• સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવવા માટે છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો શ્રેયકર માનવામાં આવે છે

એવું કહેવાય છે કે શિવના નેત્રમાંથી ટપકેલાં અશ્રુબુંદોમાંથી રુદ્રાક્ષનો ઉદ્ભવ થયો હતો. તેમાં આપણી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવાની ક્ષમતા છે. એવી માન્યતા છે કે રુદ્રાક્ષ જેટલો નાનો હોય તેટલો જ વધારે પ્રભાવશાળી પણ હોય છે. તે સફળતા, ધન-સંપત્તિ અને માન-સન્માન મેળવી આપવામાં મદદરૂપ હોય છે. તે રોગમાંથી મુક્તિ અપાવે છે. રુદ્રાક્ષ ઇચ્છાઓ પૂરી કરે છે, પરંતુ કેવી ઇચ્છા પૂરી કરવા કેવો રુદ્રાક્ષ ધારણ કરવો તે જાણવું જરૂરી છે.

જોકે, રુદ્રાક્ષ સાથે કેટલાક નિયમો પણ જોડાયેલા છે. જેને બહુ ઓછા લોકો જાણે છે. રુદ્રાક્ષની જે માળાથી જાપ કરવામાં આવે છે તેને ગળામાં ધારણ ન કરી શકાય. રુદ્રાક્ષને શુભ મુહૂર્તમાં ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષને ક્યારેય વીંટીમાં ન જડવો જોઈએ. જે લોકો રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો ધ્યાનમાં રાખીને રુદ્રાક્ષને ધારણ કરે છે તેનાં બધાં જ કષ્ટ દૂર થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે. જે ઘરમાં રુદ્રાક્ષની પૂજા થાય છે, તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. રુદ્રાક્ષ ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે. કેવા પ્રકારનો ફાયદો મેળવવા કેટલાં મુખવાળો રુદ્રાક્ષ ધારણ કરવો તે જાણીએ.

  • એક મુખી રુદ્રાક્ષ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી ધન તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે અશુભ ફળોમાંથી મુક્તિ પણ અપાવે છે.
  • બે મુખી રુદ્રાક્ષને અર્ધનારીશ્વર સ્વરૂપ કહેવામાં આવ્યો છે, જે શિવ અને પાર્વતીનું જ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી માન-સન્માન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનાથી અનેક પ્રકારના રોગ પણ દૂર થાય છે.
  • ત્રણ મુખી રુદ્રાક્ષને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. વિદ્યાપ્રાપ્તિ માટે તેને ધારણ કરવો શ્રેષ્ઠ મનાય છે. એવું કહેવાય છે કે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.
  • ચાર મુખી રુદ્રાક્ષને બ્રહ્માજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે આ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
  • પંચ મુખી રુદ્રાક્ષ સારા સ્વાસ્થ્ય, દુ:ખ, તકલીફ દૂર કરવા માટે ધારણ કરવામાં આવે છે. લિવરની સમસ્યાથી પીડાતા લોકો પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો લાભ થાય છે.
  • છ મુખી રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું સ્વરૂપ માનવામાં આવે છે. સમસ્ત પાપોમાંથી મુક્તિ મેળવવા માટે છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો શ્રેયકર માનવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે પર નિયંત્રણ માટે તેને ઉત્તમ માનવામાં આવે છે. તે આત્મશક્તિમાં પણ વૃદ્ધિ કરે છે.
  • સાત મુખી રુદ્રાક્ષ ઐશ્વર્યમાં વૃદ્ધિ કરે છે. મૃત્યુ સમાન કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે તે વ્યક્તિએ સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
  • આઠ મુખી રુદ્રાક્ષને ભગવાન ગણેશ અને બટુક ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે. લાંબા આયુષ્યની કામના માટે તેને ધારણ કરવો શ્રેયકર માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. સાથે સાથે જીવનમાં આવનારી અડચણો પણ દૂર થાય છે.
  • નવ મુખી રુદ્રાક્ષને ભૈરવ તથા ભગવતી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેને યમનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. તેને ધારણ કરવાથી વ્યક્તિમાં વીરતા, સાહસ, સહનશીલતા અને પરાક્રમ જેવા ગુણોમાં વૃદ્ધિ થાય છે.
  • દસ મુખી રુદ્રાક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સંતાનપ્રાપ્તિની કામના રાખનારા લોકો દસ મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો ચોક્કસ લાભ થાય છે. તે બધી બાધાઓ દૂર કરીને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે.
  • અગિયાર મુખી રુદ્રાક્ષને સાક્ષાત્ રુદ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષને ધારણ કરનારા જે પણ કાર્ય કરે છે તેમાં તેને ચોક્કસ સફળતા અને વિજય મળે છે.
  • બાર મુખી રુદ્રાક્ષને બધી જ બાધાઓ દૂર કરનારો માનવામાં આવે છે. ઘણા અસાધ્ય રોગોમાં તે લાભદાયક છે. સૂર્યજનિત રોગોને દૂર કરવા માટે તેને ધારણ કરવામાં આવે છે.
  • તેર મુખી રુદ્રાક્ષને ઈન્દ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. તે ધન-સંપત્તિ, સૌભાગ્ય અને કામનાઓ પૂરી કરે છે.
  • ચૌદ મુખી રુદ્રાક્ષને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તે બધાં જ પાપોનો નાશ કરનાર અને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનાર આરોગ્યદાયક માનવામાં આવે છે.
  • Follow us on: