જ્યારે ટીવી પર તમે કોઈ સ્પેસ મિશન સાથે સંકળાયેલા સમાચાર જોતા હો ત્યારે મોટેભાગે તમને એસ્ટ્રોનોટ્સ ઓરેન્જ રંગના સૂટમાં જોવા મળશે જ્યારે સ્પેસ એજન્સિઓ સ્પેસમાંથી એસ્ટ્રોનટ્સની તસવીરો શેર કરે છે ત્યારે એસ્ટ્રોનટ્સ સફેદ રંગના સૂટમાં જોવા મળે છે. એસ્ટ્રોનટ્સ બે અલગ-અલગ રંગના સૂટ કેમ પહેરે છે? ઓરેન્જ અને વ્હાઈટ રંગના સૂટમાં શું ફરક હોય છે?
બંનેના નામ પણ અલગ છે : ઓરેન્જ સ્પેસ સૂટને એડવાન્સ્ડ ક્રૂ એસ્કેપ સૂટ (ACES) કહે છે જ્યારે વ્હાઈટ સ્પેસ સૂટને એકસ્ટ્રાવેહિક્યુલર એક્ટિવિટી સૂટ (EVA) છે. કામને આધારે આ બંને સૂટના નામ રંગ અલગ-અલગ રાખવામાં આવ્યા છે.
ઓરેન્જ સ્પેસ સૂટ
સ્પેસ સૂટના ઓરેન્જ હોવા પાછળનું કારણ જ તેનો રંગ છે. ઓરેન્જ (નારંગી) રંગ વધારે વિઝિબલ હોય છે. ઓરેન્જ કલરનો સૂટ વાસ્તવમાં એન્ટ્રી સૂટ હોય છે. તે કોઈ પણ કલરના લેન્ડસ્કેપમાં પણ સરળતાથી દેખાય આવે છે. ખાસ કરીને નીલા સમુદ્રમાં. એસ્ટ્રોનટ્સ ઓરેન્જ સૂટ લોન્ચિંગના સમયે પહેરે છે. વાસ્તવમાં લોન્ચના સમયે રોકેટ સમુદ્ર પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં ન કરે નારાયણ ને જો કોઈ દુર્ઘટના બને અને એસ્ટ્રોનોટ્સ સમુદ્રમાં પડી જાય તો તેમને સરળતાથી જોઈ શકાય છે, કારણ કે ઓરેન્જ રંગ સરળતાથી સ્પોટ થઈ શકે છે. આ જ કારણ છે કે લોન્ચના સમયે અને સ્પેસમાંથી પૃથ્વી પર પાછા ફરતી વખતે એસ્ટ્રોનટ્સ ઓરેન્જ સૂટ પહેરે છે. આ સૂટમાં દુર્ઘટના થાય તો એસ્ટ્રોનટ્સનો જીવ બચી જાય તે માટે જરૂરી બધી જ વસ્તુઓ હોય છે જેમ કે તેમાં પેરાશૂટ હોય છે અને એક નાનકડી લાઈફ બોટ હોય છે જે પાણીના સંપર્કમાં આવતાની સાથે ખુલી જાય છે. સૂટ કેમ પહેરવો પડે છે?
સ્પેસ સ્ટેશન કે યાનમાંથી સ્પેસમાં જતી વખતે સૂટ પહેરવા પાછળ અનેક કારણો રહેલા છે. સૌથી પહેલું એ કે સ્પેસમાં હવા ન હોવાથી સૂટ વગર ઓક્સિજનના અભાવમાં 15 સેકન્ડમાં જ બેહોશી ને પછી મૃત્યુ થઈ શકે છે. સૌથી ખતરનાક બાબત તો એ છે કે સ્પેસમાં તાપમાન નાટકીય ઢબે બદલાતું રહે છે. જો સૂર્ય સામેની તરફ હોય તો તાપમાન 120 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને જો છાયામાં હો તો તાપમાન તરત જ ગગડીને શૂન્યથી લઈને માઈનસ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં શરીરને બચાવે તેવા સૂટની જરૂર હોય છે જેમાં સ્પેસમાં સર્વાઈવ કરવા માટેની જરૂરી સગવડ હોય. સૂટ ન પહેર્યો હોય તો શરીર સૂર્યના ખતરનાક રેડિએશનના સંપર્કમાં આવે છે. જેનાથી કેન્સર સહિતની બીમારીઓ થઈ શકે છે.
વ્હાઈટ સ્પેસ સૂટ
સ્પેસ વોક દરમિયાન એસ્ટ્રોનટ્સ વ્હાઈટ (સફેદ) રંગનો સૂટ પહેરે છે તેની પાછળ પણ ખાસ કારણો રહેલા છે. વાસ્તવમાં અંતરિક્ષના ઘનઘોર અંધારામાં સફેદ રંગનો સૂટ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સિવાય તે સૂર્યના પ્રકાશમાં ચમકે છે અને તેને રિફલેક્ટ પણ કરે છે. તેને કારણે સ્પેસ વોક દરમિયાન વ્હાઈટ સૂટ પહેરાય છે. આ સૂટમાં એસ્ટ્રોનટ્સને કામ આવે તેવી ઘણી વસ્તુઓ પણ હોય છે. આ સિવાય તે સ્પેસ સૂટને અંતરિક્ષમાં તરી રહેલા એસ્ટ્રોઈડ્સથી પણ બચાવે છે. વ્હાઈટ સૂટમાં કૂલિંગ સિસ્ટમ પણ હોય છે જે એસ્ટ્રોનટ્સને સ્પેસમાં સર્વાઈવ કરવામાં મદદ કરે છે. એટલે કે તે શરીરના પરસેવાને રિસાઈકલ કરીને એસ્ટ્રોનટ્સને ગરમીથી રાહત આપે છે. આ સૂટમાં પૂરતા પ્રમાણમાં પાણી અને ઓક્સીજનનો સપ્લાય પણ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સ્પેસ સૂટનું વજન કોઈ પણ પ્રકારના સામાન વગર આશરે 21 કિલો હોય છે.
હેલ્મેટ કેવું હોય છે? : સ્પેસ સૂટ સાથે જોડાયેલા હેલ્મેટમાં બે કાચ હોય છે. બહારની તરફનો કાચ સ્પેસમાં સૂરજના તેજ પ્રકાશ સામે રક્ષણ આપે છે તો અંદરની તરફવાળો કાચ હવાને રોકીને રાખે છે. હેલ્મેટની નીચે એસ્ટ્રોનટ્સ `સ્નૂપી કેપ' પહેરે છે તેમાં એકબીજા સાથે વાત કરવા માઈક્રોફોન અને સ્પીકર ફીટ કરેલા હોય છે.