સવારનો ઊઘડતો પહોર હતો. નવશેકું વાતાવરણ જીવમાત્રને હૂંફની ફૂંક મારી રહ્યું હતું આવા સમયે પ્રભાત નીકળ્યો હતો. પોતે ગામનો સરકારી કારભારી હોવાથી સરપંચના ઘરે અવારનવાર જવાનું થયા કરતું હતું. તેમાં ગઈ ધુળેટીના દિવસે કોઈ કામ નિમિત્તે પ્રભાત તેની ડેલીમાં પ્રવેશી રહ્યો હતો.

 ત્યાં હાથમાં કેસૂડાના રંગનો વાટકો ભરીને ઊભેલી કેસર એમ સમજી કે દિયર આવ્યો છે તે ઝટ રોળી દઉં, પણ સામે પ્રભાત હતો. હાથ ક્ષણભર અટક્યો ને પછી રંગની છાલક ખુદને ભીતરથી રંગી ગઇ. બંને આંખો ફાડી એકબીજાને જોઈ રહ્યાં હતાં ને કદાચ પહેલીવાર જ આમ મનભરી એકબીજાને જોયાં હતાં. આ દોહ્યલું દૃશ્ય હાજર હતાં તે સભ્યોની નજરના કેમેરામાં કેદ થઇ ગયું હતું, પણ ભૂલ સમજી ધ્યાને ધર્યું નહોતું. પછીથી મોટા ખોરડે પ્રભાતની નાની-મોટી અવરજવર વધી ગઈ હતી. જાહેરમાં વાત ન થાય તો મોબાઈલથી વાત કરી લેતાં થયાં હતાં ને પછી તો વાત છૂટાછેડા લઇ લગ્ન કરી લેવાં ત્યાં સુધી પહોંચી ગઈ હતી.

પ્રભાત જ નહીં, જગત સમજતું હતું અહીંના માયાળુ મનેખ રીઝે તો જીવ દઇ દે ને ખીજે તો જીવ લઈ લે, વચ્ચેનો કોઈ વિકલ્પ જ નહિ. હૈયાંની હોળીને લોહિયાળ થતાં સહેજ પણ વાર લાગે નહીં. બંને જાણે છે, સમજે છે, પણ દિલની આગ, બાગમાં કે હાથમાં રહી નહોતી.

કોઈએ પ્રભાતને આવીને કહ્યું હતું: `સરપંચ આપને બોલાવે છે.' પ્રભાતને થયું, ચાલો સીધું જ કેસરને મળી શકાશે. તે ઝડપથી ડેલીમાં પ્રવેશ્યો હતો. કેસર માથે ઓઢી ઓસરીની કોર પર ઊભી હતી.

સરપંચે સહેજ ખોંખારો ખાઇને કહ્યું હતું: `મંત્રીસા'બને પાણી આપો.' પછી ઉમેર્યું હતું: `પાછાં ભૂલથી રંગ છાંટી નો દેતાં!' કેસરને હોળી જેવી ઝાળ લાગી જતાં ભડભડ સળગવા લાગી હતી. મનોમન ગાંઠ વાળી લીધી: `હવે તો થાય તે કરી લે, બાકી ભૂલ કોને કહેવાય તે હવે કરી બતાવીશ.'

કેસરને હાડોહાડ લાગી ગયું. તેના અસ્તિત્વના પાયામાં ઘા પડ્યો હતો. સ્વમાન ઘવાયું હતું.

આ પ્રેમપ્રકરણ કુટુંબની આબરૂનો સવાલ બનીને ઊભો રહ્યો હતો. કરવું શું? ઘર-પરિવાર માટે ચિંતાનો વિષય થઇ પડ્યો હતો. અહીંની રીત મુજબ સીધો ને સરળ એક જ રસ્તો હતો કે, પ્રભાતનો કાંટો કાઢી નાખી લાશ સગેવગે કરી દેવી. ન રહે બાંસ કે ન બજે બાંસુરી, પણ આમ કર્યા પછી કેસર ચૂપ રહેશે તેની કોઈ ગેરંટી નહોતી, તેથી લાજ અને લક્ષ્મી બંને ખોવાં કુટુંબ તૈયાર નહોતું. તો પછી આનો ઉપાય શું? સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ હતી. પણ ગામના મુખીએ મારગ શોધી લીધો હતો. તેમણે આવાં તો કેટલાંય કોઠાંકબાડાં કરી લીધાં હતાં, તેથી તેમણે સરપંચને કાનમાં ફૂંક મારી બરાબર સમજાવી દીધા હતા.

કેસરને એક અલાયદા ઓરડામાં બોલાવીને સરપંચે જ સીધી વાત કરતાં કહ્યું હતું: `બેટા! સૂરજ છાબડે ઢાંક્યો ઢંકાતો નથી. તમે ભણેલાં ને સમજેલાં છો.' ઘડીભર સન્નાટો છવાઇ ગયો હતો, પણ કેસરને અગાઉથી જ અંદાજ આવી ગયો હતો એટલે અચરજ થયું નહોતું. તે એમ જ અડોલ ને અબોલ ઊભી રહી હતી.

અમને એક સવાલનો જવાબ આપો. સરપંચ ગળું ખંખેરીને બોલ્યા હતા: `આ મંત્રી પ્રભાતમાં એવું શું છે, જે અમારા દીકરામાં નથી!'

એક ઘા ને બે કટકા કરનાર સરપંચને તો કલ્પના પણ નહોતી કે આવું ઢીલું ને વીલું બોલવાના દા'ડા આવશે. જે થાવું હોય તે થાય, પરિણામની કોને પરવા છે. આવું તડ ને ફડ કરી નાખે, પણ ખુદ મુખીએ તેમને નિરાંતે સમજાવ્યા હતા: `ભાઇ, સમય બદલાણો છે ને કોઈ ગોળના પાણીએ મરતું હોય તો ઝેર શું કરવા પાવું જોઈએ!?' આ બાજુ કેસર સમસમી ગઈ હતી.

કેસર પાસે જવાબ હાથવગો નહોતો. પોતાના પતિ વરજાંગમાં શું નથી ને પ્રભાતમાં એવું શું છે? આવી સરખામણી તો ક્યારેય કરી નહોતી. તેને તો એક જ હતું કે, `હું જે ઝંખું છું તે પ્રભાતમાં કે તેની પાસે છે.'

`તો પછી તું શું ઝંખે છે એ કહે?' અંતરમાંથી ઊઠેલા આ સવાલનો જવાબ પણ કેસર પાસે નહોતો.

પછી પ્રભાતને વ્યંગમાં પૂછ્યું હતું: `તમે બંને પરણી જાવાનાં છો એમ જ ને!'

સરપંચે કહ્યું હતું: `મંત્રી, તમને પૂછવું છે કે જે સ્ત્રી આવો હર્યોભર્યો સંસાર તોડી, છોડીને હાલી આવે ઇ બીજે સ્થિર થાય ખરી?' ત્યાં મુખીએ ઉમેરો કરતાં કહ્યું: `ને જે ઇના સંતાનની નો થાય ઇ બીજાની થાય?'

સવાલ પ્રભાતને છાતી સોંસરવો ઊતરીને ફફડાવી ગયો હતો. તે આંખો ફાડી પ્રશ્નાર્થભરી નજરે સરપંચ સામે તાકી રહ્યો હતો. સરપંચે પ્રભાતના ખભા પર હાથ મૂકી સાવ હળવેકથી કહ્યું હતું: `આજે જ નીકળી જાવ ને હવે પરણ્યા વગર્ય પાછાં નો આવતાં.'

ત્રણેય ઊભાં થઈને બહાર આવ્યાં હતાં ત્યારે ચોકમાં ધુળેટીનો તહેવાર બરાબર રંગમાં આવ્યો હતો.