ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મેષ રાશિમાં ઉચ્ચના ચાલી રહ્યા છે જ્યારે 23 એપ્રિલે મંગળ મીનમાં અને 24 એપ્રિલે શુક્ર મહારાજ મેષ રાશિમાં પ્રવેશ કરશે જેથી મંગળ શનિ યુતિ સમાપ્ત થશે જે રાહતની વાત રહેશે! રાશિ મુજબ ગ્રહ ગોચરની અસર જોઈએ તો...


મેષ (અ. લ. ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઇચ્છા પૂરી થાય. જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય. યશ-પ્રતિષ્ઠા મેળવી શકો. સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય. તમે લીધેલા નિર્ણય સમય મુજબ સાચા સાબિત થતા જોવા મળે.

વૃષભ (બ. વ. ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે. મનમાં થોડી અશાંતિ જોવા મળે. બેચેની જેવું લાગ્યા કરે. હિતશત્રુઓથી સાવધ રહેવું પડે. કેટલીક બાબતો તમારે ગુપ્ત રાખવી પડે. તમારી પ્રગતિ વિશે જાહેરમાં ન બોલવું. વધુ પડતા વિશ્વાસે ન ચાલવું.

મિથુન (ક. છ. ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો. સંતાન અંગે સારું રહે. પરિવાર સાથે આનંદ-પ્રમોદ માણી શકો. તમારી અંદરની રચનાત્મક્તાનો લાભ લઈ શકો.

કર્ક (ડ. હ) : જમીન-મકાન-વાહનસુખ સારું રહે. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો. આરામદાયક દિવસ સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ રહે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને માર્ગ ખૂલે. લગ્ન વગેરે શુભ બાબતમાં આગળ વધી શકો.

સિંહ (મ. ટ) : તમારા શોખ માટે સમય ફાળવી શકો. નવા વિચારોથી લાભ થાય. મહેનતના પ્રમાણમાં સારું પરિણામ મળે. આગળ વધવાની તક મળે. મિત્રોની મદદ મળી રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો. ગણતરીપૂર્વક કરેલા પ્રોજેક્ટ અને સાહસમાં લાભ થાય.

કન્યા (પ. ઠ. ણ) : તમારાં સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય. લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો. બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય આયોજન કરી શકો. પૈસા બાબતમાં સારું રહે, પરંતુ આ સમયમાં નાણાં ઉછીનાં આપવાં નહીં.

તુલા (ર. ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. કલા-સંસ્કૃતિમાં રસ લઈ શકો. યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો. કાર્યસિદ્ધિ આપતો સમય. સમાજને તમારી પ્રતિભા દ્વારા કંઈક નવી ભેટ આપી શકો.

વૃશ્ચિક (ન. ય) : ખર્ચ પર અંકુશ રાખવો. બિનજરૂરી નાણાંનો વ્યય ન કરવાની સલાહ છે. પૈસાનું આયોજન કરવું જરૂરી છે. તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય. સિફતથી કામ લેવું. ગુસ્સામાં આવી નિર્ણયો ન કરવાની સલાહ છે.

ધન (ધ. ભ. ફ. ઢ) : સગાં-સ્નેહી-મિત્રોથી સારું રહે. અન્યની મદદથી કાર્ય પૂર્ણ થાય, તમને મળેલી તકને કાર્યમાં રૂપાંતરિત કરવાનો સમય આવી ગયો છે. માત્ર વિચારોથી સફળતા નહીં મળે. હવે તમારે સક્રિય બનવું પડશે તો ગ્રહો સહાય કરશે.

મકર (ખ. જ) : કામકાજમાં સફળતા મળે, યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, નવી ખરીદીમાં લાભ થાય. વેપારીવર્ગને મધ્યમ રહે. નોકરિયાત વર્ગ માટે અનુકૂળ સમય છે. સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે.

કુંભ (ગ. સ. શ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય. પોઝિટિવ વિચારોથી સારું રહે. અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો. ભાગ્યની દેવી રીઝતી જણાય. આ સમયમાં તમે ભૂતકાળમાં કરેલાં સારાં કાર્ય તમારી સહાય કરતાં હોય તેવું જણાય.

મીન (દ. ચ. ઝ. થ) : માનસિક ટેન્શન રહ્યા કરે. કામમાં રૂકાવટ આવતી જોવા મળે. અણધાર્યા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સમય વીતે. વ્યવસાય બાબતે પણ ચિંતા રહ્યા કરે અને કોઈ ને કોઈ બાબતે સતત દોડધામ થતી જોવા મળે.

  • Follow us on: