવાય લોહીનાં નિશાન (બ્લડ સ્ટેન), નમૂના પણ લઇ શકે છે. અલબત્ત, આ બ્લડ સ્ટેન દ્વારા શીબાના પરિવારજનોની ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવી શકે છે. જેનાથી આરોપ સાબિત કરવામાં વિશેષ મદદ મળશે. આમ, કરવાનું મુખ્ય કારણ એ છે કે, જો શીબાનું માથું ના મળે તો આ ડીએનએથી કોર્ટમાં સાબિત કરી શકાય છે કે જેની હત્યા થઇ છે તે વ્યક્તિ શીબા જ હતી.










