- શ્રીરામે પૂછ્યું, હનુમાન! તમારી પૂંછડી સાથે બંધાયેલ આ વ્યક્તિ કોણ છે? તેને પણ આપ બંધનમુક્ત કરો
રામભક્ત હનુમાનજી ચિરંજીવી છે. આ સતહે જ તેઓ બાળબ્રહ્મચારી પણ ખરા. તેમ છતાંય કેટલીક પૌરાણિક કથાઓમાં હનુમાનજીને એક પુત્ર હોવાનું પણ જાણવા મળે છે અને એ પુત્રનું નામ મકરધ્વજ કહેવાયું છે.
મકરધ્વજ ભગવાન શ્રી રામના મહાન ભક્ત હનુમાનના પુત્ર હતા. હનુમાન બ્રહ્મચારી હોવા છતાં એક પુત્રના પિતા કઈ રીતે બન્યા તે વાર્તા ખરેખર રોચક છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા ગયા હતા ત્યારે રાવણ પુત્ર મેઘનાદ દ્વારા હનુમાનજીને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. એ પછી હનુમાનજીએ સમગ્ર સોનાની લંકાને આગ લગાડી દીધી હતી.
પૌરાણિક કથાઓ અનુસાર લંકાદહન કર્યા બાદ તીવ્ર ગરમીથી પરેશાન અને પોતાની પૂંછડીમાં લાગેલી આગને ઓલવવા માટે હનુમાનજી સમુદ્રમાં કૂદી પડ્યા. આ વખતે તેમના પરસેવાનું એક ટીપું પાણીમાં પડ્યું કે જેને માછલીએ પીધું જેના કારણે તે માછલી ગર્ભવતી થઈ ગઈ. જે બાદ આ માછલીમાંથી મકરધ્વજનો જન્મ થયો. મકરધ્વજ પણ મહાબલી હનુમાન જેવો જ શક્તિશાળી અને અત્યંત તેજસ્વી હતો.
પવનપુત્ર હનુમાન બાળબ્રહ્મચારી હતા, પરંતુ મકરધ્વજ તેમના પુત્ર હોવાનું કહેવાય છે. `વાલ્મીકિ રામાયણ' અનુસાર લંકાદહન કરતી વખતે હનુમાનજીને અગ્નિના તાપને કારણે ઘણો પરસેવો થઈ રહ્યો હતો, તેથી લંકા બાળ્યા પછી જ્યારે તેઓ તેમની પૂંછડીની આગ ઓલવવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા ત્યારે તેમના શરીરમાંથી પરસેવાનું એક મોટું ટીપું સમુદ્રમાં પડ્યું. તે સમયે એક મોટી માછલીએ તેને ખોરાક માનીને તે ટીપું ગળી લીધું. તે ટીપું તેના પેટમાં ગયું અને શરીરમાં ફેરવાઈ ગયું. એક દિવસ પાતાળલોકના રાક્ષસ રાજા અહિરાવણના સેવકોએ તે માછલીને પકડી લીધી. જ્યારે તેઓ તેના પેટને ફાડી રહ્યા હતા, ત્યારે તેમાંથી વાંદરાના આકારનો એક માનવી બહાર આવ્યો. તેઓ તેને અહિરાવણ સમક્ષ લઈ ગયા. અહિરાવણે તેમને પાતાળપુરીના રક્ષક તરીકે નિયુક્ત કર્યા. આ વાનર હનુમાનનો પુત્ર મકરધ્વજના નામથી પ્રખ્યાત થયો.
જ્યારે રામ-રાવણ યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે રાવણના આદેશ મુજબ એક વખત અહિરાવણે છળકપટ કરીને ભગવાન રામ અને લક્ષ્મણનું અપહરણ કર્યું અને તેમને પાતાળ પુરી લઈ ગયો. ભગવાન રામના અપહરણને કારણે વાનરસેના ગભરાઈ ગઈ અને તેમનું મનોબળ તૂટી ગયું, પરંતુ વિભીષણે આ રહસ્ય હનુમાનને જણાવી દીધું. ત્યારબાદ હનુમાનજી રામ-લક્ષ્મણની મદદ માટે પાતાળપુરી પહોંચ્યા. જ્યારે તેઓએ પાતાળપુરીના દ્વાર પર એક વાનરને જોયો ત્યારે તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે મકરધ્વજને તેનો પરિચય પૂછ્યો. પોતાનો પરિચય આપતા મકરધ્વજે કહ્યું, "હું મકરધ્વજ છું, મહાબલી હનુમાનજીનો પુત્ર અને પાતાલપુરીનો દ્વારપાળ છું.''
મકરધ્વજની વાત સાંભળીને હનુમાનજી ગુસ્સે થયા અને બોલ્યા, "શું કહે છે દુષ્ટ! હું તો બાળબ્રહ્મચારી છું. તો પછી તું મારો પુત્ર કેવી રીતે બની શકે?'' હનુમાનનો પરિચય મળતાં જ મકરધ્વજ તેમનાં ચરણોમાં પડી ગયો અને તેમને પ્રણામ કર્યા પછી તેમની ઉત્પત્તિની વાર્તા કહી. હનુમાનજીએ પણ સ્વીકાર્યું કે તે તેમનો પુત્ર છે, પરંતુ તે માત્ર પોતાના ભગવાન શ્રીરામ અને લક્ષ્મણને લેવા આવ્યો છે તેમ કહીને દરવાજા તરફ આગળ વધતાં જ મકરધ્વજે તેમનો રસ્તો રોકી દીધો અને કહ્યું, "પિતાજી! હું તમારો પુત્ર છું એ વાત સાચી છે, પણ અત્યારે હું મારા રાજાની સેવા કરી રહ્યો છું. તેથી તમે અંદર જઈ શકશો નહીં.''
હનુમાનજીએ મકરધ્વજને ઘણી રીતે સમજાવવાની કોશિશ કરી, પરંતુ તે દરવાજેથી ખસ્યો નહીં. પછી બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. થોડી જ વારમાં હનુમાનજીએ તેને પોતાની પૂંછડીમાં બાંધી લીધો અને પાતાળલોકમાં પ્રવેશ કર્યો . હનુમાનજી સીધા દેવીમંદિર પહોંચ્યા કે જ્યાં અહિરાવણ દેવી સમક્ષ ભગવાન રામ-લક્ષ્મણની બલી આપવાનો હતો. હનુમાનજીને જોઈને ચામુંડાદેવીએ પાતાળલોક છોડી દીધું. ત્યારબાદ હનુમાનજીએ પોતે દેવીનું રૂપ ધારણ કર્યું. થોડા સમય પછી જ્યારે અહિરાવણ ત્યાં આવ્યો અને પ્રાર્થના કર્યા પછી રામ-લક્ષ્મણનું બલિદાન આપવા માટે તલવાર ઊંચી કરી, તરત જ હનુમાનજી ભયંકર ગર્જના સાથે પ્રગટ થયા અને તે જ તલવારથી અહિરાવણનો વધ કર્યો.
હનુમાનજીએ ભગવાન રામ-લક્ષ્મણને બંધનમાંથી મુક્ત કર્યા. ત્યારે શ્રીરામે પૂછ્યું, "હનુમાન! તમારી પૂંછડી સાથે બંધાયેલ આ વ્યક્તિ કોણ છે? તે તમારા જેવો જ દેખાય છે. તેને પણ આપ હવે બંધનમાંથી મુક્ત કરો.'' હનુમાને મકરધ્વજનો પરિચય કરાવીને તેને બંધનમાંથી મુક્ત કર્યો. મકરધ્વજે શ્રીરામ સમક્ષ માથું નમાવ્યું. ત્યારે શ્રીરામે મકરધ્વજને તાજ પહેરાવ્યો અને તેને પાતાળલોકનો રાજા જાહેર કર્યો. પછી કહ્યું કે, ભવિષ્યમાં તેણે તેના પિતાની જેમ બીજાની સેવા કરવી જોઈએ. આ સાંભળીને મકરધ્વજે ત્રણેયને વંદન કર્યા. ત્રણેય તેને આશીર્વાદ આપી ત્યાંથી ચાલ્યા ગયા. આ રીતે મકરધ્વજ હનુમાનના પુત્ર કહેવાયા.