• બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડના વીસ અધ્યાયમાં મંગળાચરણ પછી સૌતિ-શુકસંવાદ છે

ભગવાન શિવને આપણે ભોલેનાથ તરીકે ઓળખીએ છીએ, કારણ કે તેમની શરણમાં જે જાય તેની તેઓ રક્ષા કરે છે. તેની તકલીફો દૂર કરે છે. ભલેને પછી તેમની શરણમાં જનારો કોઈ રાક્ષસ જ કેમ ન હોય. એક વખત એવું જ બન્યું, બે અસુરો માલી અને સુમાલી પોતાની તકલીફ લઈને મહાદેવના શરણમાં પહોંચ્યા અને પછી એવી ઘટના બની કે જેની તેમની ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ બે અસુરોની તકલીફ દૂર કરવા માટે ભગવાન શિવે સૂર્યનારાયણ પર શસ્ત્ર થકી પ્રહાર કર્યો હતો. ભગવાન શિવના ક્રોધનો સૂર્યદેવ શિકાર બન્યા હતા. ભગવાન શિવે તેમના શસ્ત્ર ત્રિશૂલથી પ્રહાર કરી લીધો હતો. જેનાથી સંપૂર્ણ સૃષ્ટિ અંધકારમય બની ગઈ હતી. આ સમગ્ર કથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિગતવાર વર્ણવવામાં આવી છે.

ભારતનાં અઢાર પુરાણોમાંનું દસમું પુરાણ બ્રહ્મવૈવર્ત પુરાણ છે. આ પુરાણને દેવી ભાગવત સાતમા, ભાગવત અને કૂર્મપુરાણ નવમા ક્રમે હોવાનું ગણાવે છે. આ પુરાણનું નામાભિધાન બ્રહ્મમાંથી વિવર્ત રૂપે થયેલા બ્રહ્માંડ કે સૃષ્ટિરચનાનું સૂચન કરે છે. વિષ્ણુપુરાણ, માર્કંડેયપુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણમાં બ્રહ્મવૈવર્ત પુરાણની શ્લોકસંખ્યા મળતી નથી પરંતુ શિવમહાપુરાણ, દેવી ભાગવત, ભાગવત, નારદીય, મત્સ્ય અને બ્રહ્મવૈવર્ત પુરાણની અનુક્રમણિકા અનુસાર બ્રહ્મવૈવર્ત પુરાણમાં અંદાજે 18,000 શ્લોક છે. બ્રહ્મવૈવર્ત પુરાણ બ્રહ્મ-ખંડ, પ્રકૃતિ-ખંડ, ગણેશ-ખંડ અને શ્રીકૃષ્ણજન્મ-ખંડ નામે ચાર ખંડોમાં વિભક્ત છે. વર્તમાન બ્રહ્મવૈવર્ત પુરાણ ભિન્ન છે. આદિ બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રીકૃષ્ણનું બ્રહ્મરૂપે વિવર્તન અભિપ્રેત છે.

બ્રહ્મવૈવર્ત પુરાણના બ્રહ્મ ખંડના વીસ અધ્યાયમાં મંગળાચરણ પછી સૌતિ-શુકસંવાદ છે. બ્રહ્મના વિવર્તરૂપે સૃષ્ટિનું નિરૂપણ કર્યું. શ્રીકૃષ્ણના દેહમાંથી નારાયણાદિનો પ્રાદુર્ભાવ, શ્રીકૃષ્ણનું સ્વત: સવિત્રાદિ સ્વરૂપે આવિર્ભૂત થવું, બ્રહ્માંડની ઉત્પત્તિ, મહાવરાહનો પ્રાદુર્ભાવ, કાલસ્વરૂપ, રાસમંડપ, રાધાની ઉત્પત્તિ, રાધાકૃષ્ણના દેહમાં ગોપી-ગોપ વગેરેનો આવિર્ભાવ, શિવાદિને વાહન-પ્રદાન, ગુહ્યકાદિની ઉત્પત્તિ, શ્રીકૃષ્ણનું શિવને વરદાન, શિવનામ નિરુક્તિ, સૃષ્ટિ માટે બ્રહ્માનો નિયોગ, બ્રહ્મસર્ગ, કાશ્યપિ સૃષ્ટિ, ધરાથી મંગળની ઉત્પત્તિ, વિષ્ણુનું ચંદ્રને વરદાન, જાતિનિર્ણય, ઘૃતાચી-વિશ્વકર્મા પ્રસંગ, નારદજન્મ, માલાવતી-કાલપુરુષ પ્રસંગ, નારદવૃત્તાંત, કૃષ્ણતંત્ર, ભક્ષ્યાભક્ષ્યનિર્ણય વગેરે આ ખંડના વર્ણ્ય વિષયો છે. તેમાંની જ એક ઓછી જાણીતી કથા અસુરોની રક્ષાકાજે જ્યારે ભગવાન શિવે સૂર્યદેવ પર પ્રહાર કર્યો તેની છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, અસુર માલી અને સુમાલીને ગંભીર શારીરિક પીડા હતી, સૂર્યદેવની ગરમીને કારણે તેમને મુક્તિ નહોતી મળતી. તેથી જ તેમણે બંનેએ ભગવાન શિવની શરણમાં જવાનો નિર્ણય કર્યો હતો. અને બંનેએ ભગવાન શિવની સામે તેમની પીડા વ્યક્ત કરી અને તેમની પીડાનું કારણ સૂર્યદેવ ગરમી છે તેમ ભગવાન શિવને જણાવ્યું હતું.

અસુર માલી અને સુમાલીની દુર્દશા સાંભળીને ભગવાન શિવ વ્યાકુળ થઈ ગયા, જેના કારણે તેઓ ક્રોધિત થઈ ગયા. તેમણે તરત જ પોતાનું દિવ્ય અસ્ત્ર ત્રિશૂળ ઉગામી સૂર્યદેવ પર ત્રિશૂળ વડે પ્રહાર કર્યો. ભગવાન શિવના પ્રહારો કોણ સહન કરી શકે? ત્રિશૂળના પ્રહારથી ભગવાન સૂર્યનો રથ પણ ડગમગી ગયો અને સૂર્યદેવ ઈજાગ્રસ્ત થયા અને થોડી ક્ષણો માટે બેભાન થઈ ગયા અને તેના લીધે સમગ્ર સૃષ્ટિ અંધકારમય બની ગઈ.

સૂર્યદેવ ઋષિ કશ્યપના પુત્ર છે. જ્યારે કશ્યપ ઋષિને બ્રહ્માંડમાં અંધકાર ફેલાઈ જવાનું કારણ અને ભગવાન શિવના હુમલાની જાણ થઈ ત્યારે તેઓ અત્યંત ગુસ્સે ભરાઈ ગયા અને તેમણે ભગવાન શિવને શાપ આપી દીધો કે `તમારા કાર્યને લીધે તમારા પુત્રને પણ દુઃખ ભોગવવું પડશે.' કહેવાય છે કે પુત્રનું દુઃખ જોઈ ન શકનાર કશ્યપ ઋષિએ આપેલા શાપને કારણે જ ભગવાન શિવે અજાણતા જ ગણેશનું માથું કાપી નાખ્યું હતું.

બીજી બાજુ, જ્યારે શિવનો ક્રોધ થમી ગયો, ત્યારે તેમણે જોયું કે, સૂર્ય ભગવાનની ગેરહાજરીમાં સમગ્ર વિશ્વ અંધકારમય થઈ ચૂક્યું છે. જે બાદ મહાદેવે પોતાના તપોબળથી સૂર્ય ભગવાનને નવજીવન આપ્યું. જ્યારે સૂર્ય ભગવાનની ચેતના પાછી આવી ત્યારે તેને પિતાના શાપની જાણ થઈ. આથી તેઓ પણ દુઃખી થયા. સૂર્યદેવના દુઃખનું નિવારણ લાવવા માટે બ્રહ્માજી તેમની સમક્ષ ગયા અને સૂર્યદેવને દુઃખ વ્યક્ત ન કરવા સમજાવ્યા. જે બાદ ભગવાન શિવ, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને તેમના પિતા કશ્યપ ઋષિએ સૂર્યદેવને આશીર્વાદ આપ્યા. ત્યારે સૂર્ય ભગવાને પોતાના રથ પર ફરી વખત સવાર થઈને બ્રહ્માંડને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું હતું.

બીજી બાજુ સૂર્યદેવનો તેજસ્વી પ્રકાશ ફરી એક વખત બ્રહ્માંડમાં વ્યાપ્ત થવા લાગતાં ભગવાન શિવના શરણે ગયેલા અસુરો માલી અને સુમાલીને ફરી વખત દાહ ઊપડવા લાગ્યો જેના લીધે તેઓ ફરીથી પીડામાં ગરકાવ થઈ ગયા. ફરી વખત સૂર્યદેવના તેજથી બચવા માટે આ વખતે અસુરો માલી અને સુમાલી પિતામહ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજીએ બંને અસુરોને દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્ય ઉપાસનાનું મહત્ત્વ સમજાવ્યું. જે બાદ બંને અસુરો નિયમ પ્રમાણે સૂર્યદેવની પૂજા કરી, જેના કારણે સૂર્ય ભગવાન પ્રસન્ન થયા અને બંનેને રોગોથી મુક્ત કર્યા હતા અને તેમનો દાહ પણ શાંત થઈ ગયો હતો.

  • Follow us on: