મમ્મી, આજે મારે પ્રેક્ટિસ માટે જવાનું છે, સાંજે આવતાં મોડું થશે. એવું લાગે તો ફોન કરી દઈશ, આ આખું અઠવાડિયું મને આવતાં મોડું થશે.


`ના બેટા, તને મેં પહેલેથી જ ના પાડી હતી. છોકરીની જાત સમયસર ઘરે આવી જવું સારુ. સાંજે પાંચ વાગ્યે આવી જઈશને?'

`મમ્મી, પાંચ વાગ્યે સ્કૂલ પૂરી થાય, પછી પ્રેક્ટિસ શરૂ થાય. એટલે સાંજે સાત વાગશે. તું ખાવાનું બનાવીને રેડી રાખજે, આવીને ફટાફટ જમીને હોમવર્ક કરી નાખીશ.'

`પણ પપ્પા નહીં માને હોં.'

`તમે લોકો કાયમ જ મારી સાથે આવું કરો છો, કશે પણ જવાની વાત આવે એટલે તું પપ્પાનું નામ દઈને ના પાડે અને પપ્પા તારું નામ દે, હકીકતમાં તમારે મને ના જ પાડવી હોય છે.'

`તને ખબર છે તો પછી દલીલ શું કામ કરે છે?'

ઋત્વી અને એની મમ્મી રીમા વચ્ચે આવી દલીલો વારંવાર થાય. ઋત્વી હોંશથી બધામાં ભાગ લે અને એની મમ્મી એની મદદ તો કરે, પણ સમય બાબતે કોઈ સમાધાન ન કરે. આજે પણ આવી જ કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી, પણ આજે ઋત્વી હાર માનવા તૈયાર નહોતી. એણે તરત સામે દલીલ કરતાં કહ્યું, `તમે ભાઈને કેમ નથી કહેતાં, એ તો બધામાં ભાગ લે છે, રાત્રે મોડો આવે છે. નવરાત્રિમાં પણ એ રાત્રે 12:00 વાગ્યે આવે તો તમે ચલાવી લો છો અને મારે તમારી સાથે જ બધે જવાનું અને આવવાનું. મને કોઈ દિવસ કોઈ છૂટ નહિ મળે અને ભાઈ છોકરો એટલે એને બધી છૂટ? એમ કહોને કે તમને ભાઈ પર ભરોસો છે અને મારા પર અવિશ્વાસ.'

રીમાએ પ્રેમથી એને સમજાવતાં કહ્યું, `એવું ન બોલ બેટા, તારા પર એટલો જ વિશ્વાસ છે જેટલો ભાઈ પર છે, પણ તું છોકરી છે એટલે તારી ચિંતા વધારે રહે, બસ એટલું જ.'તો તમે છોકરા-છોકરી વચ્ચે આ એકવીસમી સદીમાં પણ ભેદ કરશો એમ? મારાં મોમ-ડેડ આટલાં ઓર્થોડોક્સ છે?' ઋત્વી આજે હાર માને એમ નહોતી. છેવટે રીમાએ કહ્યું, `જો બેટા, તું ગમે તેટલી દલીલ કર, સાંજે સમયસર ઘરે આવી જવાનો નિયમ તો નહિ જ બદલાય. આજુબાજુના લોકો તરત આપણી પંચાત કરશે અને એ મારે નથી સાંભળવી.'

ઋત્વી એ ઘડી તો ચૂપ થઈ ગઈ, પણ એ દિવસથી એના મનમાં એનાં મા-બાપ સામે વિદ્રોહનાં અને એના ભાઈ માટે અદેખાઈનાં બીજ વવાઈ ચૂક્યાં. ભવિષ્યમાં એ એનાં મા-બાપનાં બધાં સૂચનનો કારણ વગર વિરોધ કરે એવું બનશે. એના ભાઇનો પક્ષ લઈ એની દોસ્ત નહીં બની શકે બલ્કે એનો ભાઈ હવે એનો હરીફ બની ગયો.

આવી ઘટનાઓ અને ચર્ચાઓ પહેલાંના સમયથી આજ સુધી ચાલી આવે છે. અલબત્ત, કેટલાંક મહાનગરોમાં કે આધુનિક કુટુંબોમાં છોકરીને બધી છૂટ મળે છે, પણ મોટાભાગનાં ઘરોમાં દીકરીઓ માટે નિયમો જુદા જ હોય છે. એનું કારણ મોટાભાગે દીકરીની સુરક્ષા જ હોય છે. મા-બાપને એવી ચિંતા હોય છે કે દીકરી રાત્રે ક્યાંક કોઈ ગુંડા મવાલીના હાથમાં ન આવી જાય. માતા-પિતા તરીકે દીકરીની ચિંતા હોવી એ સ્વાભાવિક છે, પરંતુ એ ચિંતા તમારા વર્તનમાં દેખાવી જોઇએ. તમને દીકરી ઉપર અવિશ્વાસ છે એવું છતું ન થવું જોઇએ.

જમાનો બદલાયો છે, દીકરીઓની સુરક્ષાની ચિંતા વધી છે એ વાત સાચી, પણ સાથે દીકરીઓ માટે અઢળક સંભાવનાઓ અને તકો પણ વધી છે. કોઈ પણ ક્ષેત્રમાં અવ્વલ રહેવા માટે છોકરીઓ પાસે ડિગ્રી ઉપરાંત અનેક ક્ષેત્રનું જ્ઞાન હોય એ જરૂરી છે અને એટલે દીકરીને બધી પ્રવૃત્તિઓમાં જોડાવાની તક આપવી જરૂરી બને છે. દીકરીની ચિંતાના બહાને આ તક તેની પાસેથી છીનવી ન શકાય.

સાંજે કે રાત્રે કોઈ પ્રવૃત્તિ માટે દીકરીને `તું છોકરી છે એટલે નથી જવાનું' એવું સીધું ક્યારેય ન કહેવું, પણ બને એટલી તકેદારી સાથે એને છૂટ આપવી જોઇએ. કોઈ શંકા લાગે તો શિક્ષકો સાથે વાત કરી લેવી. શક્ય હોય તો કોઈક વાર એ સ્થળે જઈને જોઈ પણ શકાય અથવા લેવા મૂકવા જવાની વ્યવસ્થા પણ કરી શકાય. એની સુરક્ષા બાબતે એની સાથે જ ખુલ્લા દિલે ચર્ચા કરી ઉદાહરણો આપીને એ પ્રશ્નોનો ઉકેલ શોધી શકાય. આમ કરવાથી દીકરી સમજશે કે મા-બાપ ભેદભાવ નથી કરતાં અને જુનવાણી પણ નથી. બલ્કે એની ચિંતા કરે છે ત્યારે એ સામી દલીલ કરવાને બદલે કોઈ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે.

સમાજ વાતો કરશે કે લોકો શું કહેશે? એવા કારણસર દીકરીને છૂટ ન મળતી હોય તો એ ખોટું છે. આ માન્યતા મા-બાપે બદલવી જોઈએ, કારણ કે દીકરી સફળ થશે તો એ જ લોકો વખાણ પણ કરશે. જરૂરી એ છે કે દીકરી સમજે કે મા-બાપને એના પર અવિશ્વાસ નથી, ચિંતા છે બસ.

  • Follow us on: