12 જૂનના કલા, શૃંગાર, ભોગ, વિલાસના ગ્રહ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ્યા ત્યારબાદ ગ્રહોના રાજા સૂર્ય 14 જૂનના મિથુનમાં આવશે અને વેપાર-વાણિજ્યના ગ્રહ બુધ પણ 14 જૂનના જ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેથી મિથુન રાશિમાં સૂર્ય-બુધ-શુક્રની યુતિ થશે. રાશિ મુજબ ગ્રહ ગોચરની અસર જોઈએ.


મેષ (અ. લ. ઈ) : આ સમયમાં તમારે નકારાત્મક વિચારોથી દૂરી બનાવવી પડશે અને પ્રયત્નપૂર્વક હકારાત્મક અભિગમ કેળવવો પડશે. આવકમાં મધ્યમ રહે. જોકે, આકસ્મિક લાભ થાય. ધાર્યાં પરિણામ પ્રાપ્ત કરી શકો. પ્રગતિકારક સમય રહે.

વૃષભ (બ. વ. ઉ) : ખોરંભે ચડી ગયેલાં કાર્યમાં આગળ વધી શકો. મિત્રોની મદદ મળી રહે. નોકરિયાતવર્ગને બોસ સાથે સારું રહે. વેપારીવર્ગ માટે પણ સમય શુભ રહે. સ્ત્રીવર્ગ માટે કસોટીજનક સમય ગણી શકાય. વિદ્યાર્થીવર્ગને સારું રહે.

મિથુન (ક. છ. ઘ) : ધર્મ અને કર્મ વચ્ચે તાલમેલ કેળવી શકો. ગુરુવાણીને ગંભીરતાથી લેવી. વડીલોની સલાહથી કાર્યમાં આગળ વધશો તો પ્રગતિ થશે. આ પખવાડિયામાં ભાગ્યોદયની ઘણી તક આવી શકે છે. સક્રિય રહી કાર્ય કરશો તો લાભ થશે.

કર્ક (ડ. હ) : વિલ-વારસા, કોર્ટ કચેરીનાં કાર્યમાં સંભાળવું પડે. કાયદાકીય ગૂંચવણ ઊભી ન થાય તે ખાસ જોવું. જીવનમાં ઘણાં પરિવર્તન એક સાથે જોવા મળે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને તક પ્રાપ્ત થાય. લાગણીશીલ સ્વભાવના લીધે વારંવાર દુઃખ થતું જોવા મળે.

સિંહ (મ. ટ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા મિત્રોને સારું રહે. અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો અને જાહેરજીવનમાં યશ-પ્રતિષ્ઠા મેળવી શકો. ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સફળતા પ્રાપ્ત થાય.

કન્યા (પ. ઠ. ણ) : શારીરિક તકલીફોનો યોગ્ય ઈલાજ મળે. આ સમયમાં હજુ તમારે સ્વાસ્થ્ય બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. ખાવાપીવામાં અને જીવનપદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી બનશે. સમય એકંદરે સારો રહેશે.

તુલા (ર. ત) : આંતરિક ચેતનાનો વિકાસ થાય. ભવિષ્યની બાબતો માટે યોગ્ય આયોજન કરી શકો. સંતાન અંગે સારું રહે. લાગણીના સંબંધોમાં મનની વાત વ્યક્તિ કરી શકો. સગાં, સ્નેહીમિત્રોથી સારું રહે. વિદ્યાર્થીવર્ગ માટે આ સમય ઉજ્જવળ રહે.

વૃશ્ચિક (ન. ય) : નવાં આયોજનો વિચારી શકો. તમારા શોખ માટે સમય કાઢી શકો. જમીન-મકાન-વાહનસુખ સારું રહે. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો. વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે. વેપારીવર્ગને સારું રહે. સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

ધન (ધ. ભ. ફ. ઢ) : આધ્યાત્મિક ચિંતન થાય. મનોમંથન કરી શકો. સત્સંગથી સંશયો દૂર થાય. ભાઈભાંડુ સુખ સારું રહે. મિત્રોની મદદ મળી રહે. અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો. દૈવી સહાય મળે. નવા સંબંધોમાં સારું રહે. યાદગાર ક્ષણો આપતું પખવાડિયું રહે.

મકર (ખ. જ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે. વાણી-વર્તનમાં કાળજી લેવી. સત્ય કહેવાની રીત પણ બદલવી પડે. વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે. અંતરાય દૂર થાય. જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે. એકંદરે શુભ સમય રહે.

કુંભ (ગ. સ. શ. ષ.) : તમે તમારી જાત સાથે રહી શકો. શોખ અને આનંદની બાબતો માટે સમય ફાળવી શકો. જાત સાથે સંવાદ કરી શકો. તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. નવી પ્રતિભા અને કૌશલ્ય પ્રાપ્ત કરી શકો. લોકોની સરાહના પ્રાપ્ત થાય.

મીન (દ. ચ. ઝ. થ) : આ સમયમાં તમારી આવક અને જાવક પર બારીક નજર રાખવી પડશે. નાણાકીય આયોજન કરવું ખૂબ જરૂરી બને. બિનજરૂરી નાણાંનો વ્યય અને સમયનો વ્યય ટાળવો પડશે. પ્રગતિ શરૂ થઇ ગઈ છે, પણ કેટલાંક પરિવર્તન જરૂરી બનશે.


  • Follow us on: