જોતમે આ અખબાર વાંચી શકતા હો, આ પૂર્તિના પાનમાં આ વાક્યો વાંચી શકતા હો તો તેનું શ્રેય મૂળાક્ષરોને જાય છે. મૂળાક્ષરોને કારણે દૂર રહેતી બે વ્યક્તિઓ વચ્ચે પણ જુદાં જુદાં માધ્યમો દ્વારા વાતચીત કે માહિતીનું આદાનપ્રદાન શક્ય બન્યું. મૂળાક્ષરોની શોધ કોઈ એક વ્યક્તિએ નથી કરી, એ તો સમયાંતરે વિકસેલી વિભાવના છે, જેમાં આપણા પૂર્વજોની ઘણી પેઢીઓનું યોગદાન છે.
કાળક્રમે મૂળાક્ષરો બદલાતા ગયા છે. આજે જે તમે કોઈ પણ ભાષાના અને કોઈ પણ લિપિના અક્ષરો જોશો તો માનવું કે આ અક્ષરો થોડાક સો વર્ષ કે થોડા હજારો વર્ષ પહેલાં આવા જ આકારમાં ન હતા. જૂની ગુજરાતી લિપિ કે જે દેવનાગરીમાંથી ઊતરી છે તે તો સામાન્ય માણસ ઉકેલી પણ ન શકે એવી હોય.
તો સવાલ એ થાય કે મૂળાક્ષરો આવ્યા ક્યાંથી? મૂળાક્ષરોનું અવતરણ થવું જોઈએ એવો આઈડિયા જેને પણ આવ્યો હશે એ ક્યાંથી આવ્યો? એક જ કાગળ ઉપર સેંકડો કે હજાર જેટલા એકમો સમાઈ શકે અને તેને વાંચી-ઉકેલીને કંઇક માહિતી મેળવી શકાય એવો વિચાર શેમાંથી આવ્યો હશે? જાણીને આશ્ચર્ય થશે કે મૂળાક્ષરોનો જન્મ ચિત્રમાંથી થયો છે. મોટાં મોટાં ચિત્રોમાંથી નાના નાના મૂળાક્ષરો જન્મ્યા છે. ચિત્રકલા ખૂબ જૂની કળા છે. કદાચ સંગીત અને નૃત્યકળાની સાથે જ આ કળા માનવી અથવા તો આદિમાનવમાં જન્મી હશે. બની શકે કે ચિત્રકળા તેનાથી પણ જૂની હોય. નૃવંશશાસ્ત્રીઓ અને ઈતિહાસકારોમાં આ બાબતે મતમતાંતર થતા રહે છે, પણ આપણા રસનો સવાલ એ છે કે ચિત્રમાંથી તો કઈ રીતે અક્ષરો બની શકે?
શરૂઆતમાં આદિમાનવોની દુનિયામાં આગ અને પૈડાની શોધ થઇ તો તે આદિમાનવ જંગલમાં રહેતો હોવા છતાં તેનામાંથી જંગલીપણું થોડું ઓછું થયું. તેની રઝળપાટ ઘટી અને એક જગ્યાએ સ્થિર થયો. આદિમાનવને કુટુંબ કબીલાનું મહત્ત્વ સમજાયું. આ બધું ત્યારે થયું જ્યારે તે ગુફામાં રહેતો થયો. ગુફામાં વસવાટને કારણે એવું થયું કે ખોરાક બાબતે તે જે અસુરક્ષા અનુભવતો તે ઓછી થઇ ગઈ. ખોરાકનો સંચય થવા માંડ્યો. શાકભાજી, કંદ, ફળફળાદી બધાનો સંગ્રહ થવા માંડ્યો. ગુફામાં આગ પ્રગટાવી શકતો જેથી રાતે પણ જાગતો થયો. હવે તેના જીવનમાં સ્થિરતા આવી એટલે તે ખોરાક સિવાય અને જંગલી પશુઓથી બચવા સિવાયના બીજા વિચારો પણ કરવા લાગ્યો. તેના મગજના વિકાસની ગાડી દોડવા લાગી.
ગુફામાં આગ પ્રગટાવીને રહેતો આદિમાનવ શરૂઆતમાં મેશથી ગુફાની દીવાલ ઉપર આડાઅવળા લીટા કરતો થયો હશે તેવું ઈતિહાસકારોનું માનવું છે. રંગની ઓળખની સમજ પણ તે જ ઘડીથી વધુ ગહેરી બની. જુદા જુદા રંગ હોય અને એકબીજા રંગ ઉપર કંઇક ડિઝાઈન બનાવી શકાય તે વાત તેને સમજાઈ. રંગનો કન્સેપ્ટ ક્લીયર થઇ ગયા પછી, આગ સાથે રમ્યા પછી, અમુક રંગ કુદરતી રીતે બન્યા પછી તેણે કુદરતમાંથી કોપી કરવાનું ચાલુ કર્યું. પોતાનાં બાળકોના જ ચહેરા અગર તો જંગલમાં જોવા મળતાં જંગલી ગોધા કે પ્રાણીઓની આઉટલાઈન જેવી આકૃતિ ગુફાની દીવાલ ઉપર દોરી. ગુફાચિત્રો તરીકે ઓળખાતા આવા નમૂના ઘણા હશે, પણ આપણા હાથમાં બહુ ઓછા લાગ્યા છે.
આ ચિત્રો પરથી ચિત્રલિપિની શરૂઆત થઇ. જ્યારે ચિત્રોની સંખ્યા બહુ જ વધવા લાગી અને આદિમાનવ `ચિત્રકલા'માં નિષ્ણાત થઇ ગયો ત્યારે એકબીજા સાથે વાત કરવા માટે કે થયેલી વાતનું આલેખન કરવા માટે એવા સાધનની જરૂર પડી કે જે કરેલી વાતને સાચવી શકે. એવું સાધન એટલે ઝાડની છાલ અથવા મોટું પાંદડું, જેની ઉપર રંગોથી ચીતરડા થઇ શકતા હતા, પણ તેની ઉપર દોરવું અથવા તો લખવું શું? એટલે એ પોતાની આસપાસની જુદી જુદી વસ્તુઓ માટે, પોતાના પરિવારના સભ્યો માટે, પોતાને રોજબરોજમાં ખપ હોય તેવી બાબતો માટે સાવ નાની સાઈઝનાં ચિત્રો દોરવા લાગ્યો. કોઈ એકને અથવા એક કરતાં વધુ મનુષ્યોને આવો વિચાર આવ્યો હશે અને આખા કબીલાએ તેને અનુસરવાનું ચાલુ કરી દીધું હશે. આ રીતે આદિમાનવમાંથી માનવ બનવા તરફની યાત્રા શરૂ થઇ, કારણ કે લખવાનો એટલે કે મૂળાક્ષરોનો આરંભ થઇ ચૂક્યો હતો. ચિત્રલિપિ સૌથી પહેલાં મૂળાક્ષરો ધરાવતી.
આશરે પાંચ હજાર વર્ષો પહેલાં વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક સુમેરિયન સંસ્કૃતિના લોકો પાસે જગતની સર્વપ્રથમ ચિત્રલિપિ હતી એવું સંશોધનો પરથી જાણવા મળ્યું છે. તેમણે દરેક બાબત, અર્થછાયા, વસ્તુ કે પરિવારના સંબંધીઓ માટે એક પ્રતીકરૂપે સિમ્બોલ બનાવી, એક ચોક્કસ અક્ષર નક્કી કરતા અને પછી કાયમ એ જ ચલાવતા. દરેક વિભાવના માટે બનાવેલા પ્રતીકાત્મક ચિત્રને પિક્ટોગ્રાફ કહેવાતું. શરૂઆતમાં આવા અક્ષરો ભીની માટીના ઠરી ગયેલા કદક ઉપર દોરવામાં આવતા. સ્વાભાવિક છે કે ઝાડની ડાળીની સળી કે મજબૂત પાંદડાની દાંડીના છેલ્લા ભાગનો બોલપેનની જેમ ઉપયોગ થયો હશે અને માટી ઉપર પહેલા અક્ષર મંડાયા હશે. આ પ્રકારની લિપિને `ક્યુનીફોર્મ' કહેવામાં આવતી.
ઈજિપ્તમાં પણ આવા જ સમયગાળા દરમિયાન ચિત્રલિપિ એટલે કે પિક્ટોગ્રાફનો આવિષ્કાર થયો હશે એવો અંદાજ છે. ઈજિપ્તની લિપિ હેયરોગ્લાફ તરીકે ઓળખાય છે. તેમાંથી ધીમે ધીમે આજના જેવા અક્ષરોની રચના થવા માંડી. તેની સાથે સાથે જ આવા દરેક મૂળાક્ષર માટે એક ચોક્કસ અવાજ નક્કી કરવાનું શરૂ થઇ ગયું, જેથી દરેક મૂળાક્ષરને એક ચોક્કસ `સાઉન્ડ' મળ્યો. હવે અક્ષરોને વાંચવા અને મોટેથી બોલવાનું સુગમ બન્યું. ઈજિપ્તની હીરોગ્લાયફિક ભાષામાં તે સમયના મહાપુરુષોનું વર્ણન પિરામિડની દીવાલો કે કિલ્લાની દીવાલો ઉપર જોવા મળે છે.
આજે એટલી કલ્પના કરો કે કક્કો-બારાખડી ન હોત તો? એબીસીડી જેવા આલ્ફાબેટ આપણી વચ્ચે જ ન હોત તો? અહીં સુધી આપણે પહોંચી શક્યા હોત? કમ્પ્યૂટર શોધાયાં હોત? પુસ્તકો બન્યાં હોત? દૂરદરાજના વિસ્તારોમાં રહેતા બે અજાણ્યા માણસો કોઈ એક માધ્યમ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હોત?
