• 7 માર્ચના કલાશૃંગાર ભોગવિલાસના ગ્રહ શુક્ર કુંભમાં અને વેપાર વાણિજ્યના સ્વામી બુધ મીનમાં પ્રવેશ કરી રહ્યા છે

  • જ્યારે સૂર્ય 14 માર્ચે મીનમાં અને સેનાપતિ મંગળ મહારાજ 15 માર્ચના કુંભ રાશિમાં પ્રવેશ કરશે

મેષ (અ. લ. ઈ) : સીધી સરળ વાતથી કાર્ય નહીં બને એ માટે કૂટનીતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે. બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા પડશે. ગુસ્સા પર નિયંત્રણ

રાખી યુક્તિપૂર્વક આગળ વધશો તો કોર્ટ-કચેરી અને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો.

વૃષભ (બ. વ. ઉ) : ગમતી વ્યક્તિ સાથે મુલાકાત થાય. પ્રણયમાર્ગે આગળ વધી શકો. મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે. વિદ્યાર્થીવર્ગને ઉચ્ચ અભ્યાસમાં સારું રહે. બહાર જવા ઇચ્છતા મિત્રો માટે પણ સમય શુભ ગણી શકાય.

મિથુન (ક. છ. ઘ) : તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો. ગાર્ડનિંગથી લઈને ઘરની સજાવટ કરી શકો. નવી વસ્તુ ખરીદી શકો. જમીન-મકાન-વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો. માતાની સેવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય.

કર્ક (ડ. હ) : કેટલાંક અટકેલાં કાર્યો મિત્રોની મદદથી પૂર્ણ કરી શકો. ગણતરીપૂર્વકના સાહસથી લાભ થશે. નવા કાર્યમાં આગળ વધી શકો. રચનાત્મક કામગીરી કરી શકો. તમારી પ્રતિભાની અને કૌશલ્યની સરાહના થાય. શુભ સમય છે.

સિંહ (મ. ટ) : તમારાં યોગ્ય વાણી-વર્તનથી અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો. સામી વ્યક્તિ પાસેથી કામ લઇ શકો. બેન્ક વીમા વગેરેનાં કાર્ય કરી શકો. આર્થિક બાબતોમાં મધ્યમ રહે. આવકના નવા સ્ત્રોત વિચારી તેના પર અમલ કરી શકો.

કન્યા (પ. ઠ. ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. નવા વિચારોથી લાભ થાય, પરંતુ વાદવિવાદથી દૂર રહેવું જરૂરી છે. કેટલાક હિતશત્રુઓ તમારી પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવવા પ્રયત્ન કરી રહ્યા છે જેની કાળજી લેવી જરૂરી બનશે.

તુલા (ર. ત) : કેટલીક બાબતોમાં તમારું કિસ્મત તમને દૂર લઈ જશે. વતનપ્રીતિ હોવા છતાં ક્યારેક દૂર જવું પડે. જોકે, દૂર દેશથી સારા સમાચાર મળે. નવા સંપર્કો દ્વારા કાર્યસિદ્ધિ થાય. આ સમયમાં તમે અટકેલાં કાર્ય પૂર્ણ કરી તમારી જાતને સાબિત કરી શકો.

વૃશ્ચિક (ન. ય) : વેપારીવર્ગને મધ્યમ રહે. સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક સમય છે. નોકરિયાતવર્ગ તેમના હક માટે અવાજ ઉઠાવી શકે. જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાતો જોવા મળે. નવા વિચારથી મન સારું રહે. પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ. ભ. ફ. ઢ) : વિદ્યાર્થીવર્ગ સારું પરિણામ મેળવી શકે. સ્ત્રીવર્ગ નવી બાબતમાં આગળ વધી શકે. નોકરિયાત વર્ગને ઈચ્છિત કામગીરી મળે. વેપારીવર્ગને લાભ થાય. ધંધા-રોજગારમાં સારું રહે. વિદેશગમનની ઇચ્છા પૂરી થાય. જીવનમાં પ્રગતિ થાય.

મકર (ખ. જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને. ભાગ્યની દેવી રીઝતી જણાય. નવીન તક હાથમાં આવે. ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય. ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય. આધ્યાત્મિક ચિંતન અને સત્સંગથી આનંદ અનુભવાય.

કુંભ (ગ. સ. શ) : ભ્રમની સ્થિતિઓમાંથી હવે બહાર આવવાની જરૂર છે. તમે સત્ય સ્વીકારી બુદ્ધિપૂર્વક આગળ વધશો તો લાભ થશે. બધું મનનું ધાર્યું ન થાય. આ સમયમાં મિશ્ર અનુભવ થઈ શકે છે, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ. ચ. ઝ. થ) : આંતરિક જીવનમાં મધ્યમ રહે, પણ જાહેરજીવનમાં સારું રહે. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય. વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે, પરંતુ મનમાં અવઢવ રહ્યા કરે.


  • Follow us on: